scorecardresearch

ઈસુદાન ગઢવી કોણ છે? કેવી રીતે આવ્યા રાજકારણમાં? પત્રકારથી આપ નેતા સુધીની રાજકીય સફર

Ishudan Gadhvi political journey (ઈસુદાન ગઢવી રાજકીય સફર) : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022) માટે આમ આદમી પાર્ટીએ ઈસુદાન ગઢવીને મુખ્યમંત્રી પદના ઉમેદવાર (AAP Gujarat CM Face) જાહેર કર્યા. ઈસુદાન ગઢવીની પત્રકારથી રાજકારણ સુધીની સફર.

ઈસુદાન ગઢવી કોણ છે? કેવી રીતે આવ્યા રાજકારણમાં? પત્રકારથી આપ નેતા સુધીની રાજકીય સફર
કોણ છે ઇસુદાન ગઢવી? પત્રકારથી રાજકીય સફર

Isudan Gadhvi AAP Gujarat CM Face : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે. ભાજપ, કોંગ્રેસ, આપ દ્વારા પ્રચાર જોરશોરમાં ચાલી રહ્યો છે. ત્યારે આજે અરવિંદ કેજરિવાલે ગુજરાતમાં આપના સીએમ પદના ઉમેદવાર માટે ઈસુદાન ગઢવીને પસંદ કર્યા છે. તો જોઈએ કોણ છે ઈસુદાન? કેવી રીતે એક પત્રકારમાંથી આવ્યા રાજકારણમાં.

કોણ છે ઇસુદાન ગઢવી? પત્રકારથી રાજકીય સફર

ઇસુદાન ગઢવી દ્વારકા જિલ્લાના પીપળીયા ગામના ખેડુત પરિવારમાંથી આવે છે. રાજ્યની વસ્તીમાં 48 ટકા ભાગ અન્ય પછાત વર્ગોનો છે. ગઢવી પણ ઓબીસી સમુદાયમાંથી આવે છે. હાલમાં તેઓ AAPના રાષ્ટ્રીય સંયુક્ત મહાસચિવ છે.

ટીવી પત્રકાર તરીકે ગઢવીએ દૂરદર્શનના લોકપ્રિય શો ‘યોજના’માં કામ કર્યું હતું. ગઢવીએ ગુજરાતી ટીવી ન્યૂઝ ચેનલ ‘વીટીવી ગુજરાતી’ના લોકપ્રિય ન્યૂઝ શો “મહામંથન”ના એન્કર તરીકે ઘણી ખ્યાતિ મેળવી હતી.

ગઢવીએ 2005માં ગુજરાત વિદ્યાપીઠમાંથી માસ કોમ્યુનિકેશન અને જર્નાલિઝમની ડિગ્રી મેળવી હતી. તેમની કારકિર્દીની શરૂઆતમાં, તેમણે 2007 થી 2011 દરમિયાન ETV ગુજરાતી માટે ફિલ્ડ પત્રકાર તરીકે કામ કર્યું હતું. ત્યારે તે પોરબંદરથી રિપોર્ટિંગ કરતા હતા.

ઇસુદાન ગઢવી ગુજરાતના ડાંગ અને કપરાડા તાલુકાઓમાં ગેરકાયદેસર રીતે જંગલો કાપવા સાથે સંકળાયેલા રૂ. 150 કરોડના કૌભાંડના અહેવાલને પગલે સૌપ્રથમ ચર્ચામાં આવ્યા હતા. અહીંથી તેઓ એક નીડર પત્રકાર તરીકે જાણીતા થયા. તેમના આ અહેવાલ બાદ ગુજરાત સરકારે સક્રિયતા દાખવતા અનેક પગલા ભરવા પડ્યા હતા.

ગઢવી 14 જૂન 2021ના રોજ AAPમાં જોડાયા હતા. ગોપાલ ઈટાલિયાને તેમને પાર્ટીમાં લાવવાનો શ્રેય જાય છે. ઇટાલિયા હાલમાં રાજ્યમાં આપ પાર્ટીના વડા છે.

ઇસુદાન ગઢવીએ શું કહ્યું

ઇસુદાન ગઢવીએ કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલે રાજનીતિની આખી તાસીર બદલી નાંખી. તેમણે આટલી મોટી જવાબદારીનો અહેસાસ કરાવ્યો છે. મારે બીજુ કશું નથી જોઈતું પણ ઈશ્વરને પ્રાર્થના છે કે ગુજરાતીઓ માટે કંઈક કરૂ. હું કર્મના સિદ્ધાંતમાં માનવા વાળો વ્યક્તિ છું. મેં ખેડૂતો અને બેરોજગારના અવાજ બનવાની કોશિશ કરી. પરંતુ એક લક્ષ્મણ રેખા હોય કે હું ન્યુઝ ચલાવી શકું પરંતુ કરી નથી શકતો. હું સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવું છું.

આ પણ વાંચોઈસુદાન ગઢવીને કેજરીવાલે સીએમ ઉમેદવાર માટે પસંદ કર્યા, જે કૃષ્ણ નગરી દ્વારકા સાથે ધરાવે છે કનેક્શન, કંસના વંસજોના વિનાશની કરી હતી વાત

ગુજરાતમાં બે તબક્કામાં મતદાન

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી હતી. ગુજરાત વિધાનસભા ચૂંટણીનું મતદાન બે તબક્કામાં થશે. પહેલા તબક્કાનું મતદાન 1 ડિસેમ્બર 2022ના દિવસે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બર 2022ના દિવસે થશે. જ્યારે મતગણતરી 8 ડિસેમ્બર 2022ના રોજ થશે.

Web Title: Ishudan gadhvi aap gujarat cm candidate in gujarat election journalist to political leader