રવિવારે સાંજે ગુજરાતના મોરબીમાં પુલ દુર્ઘટનામાં ભાજપના સાંસદના 12 સગા-સંબંધી મોત થયા છે. રાજકોટના ભાજપના સાંસદ મોહનભાઈ કુંડારિયાના 12 સગા-સંબંધીઓ બ્રિજ અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે, જ્યારે આ બ્રિજ અકસ્માતમાં અત્યાર સુધીમાં કુલ 132 લોકોના મોત થયા છે. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. NDRF, SDRF, આર્મીની ત્રણેય ટુકડીઓ ઘટનાસ્થળે બચાવ કાર્યમાં લાગેલી છે.
સાળાના ભાઈએ 4 દીકરી, 3 જમાઈ, પાંચ બાળક ગુમાવ્યા
સાથે જ ભાજપના સાંસદ મોહનભાઈએ જણાવ્યું કે, આ પુલ અકસ્માતમાં મારી બહેનના સાળા એટલે કે મારા સાળાના ભાઈએ 4 દીકરીઓ, 3 જમાઈ અને 5 બાળકો ગુમાવ્યા છે. આ ખુબ દુખદ છે. તેમણે કહ્યું કે, દોષિતોને બક્ષવામાં આવશે નહીં અને કડક કાર્યવાહી કરવામાં આવશે.
સર્ચ ઓપરેશન ટૂંક સમયમાં પૂર્ણ થશે
એનડીઆરએફના ડીઆઈજી મોહસેન શાહિદીએ ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા કહ્યું કે, સ્થાનિક વહીવટીતંત્ર પાસેથી મળેલી માહિતી મુજબ 132 મૃતદેહો મળી આવ્યા છે અને 2 હજુ પણ લાપતા છે. તેમને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલુ છે. NDRFની 5 ટીમો તૈનાત છે. એસડીઆરએફ, ફાયર બ્રિગેડ, આર્મી, ગરુડ કમાન્ડો પણ છે. સર્ચ ઓપરેશન ટૂંક સમયમાં પૂર્ણ થશે.”
પીએમ મોદી ગુજરાતમાં છે તેમણે પણ દુઃખ વ્યક્ત કર્યું
પીએમ મોદી ગુજરાતમાં છે અને તેમણે પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. આ સાથે પીએમઓ સતત ગુજરાત સરકારના સંપર્કમાં છે. PM મોદીએ કહ્યું કે, “મોરબી અકસ્માત બાદ દેશના દરેક નાગરિકે અકસ્માતનો ભોગ બનેલા લોકો માટે પ્રાર્થના કરવાનું શરૂ કર્યું. અકસ્માત સ્થળ અને હોસ્પિટલમાં સ્થાનિક લોકો મદદ માટે આગળ આવી રહ્યા છે. આજ એકતાની શક્તિ છે.”
આ પણ વાંચો – મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાથી ગમગીની: વિપક્ષે શ્રદ્ધાંજલી સાથે ગુણવત્તા-સુરક્ષાને લઈ ઉઠાવ્યા સવાલ
મોરબી બી ડિવિઝનના પોલીસ ઈન્સ્પેક્ટર પ્રકાશભાઈ દેકાવાડિયા દ્વારા બ્રિજની જાળવણી અને એમજીએમટી એજન્સીઓ સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. એફઆઈઆર કલમ 304 (ગેર ઈરાદતે હત્યા), 308 (ગેર ઈરાદે હત્યા કરવાનો પ્રયાસ) અને 114 હેઠળ દાખલ કરવામાં આવી છે.