અમદાવાદ જિલ્લાના બગોદરા ગામમાં એક દંપતી અને તેમના ત્રણ બાળકો તેમના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે પ્રથમ દ્રષ્ટિએ આ સામૂહિક આત્મહત્યાનો મામલો લાગે છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ બગોદરા પોલીસે મૃતકોની ઓળખ વિપુલ વાઘેલા (34), તેમની પત્ની સોનલ (26) અને તેમના બાળકો કરીના (11), મયુર (8) અને પ્રિન્સી (5) તરીકે કરી છે.
ઘટનાનું કારણ તપાસી રહેલી પોલીસ
પોલીસના જણાવ્યા અનુસાર, વાઘેલા પરિવાર બગોદરા બસ સ્ટેન્ડ પાસે રહેતો હતો અને આ ઘટના રવિવારે રાત્રે 1:30 વાગ્યા પહેલા બની હતી. કેસની તપાસ કરી રહેલા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર પી.એન. ગોહિલે જણાવ્યું હતું કે, “પ્રાથમિક દ્રષ્ટિએ આ આત્મહત્યાનો મામલો લાગે છે. તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. આકસ્મિક મૃત્યુનો કેસ નોંધવામાં આવ્યો છે અને અમે ઘટનાના કારણની તપાસ કરી રહ્યા છીએ.”
અહેવાલ મુજબ, વિપુલ વાઘેલા મજૂર તરીકે કામ કરતો હતો અને લોડિંગ રિક્ષા ચલાવતો હતો. આ પરિવાર મૂળ અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરના બડા કોઠા વિસ્તારનો રહેવાસી હતો.
આ પણ વાંચો: કચ્છમાં CRPF જવાને મહિલા ASIનું ગળું દબાવીને હત્યા કરી, સામે આવ્યું કારણ
પરિવાર આર્થિક સંકટનો સામનો કરી રહ્યો હતો
મૃતક વિપુલભાઈ રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. વિપુલ વાઘેલાના સાળાએ જણાવ્યું હતું કે આર્થિક સંકટને કારણે વિપુલે પરિવાર સાથે આત્મહત્યા કરવાનું પગલું ભર્યું હશે. વિપુલે લોન લીધી હતી અને તેના પર હપ્તા ભરવાનું દબાણ હતું. આજે સવારે જ્યારે પરિવાર દેખાયો નહીં, ત્યારે પડોશીઓએ તેમને જાણ કરી. જ્યારે તેઓ ઘટનાસ્થળે આવ્યા અને પડોશીઓ સાથે મળીને બળજબરીથી ઘરનો દરવાજો ખોલ્યો, ત્યારે પાંચેયના મૃતદેહ અંદરથી મળી આવ્યા. આ મામલે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.
આવા જ એક કિસ્સામાં થાણેમાં 32 વર્ષીય મહિલાએ કથિત રીતે તેની ત્રણ સગીર પુત્રીઓ સાથે આત્મહત્યા કરી હતી જ્યારે તેનો પતિ કામ પર ગયો હતો. આ સામૂહિક આત્મહત્યા મુંબઈ નજીક ભિવંડીના ફેને ગામમાં થઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નાઇટ શિફ્ટમાં કામ કરતો પતિ શનિવારે સવારે ઘરે પાછો ફર્યો ત્યારે ચાર મૃતદેહો લટકતા જોઈને ચોંકી ગયો હતો.
અહેવાલ મુજબ પાવરલૂમ કામદાર લાલજી બનવારીલાલ ભારતી તેની પત્ની પુનિતા (ઉંમર 31 વર્ષ) અને પુત્રીઓ નંદિની (ઉંમર 12 વર્ષ), નેહા (ઉંમર 7 વર્ષ) અને અનુ (ઉંમર 4 વર્ષ) સાથે ફેણે ગામના એક ચાલીમાં રહેતા હતા.
(ડિસ્ક્લેમર: આત્મહત્યા એ કોઈ સમસ્યાનો ઉકેલ નથી. જો તમારા મનમાં પણ આવા વિચારો હોય તો તમે આવું કોઈ પગલું ભરતા પહેલા મદદ માંગી શકો છો.)