ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન થયું છે. તેમણે ગુરુવારે સાંજે 9.51 કલાકે દિલ્હીની એઈમ્સમાં અંતિમ શ્વાસ લીધા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે અને કોંગ્રેસ પાર્ટીએ આગામી સાત દિવસ માટે તેના તમામ કાર્યક્રમો રદ્દ કરી દીધા છે. ત્યાં જ દેશમાં સાત દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો છે. બીજી તરફ ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહના દુઃખદ અવસાન નિમિત્તે “કાંકરિયા કાર્નિવલ2024″ના આજ તારીખ 27 ડિસેમ્બર 2024 થી તારીખ 31 ડિસેમ્બર 2024 સુધીના તમામ સાંસ્કૃતિક કાર્યક્રમો મોકુફ રાખવામાં આવ્યા છે.
કાંકરિયા કાર્નિવલના તમામ કાર્યક્રમો મોકૂફ
આ અંગે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ઓફિશિયલ એક્સ હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવી છે, જેમાં જણાવાયું છે કે,”માન. મેયરશ્રી, માન. ડેપ્યુટી મેયરશ્રી, માન. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી, માન. પક્ષના નેતાશ્રી તથા માન. દંડકશ્રી દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ, ભારતના માન. પૂર્વ વડાપ્રધાનશ્રી ડૉ.મનમોહનસિંહના દુઃખદ અવસાન નિમિત્તે “કાંકરિયા કાર્નિવલ2024″ના આજ તારીખ 27 ડિસેમ્બર 2024 થી તારીખ 31 ડિસેમ્બર 2024 સુધીના તમામ સાંસ્કૃતિક કાર્યક્રમો મોકુફ રાખવામાં આવેલ છે. કાંકરિયા લેક ફ્રન્ટ પરિસર ખાતે વિનામૂલ્યે પ્રવેશ ચાલુ રહેશે.જે જાણમાં લેવા વિનંતી છે.”
ફ્લાવરો શોની તારીખોમાં ફેરફાર
આ ઉપરાંત 1 જાન્યુઆરીથી શરૂ થનાર ફ્લાવરો શોની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે, હવે ફ્લાવર શો 3 જાન્યુઆરીથી શરૂ થશે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આજના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: મનમોહન સિંહ ન હોત તો ભારતની અર્થવ્યવસ્થા ડૂબી ગઈ હોત! માત્ર બે અઠવાડિયાનું હતું રિઝર્વ, પછી તેમણે કર્યો કમાલ
અંતિમ સંસ્કાર ક્યાં કરાશે?
દેશના પૂર્વ વડાપ્રધાનોના અંતિમ સંસ્કાર દિલ્હીના એક ખાસ સ્થળે કરવામાં આવે છે. જવાહરલાલ નેહરુની જેમ ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના અંતિમ સંસ્કાર રાજઘાટ સંકુલમાં કરવામાં આવ્યા હતા. ત્યાં જ ઘણા ભૂતપૂર્વ વડા પ્રધાનો માટે એક અલગ સમાધિ પણ બનાવવામાં આવી છે. અટલ બિહારી વાજપેયીની સમાધિની જેમ હંમેશા અટલ કહેવાય છે. જો કે, સ્થળની પસંદગી પૂર્વ પીએમ મનમોહન સિંહના પરિવારના હિસાબે કરવામાં આવશે. એટલું જ નહીં ઘણી વખત એવું પણ બને છે કે અંતિમ સંસ્કાર ગૃહ રાજ્યમાં જ કરવામાં આવે છે.