Morbi Bridge Collapse: મોરબીમાં આવેલી મચ્છુ નદી પર રવિવારે સાંજે કેબલ બ્રિજ તૂટવાની દુર્ઘટના સર્જાઈ હતી. આ પછી પોલીસ એક્શનમાં આવી ગઇ છે. સોમવારે આ મામલે નવ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જેમની ધરપકડ કરી છે તેમાં બે મેનેજર, બે રિપેરિંગ કોન્ટ્રાક્ટર પિતા-પુત્ર, ત્રણ સિક્યોરિટી ગાર્ડ અને બે ટિકિટ ક્લાર્કનો સમાવેશ થાય છે. રાજકોટ રેન્જ આઈજી અશોક યાદવે આ માહિતી આપી હતી.
રાજકોટ રેન્જ આઈજી અશોક યાદવે સોમવારે આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે મોરબીમાં કમનસીબ ઘટના બની છે, અમે શોક વ્યક્ત કરીએ છીએ. દુર્ઘટનામાં 134થી વધુ લોકોના મૃત્યુ થયા છે, 100થી વધુ વ્યક્તિઓને નાની મોટી ઈજા પહોંચી છે. અમે તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા માટે આઈપીસીની કલમ 304, 308 હેઠળ એફઆઈઆર નોંધી છે. આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવશે. ધરપકડ કરાયેલા લોકોમાં ઓરેવા કંપનીના મેનેજર અને ટિકિટ ક્લાર્કનો સમાવેશ થાય છે. સ્થાનિક લોકોએ બચાવ કાર્યમાં ઘણી મદદ કરી છે.
પત્ની સાથે ત્રણે બાળક ડૂબી ગયા, પરિવાર વિખેરાયો
મોરબીમાં દલવાડી સર્કલ નજીક આવેલા કપુરવાડી વિસ્તારમાં એક જ પરિવારના પાંચ સભ્યો રવિવારની રજા અને વેકેશનનો આનંદ માણવા માટે મચ્છુ નદી પર બનેલા ઝુલતા પુલ પર ગયા હતા, પરંતુ ક્યાં ખબર હતી કે આ પરિવાર સાથેની છેલ્લી મજા છે. પુરો પરિવાર પુલ પર હતો અને પુલ ધડામ લઈ તૂટી પડ્યો અને પુરો પરિવાર નદીમાં પડ્યો હતો અને પુરો પરિવાર વેર વિખેર થઈ ગયો. આ દુર્ઘટનામાં પત્ની હંસાબેન ડાભી, તુષાર (8 વર્ષ), શ્યામ (5 વર્ષ) અને માયા (2 વર્ષ)ના મોત થયા છે. આ રીતે પુરો પરિવાર આ દુર્ઘટનામાં વેરવિખેર થઈ ગયો. પતિ રૂપેશભાઈ હજુ પણ શોકમાં ગરકાવ છે.
આ પણ વાંચો – મોરબી દુર્ઘટના પછી ચર્ચામાં છે સસ્પેન્શન બ્રિજ, જાણો કેવી રીતે કરે છે કામ?
હું ભલે એકતા નગરમાં હોવ, પણ મારું મન મોરબીના પીડિતોમાં છે – પીએમ મોદી
કેવડિયામાં જનસભા સંબોધતા સમયે પીએમ મોદી ભાવુક થઇ ગયા હતા. પીએમ મોદીએ ભાવુક થઇ મોરબી ઝુલતા પુલ હોનારતને લઇ સંવેદના વ્યક્ત કરી હતી. જે અંતર્ગત તેમણે કહ્યું હતુ કે, ‘હું ભલે એકતા નગરમાં હોય, પણ મારું મન મોરબીના પીડિતોમાં છે’. ‘હું આ ઘટનામાં મૃતકોના પરિવાર પ્રતિ સંવેદના વ્યક્ત કરું છું અને કેન્દ્ર સરકાર ગુજરાત સરકારને સંભવિત તમામ પ્રકારની મદદ કરી રહી છે. પીએમ મોદીએ તેના ભાષણમાં વધુમાં કહ્યું હતું કે, ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોની સારવાર થઇ રહી છે. આ સાથે સમગ્ર મામલાની તપાસ માટે ખાસ કમિટીની રચના કરવામાં આવી છે’.