Navratri 2025: આ નવરાત્રીમાં રાધે ઇવેન્ટ્સ રજૂ કરી રહ્યું છે “રાધે રાસ 2.0” , એક અનોખો ગરબાનો ઉત્સવ, જ્યાં ભક્તિ, પરંપરા અને આધુનિકતા એક સાથે જીવંત થશે. પ્રેમ, આનંદ અને આધ્યાત્મિક ઉર્જાના સંગમ સાથે દરેક ઢોલના તાલે રાધા-કૃષ્ણના પવિત્ર પ્રેમની શાશ્વત રાસલીલા ફરી જીવી ઊઠશે. રાધે ઈવેન્ટ્સ દ્વારા અમદાવાદમાં વિવિયાના ફાર્મ ખાતે 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર એમ 10 દિવસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના અનુસંધાનમાં યોજાયેલ પ્રિ-ગરબા ઇવેન્ટમાં આરજે દિપાલી અને સિદસાબ, રાધે ઈવેન્ટ્સના ફાઉન્ડર અને ગરબા આયોજક નારણ ગઢવી તથા દ્વારકેશ ઇવેન્ટના કરણ દેસાઈ એ માહિતી આપી હતી.
આ વર્ષની નવરાત્રીમાં ખેલૈયાઓ અનેક જાણીતા કલાકારોના સૂર પર ગરબાના તાલે ઝૂમશે. લોકપ્રિય ગાયિકા ઇશાની દવે, લોકફ્યૂઝન માટે જાણીતા અઘોરી મ્યુઝિક તથા પિયુષ ગઢવી અને ડિમ્પલ બિસ્કુટવાલા પોતાના અનોખા પરફોર્મન્સથી ગરબાની રમઝટ બોલાવશે. રાધે ઈવેન્ટ્સ અને દ્વારકેશ ઇવેન્ટ દ્વારા ખાસ કરીને અમદાવાદમાં પ્રથમવાર “શિવ શક્તિ થીમ” સાથે જાગરણ મંડળીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઉજ્જૈનથી આવેલા 30 કલાકારો રાત્રે બે વખત દિવ્ય સંગીત અને ભક્તિ અને આરતીનો અનોખો અનુભવ કરાવશે. સાથે જ, જાગરણ મંડળીમાં અવ્વ્લ કક્ષાના સિંગર નરેશ બારોટ પણ પરફોર્મન્સ આપશે.
આ ગરબાની ખાસિયત એ છે કે અહીં, પરંપરાગત સંગીત સાથે મોર્ડર્ન ડેકોરેશન હશે અને મંડળી ગરબા પણ પરંપરાગતની સાથે મોર્ડર્ન હશે કે જેથી યુવા ખેલૈયાઓને ગરબાની રમઝટ માણવાની મજા આવે. રાધે ઈવેન્ટ્સ છેલ્લા 4 વર્ષથી મંનોરંજન સાથે સાંસ્કૃતિક વારસાને જોડે લઈને ચાલે છે અને સફળ ગરબા ઈવેન્ટનું આયોજન કરે છે.
આ પણ વાંચો: અમદાવાદનું લો ગાર્ડન બજાર ખૈલૈયાઓ માટે સજ્જ, નવરાત્રિની ખરીદી માટે આ ટિપ્સ ફોલો કરો
ઇવેન્ટ માટેની ટિકિટ્સ બુકમાયશો સહિત અનેક પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. ગરબા સ્થળ પર વિશાળ પાર્કિંગ, ફૂડ સ્ટૉલ્સ, મેડિકલ ટીમ, ફાયર સેફ્ટી, વધારાની સુરક્ષા અને દરેક હાજર વ્યક્તિ માટે ઈન્શ્યોરન્સ જેવી સુવિધાઓ પણ આપવામાં આવી છે અને દરેક બાબતનું ધ્યાન રાખવામાં આવ્યું છે.
છેલ્લા ચાર વર્ષથી રાધે ઇવેન્ટ્સ સતત ભવ્યતા સાથે નવરાત્રીના કાર્યક્રમો આયોજિત કરી રહ્યું છે. તેનું લક્ષ્ય માત્ર મનોરંજન પૂરતું નથી, પરંતુ સાંસ્કૃતિક વારસાને સાચવવું અને યુવાનો-પરિવારોને એક મંચ પર જોડવાનું છે. આ વર્ષે “રાધે રાસ 2.0” સાથે મુલાકાતીઓને ભક્તિ, સંગીત, ગરબા અને આધુનિક ડેકોરેશનનો અનોખો મેળાવડો અનુભવાશે, જે યાદગાર બની રહેશે.