GPSSB Junior Clerk Exam : ગુજરાતમાં 29 જાન્યુઆરી 2023ના રોજ યોજાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતા આ પરીક્ષા રદ કરવામાં આવી છે. 29 જાન્યુઆરીની વહેલી સવારે પોલીસને મળેલ બાતમી આધારે એક શંકાસ્પદ ઇસમની ધરપકડ કરી ઘનિષ્ઠ પુછપરછ કરતાં તેની પાસેથી ઉપરોકત પરીક્ષાના પ્રશ્નપત્રની નકલ મળી આવેલ હતી. જેથી આ પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરાયો હતો જુનિયર ક્લાર્કની પરીક્ષામાં રાજ્યભરમાં લગભગ 9 લાખ પરીક્ષાર્થીઓ આ પરીક્ષા આપવાના હતા.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્રારા પ્રેસ બ્રિફીંગમાં શું કહ્યું
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્રારા પ્રેસ બ્રિફીંગમાં જણાવ્યું હતું કે અત્યાર સુધીની તપાસમાં બહાર આવેલ તથ્યો જોતા આ કૃત્ય ગુજરાત રાજય બહારની ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલ સંગઠીત ગેંગ હોવાનું જણાય છે, જે ઓર્ગેનાઇઝડ ક્રાઇમ છે. પરીક્ષાના આયોજનને ધ્યાને લઇ પોલીસ તંત્ર ધ્વારા ઘનિષ્ઠ સર્વેલન્સ ગોઠવવામાં આવેલ હતું અને અનિષ્ટ તેમજ અસામાજીક તત્વો ઉપર નજર રાખવામા આવેલ હતી જેના પરિણામે ઉપરોકત ગુનો બને તે પહેલા જ આવા કૃત્યમાં સંડોવાયેલ 15 ઇસમોની અટકાયત કરી આગળની ઘનિષ્ઠ પુછપરછ તથા તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. મહેનતુ અને સાચા ઉમેદવારોને નુકશાન ન થાય તે હેતુથી ઉમેદવારોના વિશાળ હિતમાં તાત્કાલિક નિર્ણય લઇ 29 જાન્યુઆરીના રોજ સવારે 11 કલાકે યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષા મોકુફ કરવા મંડળ ધ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો – ગુજરાતમાં દાયકામાં ડઝનથી વધુ સરકારી ભરતીની પરીક્ષા રદ કરાઇ, ‘પેપર લીક કાંડ’ની ઘટનાઓ પર એક નજર
પરીક્ષા હવે આગામી 100 દિવસમાં યોજવામાં આવશે
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના મતે આ મોકુફ રાખવામા આવેલી સ્પર્ધાત્મક પરીક્ષા હવે આગામી 100 દિવસમાં યોજવામાં આવશે. રાજ્યની અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તારીખો તેમજ શાળા કોલેજોની પરીક્ષાની તારીખો ધ્યાને લઈ ને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ટૂંક સમયમાં પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે.
ઉમેદવારો એસટી બસમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે
મંડળ દ્વારા એવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે કે હવે પછીની પરીક્ષા માટે ઉમેદવારો પરીક્ષા કેન્દ્રો ખાતે આવવા તથા પરત જવા માટે તેમના ઓળખપત્ર (કોલ લેટર/હોલ ટીકીટ)ના આધારે ગુજરાત એસટીબસમાં વિના મૂલ્યે મુસાફરી કરી શકશે.