Vadodara IOCL refinery: વડોદરા જિલ્લાના કોયલી વિસ્તારમાં સોમવારે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડની રિફાઈનરીમાં ભીષણ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ IOLC રિફાઈનરીના સ્ટોરેજ ટેન્કમાં થયો છે. વિસ્ફોટ બાદ રિફાઈનરીમાં આગ લાગી હતી. જેનો ધૂમાડો ઘણા કિલોમીટર દૂર સુધી દેખાયો હતો.
આગ લાગ્યા બાદ આસપાસમાં આવેલી કંપનીઓ પણ દહેશતમાં આવી ગઈ છે. હાલમાં આ આગ પર કાબૂ મેળવવા માટે 10 જેટલાં ફાયર ફાયટર કામે લાગ્યાં છે. આ વિકરાળ આગ પર કાબુ મેળવવા વહીવટીતંત્ર કામે લાગ્યું છે.
વડોદરાના જિલ્લા કલે્ક્ટર બિજલ શાહે જણાવ્યુ કે, આ વિસ્ફોટ બપોરે 3.50ની આસપાસ થયો છે. વડોદરાના કોયલી વિસ્તારમાં આવેલ IOCL રિફાઈનરી ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ભારત સરકારનું સાહસ છે. આગ લાગવાની ઘટનાની જાણકારી મળતા જ ઘટનાસ્થળે સ્થાનિક અધિકારીઓ પહોંચી ગયા છે.
20 વર્ષ પહેલા પણ બની હતી આવી ઘટના
તમને જણાવી દઈએ કે, 20 વર્ષ પહેલા પણ વડોદરામાં ફ્લુઇડ કેટેલિટિક ક્રેકરમાં આવી એક ઘટના બની હતી. વર્ષ 2005ની ઘટનામાં 13 જેટલા લોકો ઘાયલ થયા હતા. આ વિસ્ફોટ ફ્લુઇડ કેટેલિટિક ક્રેકર (FCC) પ્લાન્ટમાં થયો હતો જે બાદ આગ પ્રસરી ગઈ હતી.





