કોરોનાકાળ પછી એક તરફ જ્યાં વર્ક ફ્રોમ હોમનો ટ્રેન્ડ વધ્યો છે ત્યારે કોર્ટમાં ઓનલાઈન સુનાવણી પણ શરૂ થઈ છે. જોકે ઘણી વખત લોકો કેમેરા સામે વિચિત્ર કામો કરતા નજરે પડી જતા હોય છે. હવે ગુજરાત હાઈકોર્ટમાંથી પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન ટોયલેટ સીટ પર બેઠેલો એક વ્યક્તિ જજ સમક્ષ હાજર થયો. આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
બાર એન્ડ બેન્ચના અહેવાલ મુજબ, આ ઘટના 20 જૂનની છે. જસ્ટિસ નીરજ એસ દેસાઈની બેન્ચ એક કેસની સુનાવણી કરી રહી હતી. આમાં ‘સરમદ બેટરી’ નામનો વ્યક્તિ લોગ ઇન થયો હતો. જે ગળામાં બ્લૂટૂથ ઈયરફોન પહેરેલો જોવા મળી રહ્યો છે. તે થોડા અંતરે રાખેલા ફોન તરફ જોઈ રહ્યો છે. વીડિયોમાં દેખાતા ફ્લશ પરથી એવું લાગે છે કે તે ટોયલેટ સીટ પર બેઠો છે. બાદમાં તે વોશરૂમમાંથી બહાર આવતો પણ જોવા મળે છે. પછી થોડા સમય માટે તે સ્ક્રીનમાંથી બહાર થઈ જાય છે અને ફરીથી એક રૂમમાં જોવા મળે છે.
કોર્ટના રેકોર્ડ મુજબ, તે FIR રદ કરવા માટે દાખલ કરાયેલી અરજીમાં પ્રતિવાદી તરીકે હાજર થયો હતો. તે ફોજદારી કેસમાં ફરિયાદી હતો. બંને પક્ષો વચ્ચે સમાધાન થયા પછી કોર્ટે FIR રદ કરી હતી.
આ પણ વાંચો: અમદાવાદ રથયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યું, જુઓ આકાશી નજારાની અદ્ભુત તસવીરો
ઓનલાઈન કોર્ટ કાર્યવાહી દરમિયાન આવી અનિચ્છનીય ઘટના પહેલીવાર બની નથી. એપ્રિલની શરૂઆતમાં ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન એક વ્યક્તિ કેમેરા પર સિગારેટ પીતો જોવા મળ્યો હતો. કોર્ટે તેના પર 50,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. તેવી જ રીતે દિલ્હી હાઈકોર્ટે પણ સુનાવણી દરમિયાન સિગારેટ પીતા જોવા મળેલા એક વ્યક્તિને સમન્સ પાઠવ્યું હતું.