Gujarat Government : ગુજરાત સરકારે વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય કર્યો છે. ગુજરાતના ખેડૂતો પાસેથી ચાલુ વર્ષે તુવેર, ચણા અને રાયડાના પાકને ટેકાના ભાવે ખરીદી કરવાની ઓનલાઇન નોંધણી પ્રક્રિયાનો આગામી 1 ફેબ્રુઆરી 2023થી રાજ્યભરમાં એક માસ માટે પ્રારંભ કરવામાં આવશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ માહિતી આપી હતી. કૃષિમંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને ચાલુ વર્ષે વિવિધ પાકની ટેકાના ભાવે ખરીદીના આયોજન માટે ગાંધીનગર ખાતે વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.
આગામી 10 માર્ચ 2023 થી 90 દિવસ માટે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે
કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે આ ઓનલાઇન નોંધણી પ્રક્રિયા પૂર્ણ થયેથી રાજ્યભરમાં તુવેરના 135 ખરીદ કેન્દ્રો, ચણાના 187 ખરીદ કેન્દ્રો તેમજ રાયડાના 103 ખરીદ કેન્દ્રો પરથી ખેડૂતો પાસેથી આગામી 10 માર્ચ 2023 થી 90 દિવસ માટે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ખેડુતો પાસેથી પ્રતિદિન 125 મણ સુધીની ખરીદી કરવામાં આવશે. આ ખરીદી માટે રાજ્ય સરકારે રાજ્ય નોડલ એજન્સીની નિમણૂક પ્રક્રિયા પણ હાથ ધરી છે.
ખેડૂતો નોંધણી વિનામૂલ્યે કરાવી શકશે
મંત્રીએ કહ્યું હતું કે ખેડૂતો પાસેથી ટેકાના ભાવથી ખરીદી માટે સમગ્ર રાજ્યમાં ગ્રામ્યકક્ષાએ વિનામૂલ્યે નોંધણી તેના ઇ-ગ્રામ કેન્દ્રો પર વી.સી.ઇ. દ્વારા તા.1 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી 2023 સુધી નાફેડના ઇ-સમૃદ્ધિ પોર્ટલ પર કરવામાં આવશે. ખેડૂતો આ નોંધણી વિનામૂલ્યે કરાવી શકશે જે માટે વી.સી.ઇ.ના મહેનતાણાનો ખર્ચ રાજય સરકાર ભોગવશે.
આ પણ વાંચો – ગુજરાત સરકારે જમીન માપણીની ખામીઓ દૂર કરવા માટે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો
કેટલો જાહેર કર્યો છે ભાવ
મંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં ચાલુ વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા તુવેર પાક માટે પ્રતિ ક્વિન્ટલ 6600 રૂપિયા, એટલે કે પ્રતિ મણ 1320 રૂપિયા, ચણા માટે પ્રતિ ક્વિ. 5335 રૂપિયા એટલે કે પ્રતિ મણ 1067 રૂપિયા તેમજ રાયડાના પાક માટે પ્રતિ ક્વિન્ટલ 5450 રૂપિયા એટલે કે પ્રતિ મણ 1090 રૂપિયાનો ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે.
ગુજરાત સરકાર દ્વારા ચાલુ વર્ષે તુવેર,ચણા અને રાયડાની ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ટેકાના ભાવે ખરીદી કરી શકાય તે માટે આગોતરૂ આયોજન હાથ ધરવામાં આવ્યુ છે.