Gujarat Weather Update: ગુજરાતમાં મજબૂત એન્ટ્રી કર્યા પછી વરસાદની તીવ્રતા થોડી ઓછી થઈ છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો સૌરાષ્ટ્ર-કચ્છ ક્ષેત્રમાં ચોમાસુ ખૂબ જ સક્રિય રહ્યું. ત્યાં જ રાજ્યના આણંદ અને પંચમહાલ જિલ્લામાં વિવિધ સ્થળોએ ભારે વરસાદ પડ્યો છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણા સ્થળોએ વરસાદ નોંધાયો છે.
આજે સવારે સવારના 6.00 થી સાંજના 6.00 વાગ્યા સુધીમાં 103 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં તાપીના કુકરમુંડામાં 2.4 ઇંચ વરસાદ વરસ્યો છે. આ સિવાય નિઝરમાં 1.97 ઇંચ વરસાદ વરસ્યો છે.
મંગળવારે મધ્યરાત્રિ 12 વાગ્યા સુધી આ જિલ્લાઓ માટે ચેતવણી
હવામાન વિભાગે મંગળવારે મધ્યરાત્રિ 12 વાગ્યા સુધી મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અરવલ્લી, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. આ સમય દરમિયાન આ વિસ્તારોમાં 5 થી 15 મીમી પ્રતિ કલાકની ઝડપે વરસાદ અને મહત્તમ 40 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ગતિ થવાની સંભાવના છે.
આગામી બે દિવસ હવામાન કેવું રહેશે
હવામાન વિભાગે 9 જુલાઈ માટે નર્મદા, સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લાઓ માટે ભારે વરસાદનું યલો એલર્ટ જારી કર્યું છે અને આ સાથે આ વિસ્તારોમાં વાવાઝોડા અને વીજળી પડવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ, ડાંગ અને તાપી જિલ્લાઓ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને અહીં વિવિધ સ્થળોએ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના અન્ય તમામ જિલ્લાઓ માટે મધ્યમ વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: રાજ્યમાં 103 તાલુકામાં વરસાદ, સૌથી વધારે કુકરમુંડામાં 2.4 ઇંચ
હવામાન વિભાગે 10 જુલાઈ માટે નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જારી કર્યું છે. આ સમય દરમિયાન વાવાઝોડા અને વીજળી પડવાની પણ શક્યતા છે. આ ઉપરાંત રાજ્યના અન્ય તમામ જિલ્લાઓ માટે મધ્યમ વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.