મોરબી પુલ દુર્ઘટના : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી, હોસ્પિટલમાં પીડિતોને મળ્યા

Morbi Bridge Collapse: પીએમ મોદીએ મોરબીના એસપી ઓફિસમાં અધિકારીઓ સાથે બેઠક કરી સમીક્ષા કરી, દુર્ઘટના પછી પોલીસ તરફથી શું કાર્યવાહી કરવામાં આવી તેની જાણકારી લીધી

Written by Ashish Goyal
Updated : November 01, 2022 17:48 IST
મોરબી પુલ દુર્ઘટના : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી, હોસ્પિટલમાં પીડિતોને મળ્યા
પીએમ મોદીએ મોરબી પુલ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી

Morbi Bridge Collapse: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે સાંજે મોરબીની મુલાકાતે પહોંચ્યા હતા. પીએમ મોદીએ મોરબીમાં જે સ્થળે પુલ દુર્ઘટનાગ્રસ્ત થયો તે સ્થળની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને બીજેપી અધ્યક્ષ સીઆર પાટીલ પણ પીએમ મોદી સાથે ઘટનાસ્થળે હાજર રહ્યા હતા. અહીંથી તે મોરબી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા જ્યાં ઇજાગ્રસ્તો સાથે વાતચીત કરીને તેમના હાલચાલ પૂછ્યા હતા. પીએમ મોદીએ પુલ દુર્ઘટનામાં બચાવ અને રાહત કામગીરીમાં જોડાયેલા સેનાના જવાનો અને અધિકારીઓ સાથે પણ મુલાકાત કરી હતી.

પીએમ મોદીએ મોરબીના એસપી ઓફિસમાં અધિકારીઓ સાથે બેઠક કરી સમીક્ષા કરી હતી. દુર્ઘટના પછી પોલીસ તરફથી શું કાર્યવાહી કરવામાં આવી તેની જાણકારી લીધી હતી.

પીએમ નરેન્દ્ર મોદી મોરબી આવ્યા હતા તે પહેલા સરકાર દ્વારા સંચાલિત જીએમઇઆરએસ હોસ્પિટલમાં કલરકામ કરવામાં આવ્યું હતું. મોરબીની સરકારી હોસ્પિટલની અનેક તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં હોસ્પિટલમાં રિપેરિંગ અને કલરકામ થતુ હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા

તમને જણાવી દઈએ કે, 30 ઓક્ટોબર 2022 રવિવારની સાંજે ગુજરાતના મોરબી શહેરમાં મચ્છુ નદી પર બનેલો કેબલ બ્રિજ તૂટી પડ્યો હતો. આ ભયંકર દુર્ઘટનામાં 130થી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે.

આ પણ વાંચો – મોરબી દુર્ઘટના પછી ચર્ચામાં છે સસ્પેન્શન બ્રિજ, જાણો કેવી રીતે કરે છે કામ?

2 નવેમ્બરે ગુજરાતમાં રાજયવ્યાપી શોક

2 નવેમ્બરને બુધવારના દિવસે ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક જાહેર કરાયો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ટ્વિટ કર્યું હતું કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં ગાંધીનગર રાજભવન ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગતોના શોકમાં આગામી તારીખ 2 નવેમ્બરે ગુજરાતમાં રાજયવ્યાપી શોક પાળવાનો નિર્ણય આ બેઠકમાં લેવામાં આવ્યો છે. 2 નવેમ્બરે રાજ્યમાં સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રાખવામાં આવશે તેમજ કોઈ સરકારી જાહેર સમારંભો, સત્કાર સમારોહ કે મનોરંજન કાર્યક્રમો યોજાશે નહીં.

તેમણે કહ્યું કે આ દુર્ઘટનામાં જાન ગુમાવનારા દિવંગત આત્માઓની શાશ્વત શાંતિ માટે તેમજ તેમના પરિવારજનોને પરમાત્મા આ આઘાત સહન કરવાની શક્તિ આપે તે માટે રાજ્યભરમાં સૌ તે દિવસે શાંતિ પ્રાર્થના કરે તેવી નમ્ર અપીલ કરું છું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ