PM Narendra Modi Mother Heeraben Death Live Updates: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું શુક્રવારે વહેલી સવારે ટૂંકી બિમારી બાદ નિધન થયું છે. વડાપ્રધાન સહિત અનેક રાજકીય આગેવાનો, મહાનુભાવોની ઉપસ્થિતિમાં શુક્રવારે સવારે હીરાબાના અંતિમ સંસ્કાર કરાયા. વડાપ્રધાન મોદીએ માતાના નિધન અંગે દુ:ખ વ્યક્ત કરતાં લખ્યું છે કે, શાનદાર શતાબ્દિનો ઇશ્વર ચરણોમાં વિરામ… વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો માતૃપ્રેમ અનેરો છે. માતા હીરાબા અને નરેન્દ્ર મોદી વચ્ચે અતૂટ પ્રેમ હતો. મોદીએ માતાના જન્મ દિવસે બ્લોગ દ્વારા માતા પ્રત્યેનો પ્રેમ શબ્દોમાં વ્યક્ત કર્યો હતો. મોદીએ સહર્ષ સ્વીકાર કર્યો છે કે, મારા ઉછેરથી લઇને આત્મ વિશ્વાસ સહિતમાં માતાનો પ્રભાવ રહ્યો છે. મોદી જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે હીરાબાએ નરેન્દ્ર મોદીને ખાસ સલાહ આપી હતી.
હીરાબાએ મોદીને કહ્યું હતું કે, ક્યારેય લાંચ ન લેતાં
માતા હીરાબા સાથેનો માતૃપ્રેમ શબ્દોમાં વ્યક્ત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના બ્લોગમાં લખ્યું છે કે, માતાએ મને મક્કમ સંકલ્પ કરવા અને ગરીબોના કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરવા હંમેશા મને પ્રેરિત કર્યો છે. મને યાદ છે, જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી બનીશ એવો નિર્ણય લેવાયો હતો, ત્યારે હું રાજ્યમાં નહોતો. જેવો હું ગુજરાત પહોંચ્યો, હું સીધો મારી માતાને મળવા ગયો હતો. તેમને બહુ આનંદ થયો હતો અને પૂછ્યું હતું કે, હું ફરી તેમની સાથે રહેવા આવ્યો છું. પણ તેઓ મારા જવાબને જાણતા હતા! પછી તેમણે મને કહ્યું હતું કે, “હું સરકારમાં આપના કામને સમજતી નથી, પણ હું તમને કહેવા ઇચ્છું છું કે, ક્યારેય લાંચ ન લેતાં.”
હીરાબાના આશીર્વાદ હંમેશા મારી સાથે છે…
દિલ્હી આવ્યાં પછી હવે તેમને મળવાનું બહુ ઓછું થાય છે. કેટલીક વાર જ્યારે હું તેમને મળવા ગાંધીનગર જાવ છું, ત્યારે હું તેમને થોડા સમય માટે મળું છું. હું અગાઉની જેમ અવારનવાર તેમને મળવા જતો નથી. જોકે મારી માતાએ મારી ગેરહાજરીને લઈને ક્યારેય કોઈ પણ પ્રકારનો અસંતોષ વ્યક્ત કર્યો નથી. તેમનો પ્રેમ અને લગાવ મારા માટે એવો જ રહ્યો છે. તેમના આશીર્વાદ હંમેશા મારી સાથે છે. મારી માતા અવારનવાર મને કહે છે કે, “આપ દિલ્હીમાં ખુશ છો? તમને ગમે છે?”
હીરાબા કહેતા, કોઇની સાથે ક્યારેય ખોટું કે ખરાબ ન કરો
તેમણે મને ખાતરી આપી છે કે, મારે તેમની ચિંતા કરવી ન જોઈએ અને મોટી જવાબદારી પર હંમેશા નજર રાખવી જોઈએ. જ્યારે ફોન પર તેમની સાથે વાત કરું છું, ત્યારે તેઓ કહે છે કે, “કોઈની સાથે ક્યારેય ખોટું કે ખરાબ ન કરો તથા ગરીબો માટે હંમેશા કામ કરતાં રહો.”
એક જ મંત્ર હતો, મહેનત કરો સતત મહેનત કરો
જો હું મારા માતાપિતાના જીવન પર એક નજર નાંખું છું, ત્યારે મને તેમની પ્રામાણિકતા અને સ્વમાન તેમના સૌથી મોટાં ગુણો જણાય છે. ગરીબી સાથે સંઘર્ષ અને તેની સાથે વિવિધ પડકારો જોડાયેલા હોવા છતાં મારા માતાપિતાએ પ્રામાણિકતાનો માર્ગ ક્યારેય છોડ્યો નહોતો કે તેમના આત્મસન્માન સાથે સમાધાન કર્યું નહોતું. કોઈ પણ પડકાર ઝીલવા માટે તેમનો એક જ મંત્ર હતો – મહેનત કરો, સતત મહેનત કરો!
આ પણ વાંચો : માતા હીરાબા પ્રત્યેનો માતૃપ્રેમ, PM મોદીના શબ્દોમાં…
PM Narendra Modi Mother Heeraba death updates: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું 100 વર્ષની જૈફ વયે નિધન થયું છે. અમદાવાદમાં આવેલી યુએન મેહતા હોસ્પિટલમાં દાખલ હીરાબાનું શુક્રવારે 30 ડિસેમ્બરે વહેલી સવારે હોસ્પિટલના બિછાને નિધન થયું હતું. વડાપ્રધાન મોદીએ આ અંગે એક ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું.