Mahuva Rainfall: હવામાન વિભાગે આગામી 24 કલાકમાં રાજ્યના કેટલાક ભાગોમાં, ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. બીજી તરફ ભાવનગરના જેસરમાં સૌથી વધુ સવા 10 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત આજે સાંજે અમદાવાદમાં પણ મેઘરાજા કડાકાભડાકા સાથે વરસી રહ્યા છે. અમદાવાદ શહેરના મોટા ભાગના વિસ્તારોમાં મેઘો મહેરબાન થયો છે.
આજે બપોરે આશરે 1:00 કલાકે ભાવનગરના મહુવા તાલુકાના તલગાજરડા ગામ નજીક રાતોલ-તલગાજરડા રોડ ઉપરથી જતા મોડેલ હાઈસ્કૂલના અંદાજિત 38 જેટલા વિદ્યાર્થીઓ અચાનક રૂપાવ નદીમાં આવેલા જળસ્તર અને પુરના પ્રવાહમાં ફસાઈ ગયા હતા. આ તમામ બાળકોને સમયસર સહી સલામત રીતે બચાવી લેવામાં આવ્યા છે. ઉપરવાસના ભારે વરસાદને કારણે જળપ્રવાહ ખૂબ તેજ હોવાથી રોડ ક્રોસ કરતી વેળાએ તેમને નદીના બાજુના એક ખાનગી મકાનમાં આશ્રય લેવા મજબૂર થવું પડ્યું હતું.

આ ઘટના અંગે તાત્કાલિક તાલુકા તંત્રને જાણ થતા મહુવા ફાયર ટીમ, પ્રાંત અધિકારી, મામલતદાર તથા સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચીને ગામ લોકોના સહયોગથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો: આગામી 3 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, રાજ્ય સરકારે જિલ્લા કલેક્ટર્સને આપ્યો આદેશ
વધુમાં ફાયર ટીમે બોટ દ્વારા શાળાના બાળકો સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને ટ્રેક્ટર દ્વારા પાણીમાં પ્રવેશ કરીને અંદાજે 50 મીટર દૂર ફસાયેલા બાળકો સાથે સંપર્ક કરવામાં આવ્યો. વરસાદ ધીમો પડતા અને પાણીનો પ્રવાહ ઘટતા સુરક્ષિત રીતે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્થળ પર માનવ સાંકળ બનાવી તમામ બાળકોને સલામત રીતે બહાર લાવવામાં આવ્યા.ઘટનામાં કોઈ પણ બાળકને ઇજા કે જાનહાની થઇ નથી. તમામ બાળકો સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે.

ઉલ્લેખનીય છે કે, સાવચેતીના ભાગરૂપે જામનગર એરફોર્સની ટીમને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી હતી. જરૂર પડે તો સ્થિતિમાં એર લિફ્ટિંગની તૈયારીઓ પણ રાખવામાં આવી હતી.જામનગરથી હેલિકોપ્ટર પણ રવાના કરવામાં આવ્યું છે.





