Devayat Khavad Case : મારામારી કેસમાં ફરાર રહેલા લોક સાહિત્યકાર દેવાયત ખવડે 10 દિવસ બાદ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું છે. મયુરસિંહ રાણાને જાહેરમાં ઢોર માર માર્યા બાદથી દેવાયત ખવડ ફરાર હતો. આ ઘટનામાં પોલીસ ફરિયાદ થયા પછી દેવાયત ખવડ છેલ્લા 10 દિવસથી પોલીસ પકડથી દૂર હતો. દેવાયત ખવડ ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થયા પછી તેને એ ડિવિઝન પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. તેણે મીડિયાને નિવેદન આપતા કહ્યું હતું કે, સમય આવશે ત્યારે જવાબ આપીશ. આવતીકાલે દેવાયત ખવડની જામીન અરજી પર સુનાવણી થશે.
હુમલાનો ભોગ બનેલા બિલ્ડર મયુરસિંહ રાણાએ ન્યાય માટે સીધી જ PMOમાં લેખિત ફરિયાદ કરી હતી. આ સિવાય ગઇકાલે ક્ષત્રિય સમાજના મોટી સંખ્યામાં લોકો રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે ઊમટી પડ્યા હતા અને દેવાયત ખવડને પકડવા માંગ કરી હતી. આ પછી આજે દેવાયત ખવડ પોલીસ સમક્ષ હાજર થયો છે.
આ પણ વાંચો – ગુજરાતમાં શિયાળાની કડકડતી ઠંડી ક્યારે પડશે? હવામાન વિભાગે કરી આગાહી, અમદાવાદમાં પડશે હળવો વરસાદ
ઝઘડાની શરૂઆત સોશિયલ મીડિયામાં અપશબ્દો બોલવાથી થઈ હતી
મયુરસિંહ રાણાના પિતરાઈ ભાઈએ જણાવ્યું હતું કે દેવાયત ખવડ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસમાં હત્યાની કોશિશ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. મયુરસિંહ અને દેવાયત વચ્ચે ઝઘડાની શરૂઆત સોશિયલ મીડિયામાં અપશબ્દો બોલવાથી થઈ હતી. એ બનાવમાં પોલીસે મયુરસિંહ સામે કાર્યવાહી કરી હતી. જોકે આમ છતાં પણ દેવાયત ખવડે પાછળથી આવી હુમલો કર્યો હતો અને જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી.
શું છે સમગ્ર કેસ?
થોડા દિવસો પહેલા બિલ્ડર મયુરસિંહ રાણા સર્વેશ્વર ચોકમાં ચિત્રકૂટ એપાર્ટમેન્ટ પાસે પાર્ક કરેલી પોતાની કાર પાસે જઈ રહ્યા હતા. ત્યારે પાછળથી એક કાર ધસી આવી હતી અને કારમાંથી દેવાયત ખવડ તથા એક અજાણ્યો શખ્સે મયુરસિંહ પર દેવાયત અને અજાણ્યો શખ્સે ધોકા-પાઇપથી માર માર્યો હતો. આ પછી બધા કારમાં નાસી ગયા હતા.