Surat News: સુરતમાં પોતાના પરિવાર સાથે રહેતી એક મહિલાએ બુધવારે રાત્રે ઇમારત પરથી પોતાના બે વર્ષના બાળકને ફેંક્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે પોલીસે જણાવ્યું હતું કે, મહિલાએ પહેલા કથિત રીતે તેના બે વર્ષના પુત્રને ધક્કો મારીને હત્યા કરી હતી બાદમાં તેણે પણ આપઘાત કરી લીધો હતો.
પોલીસે જણાવ્યું હતું કે બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા. માર્તંડ હિલ્સ એપાર્ટમેન્ટ નામની રહેણાંક સોસાયટીમાં સ્થાપિત ગણેશ મંડપ પાસે બંનેના મૃતદેહ દસ ફૂટના અંતરે જોવા મળ્યા હતા. ઘટના સમયે સોસાયટીના રહેવાસીઓ સાંજની પ્રાર્થનામાં હાજરી આપી રહ્યા હતા, તેઓએ મૃતદેહો જોયા બાદ પોલીસને જાણ કરી હતી.
વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, મૃતકોની ઓળખ પૂજા પટેલ (30) અને તેનો પુત્ર કૃષિવ પટેલ તરીકે થઈ છે. પૂજાનો પતિ વિલેશ પટેલ ઘરે ન હતો અને પાડોશી દ્વારા ઘટનાની જાણ કરવામાં આવ્યા બાદ તે પાછો ફર્યો હતો.
અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓએ સીસીટીવી કેમેરાના ફૂટેજ સ્કેન કર્યા હતા અને બુધવારે પૂજા તેના પુત્ર સાથે બિલ્ડિંગના સી ટાવર લિફ્ટમાં પ્રવેશતી અને 13મા માળે બહાર નીકળતી જોવા મળી હતી. જોકે તે સોસાયટીના ટાવર A ના છઠ્ઠા માળે રહેતી હતી.
આ પણ વાંચો: નકલી વિઝા રેકેટ બાદ ગુજરાતમાં નકલી નોટો બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ
પોલીસે જણાવ્યું હતું કે મહિલા મહેસાણાની રહેવાસી હતી. ઘટનાની જાણ થતાં કેટલાક સંબંધીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા, જ્યારે પૂજાના માતા-પિતા અને સાસરિયાઓ ગુરુવારે સવારે સુરત પહોંચ્યા હતા.
અલથાણ પોલીસ ઇન્સ્પેક્ટર ડીડી ચૌહાણે જણાવ્યું હતું કે, “અમે મૃતદેહોને ઓટોપ્સી માટે નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી દીધા છે. સીસીટીવી ફૂટેજમાં પૂજા માર્તંડ હિલ્સ એપાર્ટમેન્ટના સી વિંગના 13મા માળેથી કૂદી પડતા પહેલા તેના પુત્રને બિલ્ડિંગ પરથી ફેંકી દેતી જોવા મળે છે. તેના નિર્ણય પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ખરેખર શું થયું તે સમજવા માટે અમે તેના પતિ, પડોશીઓ અને તેના માતાપિતાના નિવેદનો નોંધીશું.”