સોહિની ઘોષ : 20 એપ્રિલના રોજ નરોડા ગામ કેસમાં વિશેષ અદાલત દ્વારા નિર્દોષ જાહેર કરાયેલા 67 પૈકી એકમાત્ર પોલીસ અધિકારી પર, ફરજમાં બેદરકારી અને તપાસમાં બેદરકારીનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
2002 માં, નરોડા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વીરભદ્રસિંહ સામંતસિંહ ગોહિલની ફરજમાં કથિત બેદરકારી સામે આવી, જ્યારે SITએ તપાસ હાથ ધરી. એસઆઈટીએ ત્યારે ગોહિલ, તેજ પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સપેક્ટર કે કે મૈસૂરવાલા સામે ખાતાકીય કાર્યવાહીની ભલામણ કરી હતી. ગુલબર્ગ હત્યાકાંડ કેસમાં કેસ ચલાવવામાં આવેલા અને બાદમાં નિર્દોષ છુટેલા મેઘનગર પોલીસ ઇન્સ્પેક્ટર કે.જી. એરડા સામે પણ ખાતાકીય કાર્યવાહીની ભલામણ કરવામાં આવી હતી.
ગોહિલ 28 ફેબ્રુઆરી, 2002 થી 7 માર્ચ, 2002 સુધી નરોડા ગામ હત્યાકાંડ કેસની પ્રાથમિક તપાસ અધિકારી તરીકે તપાસ કરી રહ્યા હતા.
એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, ગોહિલ એક જાહેર સેવક તરીકેની તેમની ફરજમાં નિષ્ફળ ગયા હતા, જેથી આરોપીઓને સજાથી બચાવવા માટે તેમને છોડી શકાય. એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, તેમણે ખોટા રેકોર્ડ્સ લખ્યા હતા અને યોગ્ય પ્રક્રિયાનું પાલન ન કરીને હત્યાકાંડમાં માર્યા ગયેલા લોકોના મૃતદેહોને આગ લગાડવાની મંજૂરી આપી પુરાવાનો નાશ કરવાની મંજૂરી આપી હતી.
ફરિયાદી પક્ષના સાક્ષી તરીકે જુબાની આપતા મૈસુરવાલાએ કોર્ટને જણાવ્યું હતું કે, ગોહિલે ખોટા દાવા કર્યા હોય અથવા ઈરાદાપૂર્વક પુરાવાનો નાશ કર્યો હોય તેવા કોઈપણ કેસ અંગે તેઓ જાણતા નથી. તેમણે દાવો કર્યો હતો કે, પ્રાથમિક તપાસકર્તા તરીકે ગોહિલે એફઆઈઆર નોંધવા, પંચનામા નોંધવા અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવા જેવી તેમની ફરજો પૂરી કરી હતી.
આ કેસમાં અનુગામી તપાસકર્તાઓ – પી.એન. બારોટ, આરસી પાઠક અને તરૂણ બારોટ – એ પણ કોર્ટને કહ્યું હતું કે, તેમને ગોહિલના કેસના સંચાલનમાં કોઈ ક્ષતિ જોવા મળી નથી.
આ પણ વાંચો – નરોડા ગામ હત્યાકાંડ કેસ : ‘પુરાવા સુસંગત અને વિશ્વસનીય નથી’, SIT વિશેષ અદાલતે વિસ્તારથી કેસ વિશે જણાવ્યું
કોર્ટે કહ્યું હતું કે, ગોહિલ સેવામાંથી નિવૃત્ત થયા બાદ તેમની સામે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી હતી. જ્યારે સાતથી આઠ સાક્ષીઓએ ગોહિલ પર રમખાણોને ટેકો આપવાનો આરોપ મૂક્યો હતો, ત્યારે કોર્ટે મૈસૂરવાલાના નિવેદનને ધ્યાનમાં લીધું હતું અને એ હકીકતને ધ્યાનમાં લીધી હતી કે, અન્ય કોઈ પુરાવા રેકોર્ડ પર નથી. ગોહિલે પોતાની ફરજ બજાવી ન હતી કે, તપાસમાં બેદરકારી દાખવી હતી એવું કહી શકાય નહીં.
ડિસક્લેઈમર : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, ઓરિજનલ કન્ટેન્ટ વાંચવા માટે અહીં ક્લિક કરો