Morbi News: મોરબી શહેરના મહેન્દ્રપરા વિસ્તારમાં એક ઘટના લોક મુખે ચર્ચાનું કેન્દ્ર બની છે કારણ કે અહીં શિકાય કરવા નિકેળેલા એક યુવકનું તેની બંદૂકથી જ નિકળેલી ગોળીએ તેનો જીવ લીધો હતો. ત્યાં જ આ ઘટના બાદ લોકો એક જૂની કહેવત ‘શિકારી ખુદ યહાં શિકાર હો ગયા’ને આ ઘટના સાથે સાંકળી રહ્યા છે. જોકે હવે આ ઘટના પરથી પડદો ઊંચકાયો છે અને આ યુવકનું મોત આકસ્મિક નહીં પણ હત્યા થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે.
ખરેખરમાં મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં એક યુવાન પોતાના બે મિત્રો સાથે મોરબી જિલ્લા માળિયા તાલુકાના વાવાણિયા ગામ બાજુ શિકાર કરવા ગયો હતો. દરમિયાન શિકાર કરવા બાબતે મૃતક યુવકની તેના જ મિત્રો સાથે બોલાચાલી થઈ ગઈ હતી. જે બાદ મિત્રએ જ મિત્રને ગોળી ધરબી દીધી હતી. જે બાદ પોતાના બચાવ માટે આરોપીઓએ બાઈક સ્લીપ થઈ ગયાનું તરકટ રચ્યું હતું.
આ પણ વાંચો: સુરતમાં વરાછામાં જમવાનું ખૂટી જતાં જાન પાછી ફરી, કન્યાના એક ફેંસલાના કારણે પોલીસ સ્ટેશનમાં થઈ વિધિ
આ ઘટના બાદ આરોપીઓએ પોલીસ અને મૃતકના પરિવારને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તપાસમાં સત્ય સામે આવ્યું હતું. મૃતક યુવકના પિતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમનો પુત્ર વસીમ તેના મિત્રો સાથે શિકાર માટે ગયો હતો. ત્રણેય મિત્ર શિકારની રાહ જોઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર આ ત્રણેય મિત્રો વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન આરોપી જાવેદે અસલમની બંદૂકથી વસીમ પર ફાયરિંગ કર્યું હતું. જેથી વસીમ પિલુડિયા (ઉં.38)ને ગંભીર ઈજાઓ થઈ હતી, જેના કારણે તેનું મૃત્યુ થયું હતું.
હાલમાં માળિયા તાલુકા પોલીસે મોરબીના મહેન્દ્રપરામાં રહેતા મૃતક યુવકના પિતા ગુલામહુસેન પિલુડિયાની ફરિયાદના આધારે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હત્યા સહિતની કલમ હેઠળ આરોપી અસલમ ગફુરભાઈ મોવર (રહે.વાવડી રોડ, મોરબી) અને જાવેદ ઉર્ફે જાવલો હાજીભાઈ જેડા (રહે.મિયાણા) સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરી છે.