સુરતના સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (SVNIT) માં રવિવારે મોડી રાત્રે એક મોટી ઘટના બની. કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગના ત્રીજા વર્ષના વિદ્યાર્થી અને NRI અદ્વૈત નાયર (20) એ હોસ્ટેલની ઇમારત પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી. તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું. આ ઘટના રાત્રે 11:15 વાગ્યે બની. ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીઓએ કોલેજ મેનેજમેન્ટ પર ટોર્ચર કલ્ચરનો આરોપ લગાવતા વિરોધ કર્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, અદ્વૈત ભાભા ભવન હોસ્ટેલના B-બ્લોકના બીજા માળે રહેતો હતો. તેણે છેલ્લા ત્રણ મહિનાથી વર્ગોમાં જવાનું બંધ કરી દીધું હતું અને મોટાભાગે તેના રૂમમાં જ બંધ રહેતો હતો. ઉમરા પોલીસ ઇન્સ્પેક્ટર જીતેન્દ્ર રાઠવાએ જણાવ્યું હતું કે પોલીસને રાત્રે 11:30 વાગ્યે ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. પોલીસ હોસ્ટેલના CCTV ફૂટેજની પણ તપાસ કરી રહી છે.
અભ્યાસમાં હોશિયાર હતો પરંતુ અચાનક વર્ગોમાં જવાનું બંધ કરી દીધું
મૂળ કેરળનો રહેવાસી અદ્વૈત અને તેના માતા-પિતા ઓમાનમાં રહે છે. તેણે 2023 માં SVNIT માં NRI સીટ પર પ્રવેશ મેળવ્યો હતો. તેણે શરૂઆતના સેમેસ્ટરમાં 80-85 પર્સન્ટાઇલ મેળવ્યા હતા, પરંતુ પછીથી તેનું પ્રદર્શન ઘટવા લાગ્યું અને તેને ક્લાસમાં જવાનું બંધ કરી દીધુ હતું.
કેમ્પસમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનમાં ટોર્ચર કલ્ચરનો આરોપ
ઘટના પછી રાત્રે ડઝનબંધ વિદ્યાર્થીઓએ કેમ્પસમાં વિરોધ કર્યો હતો. તેઓએ આરોપ લગાવ્યો હતો કે કેમ્પસમાં “ટોર્ચર કલ્ચર” અસ્તિત્વમાં છે અને માનસિક તણાવને કારણે આવી ઘટનાઓ બની રહી છે. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓનો આરોપ છે કે ઘટના પછી એમ્બ્યુલન્સ મોડી બોલાવવામાં આવી હતી, જેના કારણે અદ્વૈતને સમયસર સારવાર મળી શકી નહીં. તેઓએ જણાવ્યું હતું કે સંસ્થા માળખાગત સુવિધાઓ પર ઘણા પૈસા ખર્ચ કરે છે પરંતુ વિદ્યાર્થી કલ્યાણ અને કાઉન્સેલિંગ સુવિધાઓની અવગણના કરે છે. તેમણે માંગ કરી હતી કે કેમ્પસમાં એક મજબૂત કાઉન્સેલિંગ સિસ્ટમ હોય અને જો કોઈ વિદ્યાર્થી સતત વર્ગો ચૂકી જાય તો પરિવારોને તાત્કાલિક જાણ કરવામાં આવે.
આ પણ વાંચો: ગુજરાતમાં 6 દિવસ બાદ ઠંડીનું જોર વધશે, રાજ્યમાં 18 થી 25 ડિસેમ્બર દરમિયાન માવઠાની સંભાવના
અદ્વૈતના માતા-પિતા ઓમાનથી સુરત પહોંચ્યા હતા અને મૃતદેહને અંતિમ સંસ્કાર માટે કેરળ લઈ જવામાં આવ્યો હતો. આ પહેલો કિસ્સો નથી અગાઉ 2016 અને 2023 માં SVNIT માં આવી જ ઘટનાઓ બની હતી.





