‘ધ ઘોસ્ટ’ ના નામથી આંતરરાષ્ટ્રીય ‘સાયબર સ્લેવરી’ રેકેટ ચલાવનાર નીલેશ પુરોહિતની ધરપકડ

ભારત સરકાર દ્વારા થાઈલેન્ડ અને મ્યાનમાર સરકારના સહયોગથી સેનાની મદદથી ઓપરેશનો હાથ ધરવામાં આવ્યા હતા, જેમાં છેલ્લા ત્રણ વર્ષમાં આશરે 4000 ભારતીય નાગરિકોને મુક્ત કરાવી સ્પેશિયલ ફ્લાઈટ દ્વારા ભારત પરત લાવવામાં આવ્યા છે.

Written by Rakesh Parmar
Ahmedabad November 18, 2025 20:35 IST
‘ધ ઘોસ્ટ’ ના નામથી આંતરરાષ્ટ્રીય ‘સાયબર સ્લેવરી’ રેકેટ ચલાવનાર નીલેશ પુરોહિતની ધરપકડ

ગુજરાત સરકાર દ્વારા ₹500 કરોડના ખર્ચે અધ્યતન ટેક્નોલોજી અને મહત્તમ સ્ટાફ સાથે તૈયાર થઈ રહેલા સાયબર સેન્ટર ફોર એક્સેલન્સ (Cyber Centre of Excellence) દ્વારા આજે વધુ એક મોટી સફળતા મેળવવામાં આવી છે. સાયબર સેન્ટર ફોર એક્સેલન્સ એ મ્યાનમારના KK પાર્ક અને કમ્બોડિયા ખાતે ચાઇનીઝ સાયબર માફિયા દ્વારા સંચાલિત ‘સાયબર સ્લેવરી’ (Cyber Slavery) સ્કેમ સેન્ટરો માટે ભારતીય યુવાનોને સપ્લાય કરતા મુખ્ય સૂત્રધાર-એજન્ટ નીલેશ પુરોહિત ઉર્ફે નીલને ઝડપી પાડ્યો છે.

સાયબર ક્રાઇમના વધતા ગુનાઓ સામે કડક કાર્યવાહી કરવાના સીઆઈડી ક્રાઈમ પોલીસ મહાનિદેશક ડો. કે.એલ.એન. રાવ અને નાયબ પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડના આદેશોને પગલે પોલીસ અધિક્ષક ડૉ. રાજદીપસિંહ ઝાલા, સંજય કેશવાલા અને વિવેક ભેડાના સુપરવિઝન હેઠળ આ સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.

સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમે ટેકનિકલ એનાલિસિસ દ્વારા ‘ઘોસ્ટ’ (Ghost) તરીકે કામ કરતા અને મલેશિયા ભાગી જવાની ફિરાકમાં રહેલા નીલ પુરોહિતને ગાંધીનગર ખાતેથી ઝડપી પાડ્યો હતો. તેના બે મુખ્ય સાથીદાર સબ-એજન્ટ હિતેશ સોમૈયા અને સોનલ ફળદુની પણ ધરપકડ કરવામાં આવી હતી. આજે નીલ પુરોહિતના 14 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. અને આ રેકેટના વધુ બે આરોપીઓ ભાવદીપ જાડેજા અને હરદીપ જાડેજાની પણ ધરપકડ કરવામાં આવી છે.

આંતરરાષ્ટ્રીય સ્તરનું નેટવર્ક

તપાસમાં બહાર આવ્યું છે કે નિલેશ પુરોહિત એક અત્યંત સુવ્યવસ્થિત આંતરરાષ્ટ્રીય સાયબર-સ્લેવરી નેટવર્ક ચલાવતો હતો. તે 126 થી વધુ સબ-એજન્ટોનું સંચાલન કરતો હતો. એટલું જ નહીં આરોપી 30થી વધુ પાકિસ્તાની એજન્ટોના સંપર્કમાં હતો અને 100 થી વધુ ચાઈનીઝ તથા વિદેશી કંપનીઓના HR નેટવર્ક સાથે સીધો કનેક્શન ધરાવતો હતો, જે સાયબર-ફ્રોડ સ્કેમ કેમ્પમાં માણસો સપ્લાય કરતા હતા.

આ પણ વાંચો: સુરત એરપોર્ટ પર બેંગકોકથી આવી રહેલું 1.4 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત, દાણચોર ‘મોબાઇલવાલા’ની ધરપકડ

આરોપી અન્ય 1000 થી વધારે નાગરિકોને સાયબર સ્લેવરી માટે ઉપરોક્ત દેશોમાં મોકલવા માટે ડીલ કરી ચૂક્યો હોવાનું તપાસમાં ધ્યાને આવ્યું છે. જેમાંથી ઓપરેશન પાર પાડયાના આગળના દિવસે જ આરોપીએ એક પંજાબના નાગરીકને કમ્બોડિયા મોકલ્યો હોવાનું તપાસમાં ખુલ્યું છે. આ આરોપી દુબઈ, લાઓસ, થાયલેન્ડ, મ્યાનમાર તથા ઇરાનનો પ્રવાસ કર્યો હોવાનું પણ તપાસમાં જણાઈ આવ્યું છે.

આરોપીએ દક્ષિણ પુર્વ એશિયાઇ દેશોની ટીકીટ બુક કરાવી ભારત, શ્રીલંકા, ફિલિપાઇન્સ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, નાઈજીરિયા, ઇજિપ્ત, કેમેરૂન, બેનિન અને ટ્યુનિશિયા જેવા દેશોના 500 થી વધુ નાગરિકોને સીધા અથવા દુબઈ મારફતે મ્યાનમાર, કમ્બોડિયા, વિયેતનામ અને થાઈલેન્ડ ખાતે સાયબર સ્લેવરી માટે મોકલ્યા હતા. આરોપી નિલેશ પુરોહિત આ સમગ્ર આંતરરાષ્ટ્રીય નેટવર્ક માટે ભરતી, ટ્રાફિકિંગ રૂટ્સ, નાણાકીય વ્યવસ્થા અને ક્રોસ-બોર્ડર કનેક્શન અંગે સંચાલન અને નિયંત્રણ કરતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

આ ભેજાબાજની મોડસ ઓપરેન્ડી પણ ગજબની હતી. આરોપી ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિદેશમાં ઊંચા પગારની ડેટા એન્ટ્રી જોબ્સની લાલચ આપી નાગરિકોને ફસાવતો હતો. ભોગ બનનારના પાસપોર્ટ જપ્ત કરી તેમને બંધક બનાવવામાં આવતા. ત્યારબાદ તેમને ગેરકાયદેસર રીતે મોઇ નદી મારફતે સરહદ પાર કરાવી મ્યાનમારના KK પાર્ક, મ્યાવાડી ટાઉનશિપ જેવા ચાઇનીઝ હબમાં લઈ જઈ ફિશિંગ, ક્રિપ્ટો સ્કેમ, પોન્ઝી સ્કીમ, અને ડેટિંગ એપ દ્વારા છેતરપિંડી જેવા સાયબર ગુનાઓ કરવા માટે બળજબરી કરવામાં આવતી હતી. સહકાર ન આપનારને શારીરિક અને માનસિક હેરાનગતિ કરવામાં આવતી હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં પારિવારિક ઝઘડાની 3 ભયાનક ઘટના

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી નીલ પુરોહિત વ્યક્તિ દીઠ આશરે $2000 થી $4500 (રૂ. 1.6 લાખથી રૂ. 3.7 લાખ) કમિશન મેળવતો હતો, જેમાંથી સબ-એજન્ટોને 30 થી 40 ટકા આપતો હતો. આ સમગ્ર રેકેટમાં નાણાકીય વ્યવહારોને છુપાવવા માટે મ્યુલ એકાઉન્ટ્સ અને પાંચથી વધુ ક્રિપ્ટો વૉલેટ્સ મારફતે કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન થતા હતા.

ભારત સરકાર દ્વારા થાઈલેન્ડ અને મ્યાનમાર સરકારના સહયોગથી સેનાની મદદથી ઓપરેશનો હાથ ધરવામાં આવ્યા હતા, જેમાં છેલ્લા ત્રણ વર્ષમાં આશરે 4000 ભારતીય નાગરિકોને મુક્ત કરાવી સ્પેશિયલ ફ્લાઈટ દ્વારા ભારત પરત લાવવામાં આવ્યા છે. આ પૈકી મોટા ભાગના ભોગ બનનારાઓએ તેમના નિવેદનોમાં એજન્ટ તરીકે નીલ પુરોહિતનું નામ આપ્યું હતું, જે આ ધરપકડમાં મુખ્ય કડી સાબિત થયું છે.

સાયબર સેન્ટર ઑફ એક્સલન્સે આંતરરાષ્ટ્રીય સ્કેમ સિન્ડિકેટ સાથે મળીને આચરવામાં આવેલા માનવ તસ્કરી અને સાયબર ક્રાઇમના ગંભીર ગુનાનો પર્દાફાશ કરી એક મોટું નેટવર્ક તોડ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સાયબર સેન્ટર ઑફ એક્સલન્સની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ