ગુજરાત ભાજપની ‘નો-રિપીટ’ ફોર્મ્યુલા! CM ભૂપેન્દ્ર પટેલ સિવાય મોટા ભાગના મંત્રીઓના પોતાના પદ પરથી રાજીનામા

Gujarat Cabinet Expansion: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિવાય મોટા ભાગના મંત્રીઓએ પોતાના પદ પરથી રાજીનામા આપી દીધા છે. આ નિર્ણયને કારણે ગુજરાતના રાજકીય વર્તુળોમાં હડકંપ મચી ગયો છે.

Written by Rakesh Parmar
AhmedabadUpdated : October 16, 2025 18:12 IST
ગુજરાત ભાજપની ‘નો-રિપીટ’ ફોર્મ્યુલા! CM ભૂપેન્દ્ર પટેલ સિવાય મોટા ભાગના મંત્રીઓના પોતાના પદ પરથી રાજીનામા
નવા મંત્રીમંડળની શપથવિધિ માટેની સત્તાવાર જાહેરાત રાજ્યપાલ દ્વારા કરી દેવામાં આવી છે. (તસવીર: સોશિયલ મીડિયા)

દિવાળીના તહેવારો પહેલા જ ગુજરાત સરકારના કેબિનેટ મંડળમાં ફેરબદલના સમાચારે ચર્ચાનું બજાર ગરમ કરી દીધુ છે. ત્યારે ગુજરાતના રાજકારણમાં અત્યાર સુધીના સૌથી મોટા અને આશ્ચર્યજનક સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં મંત્રીમંડળના વિસ્તરણની પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. આવામાં સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિવાય મોટા ભાગના મંત્રીઓએ પોતાના પદ પરથી રાજીનામા આપી દીધા છે. આ નિર્ણયને કારણે ગુજરાતના રાજકીય વર્તુળોમાં હડકંપ મચી ગયો છે. ત્યાં જ આવતીકાલે મંત્રીમંડળમાં મોટા પાયે પરિવર્તન થવાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.

ભાજપની ‘નો-રિપીટ’ થિયરી

રાજ્યમાં મંત્રીમંડળના વિસ્તરણની પ્રક્રિયા અંતિમ તબક્કામાં ફરી એકવાર વર્ષ 2021 વાળી થવાના એંધાણ દેખાઈ રહ્યા છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીની ‘નો-રિપીટ’ થિયરીની ફોર્મ્યુલા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મોટા ભાગના વર્તમાન મંત્રીઓને આ વખતે પડતા મૂકવામાં આવે તેવી શક્યતાઓ છે.

આ પણ વાંચો: એક સાથે 24 કિન્નરોએ ફિનાઇલ પીધું? ચોંકાવનારું કારણ આવ્યું સામે, જાણો શું છે આખો મામલો?

આજે બપોરે CM ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને મંત્રીમંડળની બેઠક મળી હતી, જેમાં તમામ મંત્રીઓએ સામૂહિક રીતે રાજીનામા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય બાદ હવે સૌની નજર નવા મંત્રીમંડળની જાહેરાત પર છે.

શપથવિધિની સત્તાવાર જાહેરાત

નવા મંત્રીમંડળની શપથવિધિ માટેની સત્તાવાર જાહેરાત રાજ્યપાલ દ્વારા કરી દેવામાં આવી છે. નવા મંત્રીમંડળની શપથવિધિ આવતીકાલે શુક્રવારે (17મી ઓક્ટોબર) ના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાશે. શપથવિધિ સમારંભ પૂર્ણ થયા બાદ તરત જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં નવી કેબિનેટની પ્રથમ બેઠક પણ યોજાશે.

10 નેતાઓને મંત્રી બનવાની તક મળશે

ભાજપના એક વરિષ્ઠ નેતાના જણાવ્યા અનુસાર મંત્રી પરિષદના વિસ્તરણમાં 10 નેતાઓને મંત્રી બનવાની તક મળી શકે છે અને અગાઉના મંત્રીમંડળમાં રહેલા મંત્રીઓને દૂર કરવામાં આવી શકે છે. ગુજરાત મંત્રી પરિષદમાં મુખ્યમંત્રી પટેલ સહિત 17 મંત્રીઓ હતા. આઠ કેબિનેટ કક્ષાના પ્રધાનો અને એટલી જ સંખ્યામાં રાજ્ય પ્રધાનો હતા. ચર્ચા છે કે જીતુ વાઘાણી, રીવાબા જાડેજા અને જયેશ રાદડિયાનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવી શકે છે.

ગુજરાત વિધાનસભામાં 182 ધારાસભ્યો છે. નિયમો અનુસાર, ગૃહની કુલ સંખ્યાના 15 ટકા અથવા 27 મંત્રીઓ હોઈ શકે છે. ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માને આ મહિનાની શરૂઆતમાં કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલના સ્થાને ભાજપના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. ભૂપેન્દ્ર પટેલે 12 ડિસેમ્બર, 2022ના રોજ બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ