ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, રાજ્યની તમામ મુખ્ય પાર્ટીઓ પોતાની સંપૂર્ણ તાકાત લગાવી મતદારોને રિઝવવા પ્રયત્ન કરી ત્યારે કોંગ્રેસ માટે વધુ એક મોટા ઝટકા સમાન સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને આદિવાસ સમમાજના લોકપ્રિય નેતા મોહન સિંહ રાઠવાએ કોંગ્રેસને રાજીનામું ધરી દીધુ છે. અને ભાજપમાં જોડાઈ ગયા છે. તમને જણાવી દઈએ કે, મોહન સિંહ રાઠવા વરિષ્ઠ નેતા અને 10 વખત ધારાસભ્ય રહી ચુકેલા છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા મોહન સિંહ રાઠવાએ આ વખતે ચૂંટણી નહી લડવાની જાહેરાત કરી હતી. તેઓ કેટલાક દિવસથી પાર્ટીથી નારાજ પણ હતા. તેમણે કહ્યું હતુંકે, હવે હું યુવાઓને મોકો આપવા માંગુ છુ. તેમણે કહ્યું હતું કે, છોટા ઉદેપુરથી હું 11 વખત ધારાસભ્યની ચૂંટણી લડ્યો છું અને બોડેલી, છોટા ઉદેપુર અને જેતપુર પાવીના મારા મતદારોએ મને 10 વખત જીતાડ્યો છે. હવે હું 76 વર્ષનો થઈ ગયો છું અને યુવાઓને મોકો આપવા માંગુ છુ.
કોણ છે મોહનસિંહ રાઠવા
મોહનસિંહ રાઠવા છોટા ઉદેપુર બેઠકના કોંગ્રેસના વરિષ્ઠ અને આદિવાસી નેતા છે. તેમણે છેલ્લા 50 વર્ષથી અત્યાર સુધીમાં 11 વખત ધારાસભ્ય પદ માટે ચૂંટણી લડી છે, જેમાં 10 વખત તેમની જીત થઈ છે. આના પરથી જ આ વિસ્તારમાં તેમની લોકપ્રિયતા સમજી શકાય છે. મોહનસિંહ રાઠવાએ 1980થી 1985માં છોટા ઉદેપુરમાં જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે લોકસભા સીટ પર કોંગ્રેસના ઉમેદવાર અમરસિંહ રાઠવા વિરુદ્ધ ચૂંટણી લડી હતી અને પોતાના રાજનૈતિક જીવનમાં પહેલી વખત હારનો સામનો કરવો પડ્યો હતો. મોહનસિંહ રાઠવાએ બે વખત લોકસભા ચૂંટણી લડી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2002માં તેમણે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી, પરંતુ તે સમયે સાંપ્રદાયિક રમખાણ વચ્ચે મોહન સિંહ રાઠવાને ભાજપાના વેછતભાઈ બારિયાએ રોકી દીધા હતા, પરંતુ ત્યારબાદથી તેઓ સતત જીતતા આવે છે.
ઉલ્લેખનીય છે કે, હમણાં જ ગુજરાત પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પંચમહાલના આદિવાસી વિસ્તાર જાંબુઘોડાની મુલાકાત લીધી હતી અને અહીં આદિવાસી વિસ્તારના લોકોને અંદાજે 885 કરોડના વિવિધ વિકાસ કામોની ભેટ આપી હતી. વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાપર્ણ કરતાં તેમણે આદિવાસી વિકાસ પર ભાર મુક્યો હતો. વધુમાં તેમણે કહ્યું કે, દેશમાં આઝાદી કાળથી જ્યાં સુધી દિલ્હીમાં ભાજપની સરકાર ન આવી ત્યાં સુધી આદિવાસીઓ માટે કોઇ મંત્રાલય ન હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી સંદર્ભે ઇશારો કરતાં કહ્યું કે, આ નરેન્દ્ર ભુપેન્દ્રની ડબલ એંજિનની સરકાર છે. વિકાસની સરકાર છે. કોઇ સહેજ ફાચર મારી ન જાય એનું ધ્યાન રાખવાનું છે. સુરક્ષા કવચ રાખવાનું છે. સૌ સાથે મળીને વિકાસ કરવાનો છે.