ગુજરાત વિધાનસભા ચૂંટણી : ગુજરાતમાં પ્રચાર દરમિયાન આમ આદમી પાર્ટી (AAP) ના વડા અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) કહ્યું હતું કે તેમનો જન્મ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે થયો હતો. ભગવાને તેમને કંસના વંસજોનો નાશ કરવા મોકલ્યો છે. ભ્રષ્ટાચારીઓ અને ગુંડાઓથી છુટકારો મેળવવા ગુજરાતની જનતા પાસે મોકલ્યા. રસપ્રદ વાત એ છે કે, AAPના મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર ઇસુદાન ગઢવી દ્વારકાના છે, કહેવાય છે કે, દ્વારકા નગરી કૃષ્ણ દ્વારા વસાવવામાં આવી હતી.
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે શુક્રવારે પૂર્વ પત્રકાર ઇસુદાન ગઢવીને ગુજરાત માટે પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ગઢવી AAPના રાષ્ટ્રીય સંયુક્ત મહાસચિવ પણ છે.
ઇસુદાન ગઢવીની ઉમેદવારીને જનતાનો અભિપ્રાય ગણાવતા કેજરીવાલે કહ્યું કે, ગયા અઠવાડિયે અમે આ મુદ્દે લોકોનો અભિપ્રાય માંગ્યો હતો. 16,48,500 પ્રતિભાવો મળ્યા હતા, જેમાંથી 73 ટકા લોકોએ ઇસુદાનભાઇ ગઢવીને પસંદ કર્યા છે.
16.5 લાખ લોકોએ રિસ્પોન્સ આપ્યો
આમ આદમી પાર્ટી એક સપ્તાહ પહેલા પોતાના સમર્થકો અને કાર્યકર્તાઓને ઇ-મેઇલ, ફોન કોલ, એસએમએસ અને વોટ્સએપ દ્વારા મેસેજ કરી ગુજરાતનના મુખ્યમંત્રીના ઉમેદવારની પસંદગી કરવા કહ્યું હતું. કેજરીવાલે જણાવ્યું કે જે નંબર જાહેર કરવામાં આવ્યા હતા તેના પર લગભગ 16.5 લાખ લોકોએ રિસ્પોન્સ આપ્યો છે.
આ પણ વાંચો – ઈસુદાન ગઢવી બન્યા આમ આદમી પાર્ટીના સીએમ ઉમેદવાર, કેજરીવાલે કરી જાહેરાત
ગુજરાત પરિવર્તન ઇચ્છી રહ્યું છે : કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે કહ્યું કે આજે ગુજરાતના ઈતિહાસ માટે સૌથી મહત્વનો દિવસ છે. 27 વર્ષ સુધી લોકો પાસે કોઈ વિકલ્પ ન હોતો. ત્યારે આજે ગુજરાત પરિવર્તન ઇચ્છી રહ્યું છે. આજે લોકોને એક નવો વિકલ્પ મળ્યો છે. અમે રૂમમાં બેસીને નક્કી નથી કરતા કે મુખ્યમંત્રી કોણ હશે. પંજાબની જનતાએ CM ઉમેદવાર નક્કી કર્યા છે. ગુજરાતમાં લાગી રહ્યું છે છે કે આમ આદમી પાર્ટી આવી રહી છે. ત્યારે ગુજરાતમાં દરેક સર્વે ખોટા પડશે અને આમ આદમી પાર્ટીની સરકાર બનશે. અમે જ્યારે સર્વે કર્યો તેમાં 16.48 લાખ લોકોએ મત આપ્યો. જેમાંથી ઈસુદાન ગઢવીને 73 ટકા મત મળ્યા છે.