ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલે મારકૂટ કરાયા બાદ રાજકુમાર જાટ નામનો યુવક લાપત્તા થયો હતો. આ દરમિયાન યુવકની બહેને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પર તેમના ભાઇના અપહરણ અને માર્યાનો આક્ષેપ કરાયો હતો. ત્યાં જ રાજકુમાર જાટની બહેને જયરાજસિંહ જાડેજા વિરૂદ્ધ સીબીઆઈ તપાસની પણ માંગ કરી હતો. જોકે આ આક્ષેપો બાદ લાપત્તા રાજકુમાર જાટ નામના યુવકનું રાજકોટ નજીકના તરઘડીયા ગામ પાસે વાહન અકસ્માતમાં મૃત્યુ થયાનું પોલીસે જાહેર કર્યું છે.
ગોંડલના ગાયત્રીનગરમાં રહેતા અને પાઉંભાજીનો ધંધો કરતાં રતનલાલ જાટે એસપીને ફરિયાદ કરી હતી કે ગત 2 માર્ચના રોજ તેમનો પુત્ર રાજકુમાર સાથે બાઇક પર ઘરે જતા હતા ત્યારે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલા પાસેથી પસાર થયા હતા ત્યારે ગણેશ જાડેજા અને 8 થી 10 શખ્સોએ તેમના પુત્ર સાથે બંગલામાં મારકૂટ કરી હતી. ત્યાર પછી બંને ઘરે જતા રહ્યા હતા. એ જ દિવસ રાત્રે તેનો પુત્ર રાજકુમાર રહસ્યમય રીતે લાપત્તા બની ગયો હતો.
રહસ્યમય આ ઘટનામાં રાજકોટ જિલ્લા પોલીસે જુદી-જુદી ટીમો બનાવી લાપત્તા રાજકુમારની શોધખોળ ચલાવી રહી હતી. ત્યાં ગઇકાલે તેનું રાજકોટ નજીકના તરઘડીયા પાસે અકસ્માતમાં મૃત્યુ થયાનું પોલીસે જાહેર કર્યું હતું.
આ પણ વાંચો: ગુજરાતમાં નરબલિનો ચોંકાવનારો કિસ્સો! બાળકીનું ગળું કાપી મંદિરમાં ચઢાવ્યું લોહી
પોલીસે એવું જાહેર કર્યું હતું કે રાજકુમાર ગઇ તા. 4ના રોજ મોડી રાત્રે બે વાગ્યે તરઘડીયા નજીકના રામધામ આશ્રમેથી નીકળી રસ્તો ક્રોસ કરતો હતો ત્યારે અજાણ્યો વાહન ચાલક તેને હડફેટે લઇ ભાગી ગયો હતો. બરાબર તે વખતે ત્યાંથી 108 પસાર થઇ હતી. જેના સ્ટાફે રોડ પર પડેલાં રાજકુમારને ઇજાગ્રસ્ત હાલતમાં જોતાં તત્કાળ સિવિલ ખસેડયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
જો કે તત્કાળ કુવાડવા રોડ પોલીસને તેની ઓળખ મળી ન હતી. તેનું પોસ્ટમોર્ટમ કરાવી મૃતદેહને કોલ્ડ રૂમમાં રખાવી દીધો હતો. ગઇકાલે મૃતદેહ રાજકુમારનો હોવાની શંકા જતાં તેના પરિવારજનોને જાણ કરી હતી. જેમાંથી તેના બહેન અને બનેવીએ આવીને મૃતદેહ ઓળખી બતાવ્યો હતો.
આ ઘટના બાદ પોલીસ સૂત્રોએ જણાવ્યું છે કે જ્યાં અકસ્માત થયો છે ત્યાં CCTV કેમેરા નથી, જેથી ક્યા વાહનચાલકે અકસ્માત સર્જ્યો તે વિશે કોઇ માહિતી મળી નથી. આ માટે અન્ય સ્થળોના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યાં છે.
હવે આ મામલે મૃતક યુવકના પિતાનું કહેવું છે કે આ અકસ્માતમાં મૃત્યુ થયાની પોલીસની સ્ટોરી અમને ગળે ઉતરે તેવી નથી. મૃતક રાજકુમારના પિતા રતનલાલ જાટે આ કેસમાં સીબીઆઈ તપાસની માગણી કરી છે. વધુમાં રતનલાલે જાટે કહ્યું કે તેનો પુત્ર ઘરેથી નીકળ્યો ત્યારે ભૂરા કલરનું ટીશર્ટ પહેર્યું હતું જ્યારે તેના મૃતદેહ પરથી લાલ કલરનું ટીશર્ટ મળ્યું છે. આ સંજોગોમાં તેનું ટી શર્ટ કઇ રીતે બદલાઇ ગયું તેવો સવાલ ઉઠે છે. જેનો કોઇ ખુલાસો થયો નથી.