Ahmedabad Rath Yatra 2025: અમદાવાદમાં 11 જૂને જળયાત્રા નીકળશે, જાણો રથયાત્રાનો ઈતિહાસ

Ahmedabad Rath Yatra Route 2025: 27 જૂને અમદાવાદના ભગવાન જગન્નાથ મંદિરથી શરૂ થતી રથયાત્રા પુરી પછી દેશની બીજી સૌથી મોટી રથયાત્રા માનવામાં આવે છે. આ માટે ત્રણ રથોની જાળવણી અને શણગાર બે મહિના અગાઉથી શરૂ થાય છે.

Written by Rakesh Parmar
June 09, 2025 22:37 IST
Ahmedabad Rath Yatra 2025: અમદાવાદમાં 11 જૂને જળયાત્રા નીકળશે, જાણો રથયાત્રાનો ઈતિહાસ
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. (તસવીર: jagannathjiahd.org)

Ahmedabad Rath Yatra 2025: અમદાવાદના ભગવાન જગન્નાથ મંદિરમાં 148મી રથયાત્રાની તૈયારીઓ ચાલી રહી છે. આ અંતર્ગત 11મી તારીખે જળ યાત્રા મહોત્સવ યોજાશે અને 27મી જૂને અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ તેમના ભાઈ અને બહેન સાથે નગર ભ્રમણ પર જશે. મંદિરના મહંત દિલીપ દાસજી મહારાજે જણાવ્યું હતું કે, ‘ભગવાન જગન્નાથની રથયાત્રા એકમાત્ર એવા ભગવાન છે જે વર્ષમાં એકવાર તેમની બહેન અને ભાઈ સાથે તેમના શહેરમાં તેમના ભક્તોને દર્શન આપવા માટે શહેરની પરિક્રમા કરે છે.’

27 જૂને અમદાવાદના ભગવાન જગન્નાથ મંદિરથી શરૂ થતી રથયાત્રા પુરી પછી દેશની બીજી સૌથી મોટી રથયાત્રા માનવામાં આવે છે. આ માટે ત્રણ રથોની જાળવણી અને શણગાર બે મહિના અગાઉથી શરૂ થાય છે, જેમાં ભગવાન જગન્નાથ, તેમના ભાઈ બલદેવ અને બહેન સુભદ્રા બેસે છે.

રથયાત્રામાં અખાડામાં એકસાથે ત્રણ પેઢીના કરતબો

Ahmedabad Rath Yatra, Ahmedabad rath yatra 2025
અમદાવાદ રથ યાત્રામાં 30 થી વધુ અખાડા કરતબો કરે છે. (તસવીર: સોશિયલ મીડિયા)

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યાકે યાત્રામાં 30 થી વધુ અખાડા કરતબો કરે છે. જે હાલમાં આ યાત્રાની તૈયારીઓમાં વ્યસ્ત છે. દર વર્ષે કુસ્તીબાજો ભગવાન બલભદ્રની સેવા તરીકે યાત્રામાં પોતાની કલા પ્રદર્શિત કરે છે. આ કુશ્તીબાજો આગ સાથે કરતબો કરે છે. આ અંગે જય મહાકાળી અખાડા નંબર 2ના નિરવ દીપકભાઈ સોલંકીએ ઈન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, “હું છેલ્લા 10 વર્ષથી મારા પિતા સાથે રથયાત્રામાં ભાગ લવ છું, મારા પિતા 16 વર્ષના હતા ત્યારથી રથયાત્રામાં બોડી બિલ્ડીંગ કરે છે આજે તેમની ઉંમર 58 વર્ષ છે અને મારી આ ત્રણ પેઢી એક સાથે રથયાત્રામાં ભાગ લઈએ છીએ. અમારા અખાડામાં બોડી બિલ્ડીંગ, લાકડી દાવ, ચક્ર દાવ, તલવારબાજી, વગેરે જેવા કરતબો બતાવીને લોકોનું મનોરંજન કરીએ છીએ”.

સરસપુર ભગવાનનું મોસાળ

તમને જણાવી દઈએ કે, ભગવાનના મોસાળ સરસપુરમાં ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે જગન્નાથજીનું મામેરું થાય છે. લાખો સંતો- ભક્તો સરસપુરની પોળમાં જમણવાર કરે છે અને ત્યારબાદ રથયાત્રા નીજ મંદિર પરત આવવા પ્રસ્થાન થાય છે. આમ સમગ્ર રથયાત્રા ભક્તિ સાથે આનંદ અને ઉલ્લાસનો પર્વ બની રહે છે.

ahmedabad rath yatra route time table
અમદાવાદ રથયાત્રામાં ઘણી ધાર્મિક વિધિ કરવામાં આવે છે. (તસવીર: jagannathjiahd.org)

ભગવાન જગન્નાથ પોતાના ભાઈ બલરામ, બહેન શુભદ્રા સાથે નગરયાત્રાએ નીકળે છે. જેમાં ભગવાન સ્વયં ભક્તોને દર્શન આપવા માટે 14 કિલોમીટરની યાત્રા કરે છે.

અમદવાદ જગન્નાથ મંદિરનો 460 વર્ષ જુનો ઇતિહાસ

એવું કહેવાય છે કે, 460 વર્ષ પહેલાં અમદાવાદમાં જગન્નાથ મંદિર જ્યાં આવેલું છે, તે સાબરમતી નદીના પૂર્વ કિનારે જંગલ હતું. હનુમાનદાસજી નામના એક સંન્યાસી આ જંગલ વિસ્તારમાં સ્થાયી થયા અને તેમણે ભગવાન હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરી હતી. ઓડિશામાં પુરી જગન્નાથ મંદિરની તેમની એક મુલાકાત દરમિયાન તેમણે ભગવાન જગન્નાથ, તેમના મોટા ભાઈ બલભદ્ર (ગુજરાતમાં બલદેવ તરીકે ઓળખાય છે), અને બહેન સુભદ્રાની પવિત્ર મૂર્તિઓ સ્થાપિત કરાવી હતી.

અમદાવાદ રથયાત્રાના રુટ પર પોલીસ બાજ નજર રાખે છે. અમદાવાદ રથયાત્રા ભગવાન જગન્નાથ મંદિર ખાતેથી પ્રતિ વર્ષે અષાઢી બીજે નીકળે છે. અમદાવાદ રથયાત્રા 2025 માટે નીજ મંદિર ટ્રસ્ટ, વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા સઘન આયોજન કરાયું છે. અમદાવાદ રથયાત્રા રુટ અંદાજે 16 કિલોમીટર જેટલો છે. જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરથી નીકળતી રથયાત્રા સરસપુર, કાલુપુર, શાહપુર થઇ નીજ મંદિરે પરત ફરે છે. રથયાત્રા માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. જેમાં સીસીટીવી કેમેરા, ડ્રોન સાથે પોલીસની બાજ નજર હશે. અમદાવાદ રથયાત્રા 2025 બંદોબસ્ત માટે હજારોની સંખ્યામાં પોલીસ જવાનો ખડે પગે રહેશે.

આ પણ વાંચો: જેના પર વિશ્વાસ ન હતો તે કામથી જ આ વ્યક્તિ કમાઈ રહ્યો છે રોજના 3.5 કરોડ રૂપિયા

અમદાવાદમાં પ્રથમ રથયાત્રા ક્યારે નીકળી હતી

વર્ષ 1878માં મહંત નરસિંહદાસજી મંદિરના ચોથા મહારાજ બન્યા. તેમને એક દિવસ સપનામાં ભગવાન જગન્નાથજીના દર્શન થયા. તેમણે પુરીની તર્જ પર અમદવાદમાં રથયાત્રાની શરૂઆત કરવામાં હતી. આમ 2 જુલાઈ 1878ના રોજ અમદાવાદ સૌ પ્રથમ રથયાત્રા નીકળી હતી. આમ વર્ષો બાદ આજે પણ ભવ્ય રીતે રથયાત્રા નિકળે છે અને ભગવાન સ્વયં નગરચર્યાએ નિકળી નગરજનોને દર્શન આપે છે.

અમદાવાદ રથયાત્રા – જળ યાત્રા અને નેત્રોત્સવ વિધિ

અમદાવાદ રથયાત્રામાં ઘણી ધાર્મિક વિધિ કરવામાં આવે છે. જેમાા જળયાત્રા અને નેત્રોત્સવ વિધિ સૌથી મહત્વપૂર્ણ છે. જેઠ અમાસના દિવસે ભગવાન જગન્નાથજી, બલરામ અને બહેન સુભદ્રાની આંખે બાંધેલા પાટા ખોલવામાં આવે છે, જેને નેત્રોત્સવ વિધિ કહેવાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ