સુરતથી થાઈલેન્ડની રાજધાની બેંગકોક જતી એર ઈન્ડિયા એક્સપ્રેસની પ્રથમ ચાર કલાકની ફ્લાઈટ દરમિયાન પ્લેનમાં દારૂનું જબરૂં વેચાણ થયું હતું. ફ્લાઈટમાં મુસાફરોએ 2 લાખ રૂપિયાનો દારૂ ઢીંચી નાંખ્યો હતો. જ્યારે મુસાફરોએ સુરત અને બેંગકોક વચ્ચેનો તેમનો પ્રવાસ અનુભવ શેર કર્યો ત્યારે તે થોડી જ વારમાં વાયરલ થઈ ગયો હતો. કેટલાક મુસાફરોએ દાવો કર્યો હતો કે દારૂનો જથ્થો ખતમ થઈ ગયો છે. આ ફ્લાઈટ શુક્રવારે બોઈંગ 737-8 એરક્રાફ્ટ દ્વારા ઓપરેટ કરવામાં આવી હતી. વિમાનમાં 175 મુસાફરો અને છ ક્રૂ મેમ્બર સવાર હતા. વિમાનની પેસેન્જર ક્ષમતા 176 હતી.
લેન્ડીંગ પહેલા જ મુસાફરો બેકાબૂ
ખરેખરમાં એર ઈન્ડિયા એક્સપ્રેસની ચેન્નાઈ-સુરત-બેંગકોક ફ્લાઈટમાં પહેલા દિવસે 98 ટકા સીટો ફુલ હતી. ખાસ વાત એ છે કે સુરતથી બેંગકોકની ફ્લાઈટના પહેલા જ દિવસે મુસાફરોએ દારૂ પીને ફ્લાઈટનું ઉદ્ઘાટન કર્યું હતું. મુસાફરોએ એટલો દારૂ પીધો હતો કે ફ્લાઈટનો આખો સ્ટોક ખલાસ થઈ ગયો હતો. આ ફ્લાઇટમાં લગભગ 175 મુસાફરો સવાર હતા જેમણે 4 કલાકની મુસાફરી દરમિયાન 1.80 લાખ રૂપિયાની કિંમતનો 15 લિટર દારૂ પીધો હતો. આ સાથે મુસાફરોએ ફ્લાઈટમાં વ્હીસ્કી અને બિયર સહિતનો સ્ટોક પણ ખલાસ કરી દીધો હતો.
આટલું જ નહીં સુરતીઓએ ફ્લાઈટમાં નાસ્તાની એટલી મજા માણી કે તમામ નાસ્તો પણ ખતમ થઈ ગયો હતો. ખમણ, થેપલા સહિત તમામ નાસ્તાનો સ્ટોક ખતમ થઈ જવાના કારણે એરલાઈન્સ સ્ટાફ ચિંતિત દેખાયો હતો.
આ પણ વાંચો: ગુજરાતીઓની ક્રિસમસ વેકેશન ટ્રીપ બની મોંઘી, અમદાવાદથી મુંબઈ અને ગોવાની ફ્લાઈટ ટિકિટમાં ધરખમ વધારો
એરલાઈન અધિકારીઓએ કર્યો આ દાવો
જોકે રવિવારે એરલાઇનના અધિકારીઓએ જણાવ્યું હતું કે સુરતથી બેંગકોકની ફ્લાઇટમાં દારૂનું ઝડપી વેચાણ થયું હતું અને સોશિયલ મીડિયા પર કેટલાક લોકો દ્વારા દાવો કરવામાં આવ્યો હતો તે મુજબ સ્ટોક ખતમ થયો નથી. કેટલાક મુસાફરોએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે એરલાઇનમાં દારૂનો જથ્થો ખતમ થઈ ગયો છે. અધિકારીઓએ જણાવ્યું કે વિમાનમાં દારૂ અને ખાદ્ય સામગ્રીનો પૂરતો સ્ટોક હતો.
ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયા એક્સપ્રેસ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સામાન્ય રીતે કોઈ પણ પેસેન્જરને ફ્લાઇટ દરમિયાન 100 મિલીથી વધુ દારૂ પીવાની મંજૂરી નથી. ગુજરાતમાં દારૂ પીવા પર પ્રતિબંધ છે.





