PM Narendra Modi Mother Hiraba Passes Away: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું 100 વર્ષની જૈફ વયે શુક્રવારે નિધન થયું છે. પીએમ નરેન્દ્ર મોદી હીરાબાને કાંધ આપીને પ્રોટોકોલ તોડીને અંતિમયાત્રામાં ગાડીમાં બેઠા હતા. સ્મશાનગૃહમાં પહોંચીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુત્ર ધર્મ નિભાવ્યો હતો. નરેન્દ્ર મોદીએ માતાના પાર્થિવ દેહને મુખાગ્નિ આપ્યો હતો. પીએમ મોદીને પોતાની માતા સાથે ઘણો લગાવ હતો. પીએમ મોદીએ પોતાના બ્લોગ Narendramodi.in પર એક વખત માતા વિશે બ્લોગ લખ્યો હતો. તેમા તેમણે ગૃહત્યાગની આ ઘટનાની વિશે વિસ્તૃત રીતે વાત કરી હતી.
મેં ઘર છોડવાની મારી ઇચ્છા જાહેર કરી અને તેમનાં આશીર્વાદ માંગ્યા હતા
પીએમ નરેન્દ્ર મોદીએ લખ્યું હતું કે જ્યારે મેં ઘર છોડવાનો નિર્ણય કર્યો એ અગાઉ મારી માતાને મારા નિર્ણયની ખબર પડી ગઈ હતી. હું અવારનવાર મારા માતાપિતાને કહેતો હતો કે, હું બહાર નીકળવા અને દુનિયાને સમજવા ઇચ્છું છું. મેં તેમને સ્વામી વિવેકાનંદ વિશે જણાવ્યું હતું અને ઉલ્લેખ કર્યો હતો કે, હું રામકૃષ્ણ મિશન મઠની મુલાકાત લેવા ઇચ્છું છું. આ માટે ઘણાં દિવસો લાગશે. છેવટે મેં ઘર છોડવાની મારી ઇચ્છા જાહેર કરી અને તેમનાં આશીર્વાદ માંગ્યા હતા. મારા પિતાને બહુ દુઃખ થયું હતું અને તેમને નારાજ થઈને જણાવ્યું હતું કે, “તને ગમે એ કર.”

આ પણ વાંચો – PM મોદી માતા હીરાબાનું નિધન, સત્તા સંભાળવા જઇ રહેલા નરેન્દ્ર મોદીને હીરાબાએ આપી હતી આ સલાહ
મેં તેમને જણાવ્યું હતું કે, હું તેમના આશીર્વાદ લીધા વિના ગૃહત્યાગ નહીં કરું. જોકે મારી માતા મારી ઇચ્છાઓને સમજ્યાં હતાં અને તેમણે આશીર્વાદ આપ્યાં હતાં. તેમણે મને કહ્યું હતું કે, “તારું મને જે કહે એમ કર.” મારા પિતાને સાંત્વના આપતાં તેમણે કોઈ જ્યોતિષી પાસે મારી કુંડળી દેખાડવા કહ્યું હતું. મારા પિતા એક સંબંધીને લઈને જ્યોતિષીને મળ્યાં હતાં. મારાં જન્માક્ષરનો અભ્યાસ કર્યા પછી તેમણે કહ્યું હતું કે, “તેનો માર્ગ અલગ છે. તેના માટે સર્વશક્તિમાન ઈશ્વરે જે પસંદ કરી રાખ્યો છે એ માર્ગે જ તે અગ્રેસર થશે.”
માતાએ મને એક પવિત્ર નવી શરૂઆત કરવા માટે ગોળ અને દહીં ખવડાવ્યું હતું
થોડા કલાકો પછી મેં ગૃહત્યાગ કર્યો હતો. ત્યાં સુધીમાં મારા પિતા મારા નિર્ણય પર સંમત થયા હતા અને મને આશીર્વાદ આપ્યાં હતાં. ગૃહત્યાગ કરતાં અગાઉ માતાએ મને એક પવિત્ર નવી શરૂઆત કરવા માટે ગોળ અને દહીં ખવડાવ્યું હતું. તેઓ જાણતાં હતાં કે, મારું જીવન પછી એક અલગ માર્ગે જ આગળ વધશે. માતાઓ તેમની લાગણીઓને નિયંત્રણમાં રાખવા અતિ કુશળ હોઈ શકે છે, પણ જ્યારે તેમનું બાળક ઘર છોડીને જાય છે, ત્યારે તેમના માટે સ્થિતિ મુશ્કેલ બની જાય છે. માતાની આંખમાં આંસૂ હતા, પણ મારા ભવિષ્ય માટે બહુ આશીર્વાદ આપ્યાં હતાં.
એકવાર ગૃહત્યાગ કર્યા પછી હું ગમે ત્યાં હતો અને ગમે તેવી સ્થિતિમાં હતો, પણ મારી માતાના આશીર્વાદ હંમેશા મારી સાથે હતાં.