GSRTC Bus Gujarat to Maha kumbh: પ્રયાગરાજ ખાતે ગંગા, યમુના અને પૌરાણિક સરસ્વતીના પવિત્ર સંગમ કિનારે મહા કુંભ મેળા 2025નું આયોજન કરવામાં આવ્યું છે, કરોડો ભક્તો અને આધ્યાત્મિક સાધકો નદીમાં પવિત્ર ડૂબકી મારવા અથવા ‘શાહી સ્નાન’ કરવા માટે આતુર છે. ત્યારે મહાકુંભ-2025માં ભાગ લેવા માટે ગુજરાતથી લાખો શ્રદ્ધાળુઓ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જઈ રહ્યા છે. ગુજરાતના શ્રદ્ધાળુઓને તમામ સેવાઓ અને સુવિધાઓ પૂરી પાડવા માટે રાજ્ય સરકારે ગુજરાતથી પ્રયાગરાજ માટે AC વોલ્વોની શરૂઆત કરી છે. આ સેવા માટે આવતીકાલે એટલે કે 25 તારીખથી બુકિંગ શરૂ થશે અને 27 જાન્યુઆરીથી સેવા શરૂ થશે.
ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે ગુજરાત સરકાર દ્વારા સકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત ટૂરિઝમ વિભાગ અને GSRTC ના સંયુક્ત પ્રયાસ સ્વરૂપે ગુજરાતથી દરરોજ એક એ.સી. વોલ્વો બસ પ્રયાગરાજ માટે ઉપડશે. જેમાં શ્રદ્ધાળુંઓને 3 રાત્રિ અને 4 દિવસનું પેકેજ મળશે, જેમાં પ્રતિ વ્યક્તિ પેકેજ માત્ર રૂ. 8100 રહેશે. આ સેવાનો પ્રારંભ તા.27 જાન્યુઆરીથી થશે.
આ સેવા અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને જાણકારી આપી છે, “હિન્દુ સનાતન ધર્મમાં મહાકુંભનું વિશેષ મહત્વ છે અને આ પૂર્ણ મહાકુંભ 144 વર્ષમાં માત્ર એકવાર આવે છે. આ અવસર પર શ્રદ્ધાળુઓ માટે મહાકુંભની યાત્રા સરળ બનાવવા રાજ્ય સરકારે દરરોજ ગુજરાતથી પ્રયાગરાજ એ.સી. વોલ્વો બસનું સંચાલન કરવા અનોખી પહેલ કરી છે, જે ગુજરાતવાસીઓ માટે રાજ્ય સરકારની આત્મીયતા અને સમર્પણ દર્શાવે છે”.
- પ્રયાગરાજ માટે ગુજરાતથી દરરોજ AC વોલ્વો બસ ઉપડશે.
- પ્રતિ વ્યક્તિ માત્ર 8100 રૂપિયામાં ત્રણ રાત્રિ-ચાર દિવસનું પેકેજ.
- સોમવારથી દરરોજ સવારે 7 વાગ્યે રાણીપ એસ.ટી ડેપો, અમદાવાદથી AC વોલ્વો બસ પ્રયાગરાજ ઉપડશે.
- પ્રયાગરાજ પેકેજનું ઓનલાઈન બુકિંગ તા: 25/01/2025 થી www.gsrtc.in વેબસાઈટ મારફતે કરી શકાશે.
તમને જણાવી દઈએ કે, ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી દરમિયાન પ્રયાગરાજમાં ‘ગુજરાત પેવેલિયન’નું નિર્માણ કરવામાં આવ્યું છે. ગુજરાત પેવેલિયનનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત સહિત વિશ્વભરના પ્રવાસીઓને ગુજરાતના વૈવિધ્યસભર વારસાનો પરિચય કરાવીને યાત્રાળુઓને દરેક શક્ય રીતે મદદ કરવાનો છે. આ પણ વાંચો: બીઝેડ કૌભાંડના એજન્ટ નિકળ્યા સરકારી શિક્ષક, રૂ.1 કરોડનું કમિશન લીધુ