મોરબીમાં મચ્છુ નદી પર બનેલો કેબલ બ્રિજ એટલે કે ઝુલતો પુલ તૂટતા ગોઝારી ઘટના સર્જાઇ અને તેમાં 40 થી વધુ લોકોના નદીમાં ડુબી જવાથી મોત નિપજ્યા છે. 140 વર્ષ જૂનો આ કેબલ બ્રિજ થોડાંક જ દિવસ પહેલા ફરી જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
કેબલ બ્રિજનો ઇતિહાસ
મોરબીમાં મચ્છુ નદી પર બનેલો કેબિલ બ્રિજ 140 વર્ષથી વધારે જૂનો છે.આ પુલનુ ઉદઘાટન પહેલીવાર 20 ફેબ્રુઆરી 1879ના રોજ મુંબઇના ગવર્નર રિચર્જ ટેમ્પલે કર્યુ હતુ. તે સમયે આ બ્રિજ બનાવવાનો ખર્ચ 3.5 લાખ રૂપિયા જેટલો હતો. આ બ્રિજના બાંધકામ માટેનો સંપૂર્ણ માલસામાન ઇંગ્લેન્ડથી આવ્યુ હતુ. મોરબીના દરબારગઢને નજરબાગથી જોડવા માટે આ કેબલ બ્રિજ બનાવવામાં આવ્યો હતો.
હાલ આ ઝુલતો પુલ મોરબીની કુંડ મહાપ્રભુજીની બેઠક અને સામેના કિનારને જોડતો હતો. 140 વર્ષથી વધારે જૂના આ સસ્પેન્શન બ્રિજની લંબાઇ લગભગ 765 ફુટ અને પહોળાઇ 1.25 મીટર છે.

ગુજરાત પ્રવાસન વિભાગની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર મોરબીના પૂર્વ શાસક સર વાધજીએ એક ટેકનીકલ રીતે સંપન્ન અને વિસ્તૃત શહેરનું નિર્માણ કરાવ્યુ હતુ. લોકો શહેરમાં આ ઝુલતા પુલથી પહોંચતા હતા, જે તે સમયે એક કલાત્મક અને ટેકનોલોજીની દ્રષ્ટિએ એક ચમત્કાર ગણાતું હતુ.
આ પણ વાંચોઃ- મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડ્યો VIDEO: અનેક લોકો નદીમાં પડ્યા, બચાવકાર્ય ચાલુ
ઝુલતા પુલનું બે કરોડના ખર્ચ રિનોવેશન કરાયુ
મોરબી શહેર સિરામિક અને ઘડિયાળના મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગ માટે સમગ્ર દુનિયાભરમાં જાણીતું છે. મોરબીમાં મચ્છુ નદી પર બનેલો આ બ્રિજનું રેનોવેશન કરવાનું હોવાથી તે છ મહિના માટે બંધ રાખવામાં આવ્યો હતો. આ પુલના રિનોવેશન પાછળ બે કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો છે. રિનોવેશનની કામગીરી પૂર્ણ થયા બાદ પાંચ દિવસ પહેલા જ તેને જાહેર જનતા માટે ખુલ્લુ મુકવામાં આવ્યુ હતુ.