Junior Clerk Exam Paper Leak Case: જુનિયર ક્લાર્કની પરીક્ષા 9 એપ્રિલે યોજાવાની છે. તે પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. આ પરીક્ષા યોજાય તે પહેલા પહેલા ગુજરાત એટીએસે જુનિયર ક્લાર્ક પરીક્ષા પેપર લીક મામલે 30 પરીક્ષાર્થીઓની ધરપકડ કરી છે. જેમાં મહિલાઓ પણ સામેલ છે. આ પહેલા પેપર લીક ગેંગના 19 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ આ મામલે કુલ 49 લોકોની ધરપકડ કરી છે અને પેપર લીક સાથે સંકળાયેલ બાકી રહેલી પરીક્ષાર્થીની ધરપકડ કરવાની તપાસ ચાલું છે.
ગુજરાત એટીએસે જુનિયર પેપર લીક મામલે 30 પરીક્ષાર્થીની ધરપકડ કરી છે તેમાં સૌથી વધારે છોટા ઉદેપુર અને દાહોદ જિલ્લાના 8-8 પરીક્ષાર્થી છે. આ સિવાય અરવલ્લીના 4, સાબરકાંઠાના 3, મહીસાગર અને મહેસાણાના 2-2, જ્યારે ગાંધીનગર, ખેડા અને જૂનાગઢ જિલ્લાના 1-1 પરીક્ષાર્થી છે.
ગુજરાત એટીએસ શું કહ્યું
ગુજરાત એટીએસની પ્રેસ નોટમાં જણાવ્યું હતું કે પેપર લીક કેસના મુખ્ય આરોપી ભાસ્કર ચૌધરીની વડોદરા ખાતેની સ્ટેકવાઇઝ ટેકનોલોજી ઓફિસ પર રેઇડ દરમિયાન ઓફિસ ખાતેથી અને આ કેસમાં સંડોવાયેલા અન્ય આરોપી એજન્ટોના વાહનોમાંથી ધરપકડ કરાયેલા પરીક્ષાર્થીઓના 29 જાન્યુઆરીના રોજ લેવાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષાના કોલલેટર, કોરા ચેક, અસલ સર્ટીફિકેટ અને અન્ય દસ્તાવેજો મળી આવ્યા હતા. આ ધરપકડ કરાયેલા પરીક્ષાર્થીઓની વધારે પૂછપરછ કરતા તેમણે કહ્યું હતું કે પરીક્ષાર્થીઓને વડોદરા ખાતે સ્ટેકવાઇઝ ટેકનોલોજી ઓફિસ ખાતે જુનિયર ક્લાર્કની પરીક્ષાની આગળની રાત્રે પરીક્ષામાં પુછવામાં આવનાર પ્રશ્નોની વિગતો આપવામાં આવનાર હતી. જેના બદલામાં પેપરલીકના આરોપીઓને 12 થી 15 લાખ રૂપિયાના આપવાના નક્કી કરાયા હતા.
આ પણ વાંચો – RBIએ ગુજરાતની બે સહકારી બેંકોને દંડ ફટકાર્યો, નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ
ભવિષ્યમાં કોઇ પરીક્ષાર્થી આવી રીતે પેપરલીક કરવાનો પ્રયત્ન ના કરે તે માટે બધા પરીક્ષાર્થીઓ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવા ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ તથા અન્ય સત્તાધીશોને જાણ કરી છે.
પેપર લીક થતા જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ કરી હતી
29 જાન્યુઆરી 2023ના રોજ યોજાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતા આ પરીક્ષા રદ કરવામાં આવી હતી. ગુજરાત એટીએસની તપાસ પ્રમાણે હૈદરાબાદની કે.એલ હાઇટેક પ્રિન્ટીંગ પ્રેસમાંથી પેપર લીક થયું હતું. આ પ્રિન્ટિંગ પ્રેસમાં નોકરી કરતો આરોપી શ્રધાકર લુહાનાએ પેપર મેળવી સાત લાખ રૂપિયામાં પ્રદીપ કુમારને આપ્યું હતું. આ પ્રશ્નપત્ર પ્રદીપ કુમારે મુરારી પાસવાન અને નરેશ મોહંતીને એક પેપર દીઠ પાંચ લાખ રૂપિયામાં વેચવાનું નક્કી કર્યું હતું. મુરારી પાસવાને કમલેશ ભીખારીને એક પ્રશ્નપત્ર દીઠ છ લાખમાં વેચવાનું નક્કી કર્યું હતું. કમલેશ ભીખારીએ મોહમ્મદ ફિરોજને એક પ્રશ્નપત્ર દીઠ સાત લાખમાં વેચવાનું નક્કી કર્યું હતું. આ પછી પ્રશ્નપત્ર સર્વેશ, પ્રભાત કુમાર, મુકેશ, મિન્ટુ, ભાસ્કર ચૌધરી, કેતન બારોટ, રાજ બારોટ, અનિકેત ભટ્ટ, ચિરાયુ અને ઇમરાન સુધી પશ્નપત્ર પહોંચ્યું હતું. જે 7 થી 12 લાખ રૂપિયામાં વેચવાના હતા.





