Pathan Movie : શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ પઠાણને લઇને ગુજરાતમાં વિરોધના શૂર ઉઠ્યા છે. અમદાવાદના વસ્ત્રાપુર સ્થિત આલ્ફા વન મોલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો હતો. તેમણે પઠાણ ફિલ્મના હિરો શાહરૂખ સહિત કેટલાક અભિનેતાઓની તસવીરોને નુકસાન કર્યું અને તોડફોડ કર્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ફિલ્મ રીલિઝ થશે તો ઉગ્ર વિરોધની ચીમકી પણ ઉચ્ચારી છે. વાયરલ વીડિયોના આધારે પોલીસે સમગ્ર બાબતની તપાસ હાથ ધરી છે.
અગાઉ રાજભા ગઢવી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો
થોડાક દિવસો પહેલા લોકગાયક રાજભા ગઢવીએ આ ફિલ્મનો વિરોધ કર્યો હતો. રાજભા ગઢવીએ કહ્યું હતું કે ગીતમાં ભગવા કપડા પહેરી અશ્લિલ ડાન્સ કરાયો છે. ફિલ્મ પર સેન્સર બોર્ડ પગલા લે. પઠાણ ફિલ્મ રિલીઝ ન થવી જોઈએ. અમે ફિલ્મ અને ગીતને રિલીઝ નહીં થવા દઈએ.
RSS સાથે જોડાયેલા ગુજરાતના શિક્ષક સંઘે ‘પઠાણ’ ફિલ્મ પર પ્રતિબંધની માંગણી કરી હતી
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે જોડાયેલા શિક્ષક સંઘના ગુજરાત એકમે થોડા દિવસ પહેલા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ પ્રધાન હર્ષ સંઘવીને પત્ર લખીને ફિલ્મ ‘પઠાણ’ અને ફિલ્મના એક ગીત પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી હતી. નેશનલ એજ્યુકેશનલ ફેડરેશનના ગુજરાત એકમે, રાજ્ય સરકારને તેની રજૂઆતમાં જણાવ્યું હતું કે, તેઓ “રાષ્ટ્રીય સંસ્કૃતિ અને વિદ્યાર્થીઓના હિત” માટે થિયેટર અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી ફિલ્મ પર પ્રતિબંધની માંગણી કરે છે અને ઉમેર્યું હતું કે, ફિલ્મ અશ્લીલતાથી ભરેલી છે.
આ પણ વાંચો – ‘બેશરમ રંગ’ ગીતને લઈને દીપિકા પાદુકોણ વિરુદ્ધ મુંબઈ પોલીસમાં થઇ ફરિયાદ
નેશનલ એજ્યુકેશનલ ફેડરેશન, ગુજરાતના પ્રમુખ ભીખાભાઈ પટેલે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું, “અમે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પત્રો મોકલ્યા છે. ગીત અશ્લીલતાથી ભરેલું છે. ગીતમાં પહેરવામાં આવેલા કપડાં જ નહીં, ગીતનું શીર્ષક પણ વાંધાજનક છે… બાળકો પર આની શું અસર થશે? રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 નું દિલ સંસ્કૃતિ અને ભારતીયતા છે. આવા ગીતો અને ફિલ્મોથી કોઈ ફાયદો થશે નહીં.
ફિલ્મ 25 જાન્યુઆરીએ રિલીઝ થશે
શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ અભિનીત આ ફિલ્મ 25 જાન્યુઆરીએ રિલીઝ થશે. આ ફિલ્મના એક ગીત જેની લિરિક્સમાં ” બેશરમ રંગ..” થોડા દિવસ પહેલાજ રિલીઝ થયું હતું. રિલીઝ થતાં જ આ ગીતને લઈને આખા દેશમાં વિરોધ શરૂ થઇ ગયો છે. આ ગીતમાં દીપિકા પાદુકોણએ ભગવા રંગની બિકીની પહેરી છે જેના લીધે આ મામલો વધારે વિવાદોમાં ફસાઈ રહ્યો છે.