અમરેલી : દીપડો 2 વર્ષીય બાળકને ઘરમાંથી ઉઠાવી ગયો, સારવાર દરમિયાન બાળકનું મોત, એક અઠવાડિયામાં હુમલાની ત્રીજી ઘટના

દીપડાએ બાળકને તેની ગરદનથી પકડી લીધો અને તેને નજીકની ઝાડીઓમાં ખેંચી ગયો હતો. પરિવારના લોકોએ હિંમત દાખવી પાછળ જતા દીપડો બાળકને મુકી ભાગી ગયો હતો

Written by Ashish Goyal
Updated : May 14, 2023 21:32 IST
અમરેલી : દીપડો 2 વર્ષીય બાળકને ઘરમાંથી ઉઠાવી ગયો, સારવાર દરમિયાન બાળકનું મોત, એક અઠવાડિયામાં હુમલાની ત્રીજી ઘટના
દીપડાની પ્રતિકાત્મક તસવીર

યશપાલ વાળા, અમરેલી : ગુજરાતના અમરેલી જિલ્લામાં વધુ એક બાળક દીપડાના હુમલાનું ભોગ બન્યું છે. વન અધિકારીએ રવિવારે જણાવ્યું હતું કે બે વર્ષના બાળક પર રહેણાંક મકાનમાં દીપડાએ હુમલો કર્યો હતો. અમરેલીમાં એક સપ્તાહમાં બાળકો પર પ્રાણીઓના હુમલાની આ ત્રીજી ઘટના છે. રહેણાંક મકાનમાં આવીને અચાનક જ દીપડાએ બાળક ઉપર હુમલો કરી દીધો હતો, જેમાં બાળકોનું મોત થયુ હતું.

તાજેતરની ઘટના શનિવારની મોડી રાત્રે બની હતી જ્યારે રાજુલા રેન્જના જંગલ હેઠળના કાતર ગામમાં એક ઝૂંપડીમાં બાળક તેના પરિવારના સભ્યો સાથે સૂઈ રહ્યું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે દીપડાએ બાળકને તેની ગરદનથી પકડી લીધો અને તેને નજીકની ઝાડીઓમાં ખેંચી ગયો હતો. પરિવારના લોકોએ હિંમત દાખવી પાછળ જતા દીપડો બાળકને મુકી ભાગી ગયો હતો.

અધિકારીએ જણાવ્યું કે દીપડાના હુમલાના કારણે બાળકને ગળામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને નજીકની મહુવા શહેરની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. વન વિભાગે માનવભક્ષી દીપડાને પકડવા અને તેને માનવ વસાહતથી દૂર ખસેડવા માટે આ વિસ્તારમાં પાંજરા ગોઠવ્યા છે.

આ પણ વાંચો – બોટાદના કૃષ્ણ સાગર તળાવમાં ડુબી જતા 5 સગીરોના કરુણ મોત

ગત સોમવારે જિલ્લાના સાવરકુંડલા તાલુકાના કરજાળા ગામે દીપડાના હુમલામાં ત્રણ વર્ષના બાળકનું મોત થયું હતું. આ પહેલા મંગળવારે અમરેલીના લીલીયા તાલુકાના ખારા ગામ નજીક એક ખુલ્લામાં પરિવાર ઊંઘતો હતો. તે સમયે સિંહણ પાંચ મહિનાના બાળકને ઉઠાવી ગઇ હતી. જેમાં બાળકનું મોત થયું હતું. ઘટના સ્થળ પર માત્ર બાળકના અવશેષો જ મળી આવ્યા હતા.

દીપડાની વધતી જતી વસ્તીના કારણે રહેણાંક વિસ્તારમાં અવરજવર વધી ગઇ છે. જેના કારણે અવારનવાર માણસો પર હુમલા થવાની ઘટનાઓ સતત વધી રહી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ