ગાંધીના ગુજરાતમાં આમ તો દારૂબંધી છે પરંતુ બુટલેગરો આખા રાજ્યમાં દારૂનું મોટા પાયે નેટવર્ક ચલાવે છે. ક્યાંક બેટરીમાંથી અંગ્રેજી દારુ મળે છે તો ક્યાંક ટેન્કરમાં ચોરખાનું બનાવીને દારૂની હેરાફેરી થાય છે. જોકે ગુજરાત પોલીસ પણ બુટલેગરોના દારૂની હેરાફેરીના કીમિયાને નિષ્ફળ બનાવવામાં કોઈ કસર છોડતી નથી. છતા રાજ્યમાં દારૂનો વેપલો થાય છે અને પોલીસ તેને ઝડપી પણ પાડે છે. ત્યારે આવા જ એક ભેજાબાજના મકાનમાં અમદાવાદ ગ્રામ્ય LCB ટીમે દરોડો પાડ્યો હતો, જ્યાં શૌચાલય અને ઘરની દિવાસોની અંદરથી દારૂની લગભગ 800 જેટલી બોટલો નીકળી હતી.
અમદાવાદ ગ્રામ્ય LCB ટીમએ બાતમીના આધારે આધારે અસલાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ચુનારાવાસ, બારેજા ગામ ખાતે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં પોલીસની ટીમે મકાનની તપાસ કરતાં ગુપ્ત રીતે સંતાડવામાં આવેલો મોટી માત્રામાં દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો.
આરોપીએ દારૂ છુપાવવા માટે અનોખી યુક્તિઓ અપનાવી હતી. આરોપીએ શૌચાલયના કમોડની નીચે ખાડો ખોદીને તેમાં દારૂની બોટલો સંતાડી હતી. આ ઉપરાંત મકાનની દીવાલોમાં પણ ચોરખાના બનાવીને દારૂનો જથ્થો છુપાવ્યો હતો. જોકે અમદાવાદ ગ્રામ્ય LCB ટીમે તપાસ કરતાં આ તમામ ચોરખાનાઓમાંથી મોટી માત્રામાં વિદેશી બ્રાન્ડની દારૂની બોટલો મળી આવી હતી.
આ પણ વાંચો: તાપીના 28 આદિવાસી વિદ્યાર્થીઓ ISROના પ્રવાસે, આ પ્રોજેક્ટ અંતર્ગત ઈશરોમાં વિતાવશે 3 દિવસ
અમદાવાદ ગ્રામ્ય LCB ટીમના આ દરોડમાં વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની નાની અને મોટી બોટલો, બિયર સહિત લગભગ 800 જેટલી બોટલો જપ્ત કરવામાં આવી છે. હાલમાં પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ કરી રહી છે.