ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. ગુરુવારે અમદાવાદમાં નરોડાથી ચાંદખેડા સુધી પીએમ નરેન્દ્ર મોદીનો 30 કિમી લાંબો રોડ-શો યોજાયો હતો. વડાપ્રધાન આ રોડ-શો દરમિયાન જે રસ્તેથી પસાર થઇ રહ્યા હતા ત્યાં એક સ્થળે રસ્તા પર એમ્બ્યુલન્સ આવી જતા પીએમના કાફલાએ એમ્બ્યુલન્સને રસ્તો આપ્યો હતો.

પીએમ વડાપ્રધાનના કાફલાએ એમ્બ્યુલન્સને રસ્તો આપ્યો હોય તેવી આ પહેલી ઘટના નથી. આ અગાઉ 9 નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશના ચંબી ગામમાં એમ્બ્યુલન્સને જવા દેવા માટે તેમના કાફલાને રોક્યા હતા. વડાપ્રધાન ચૂંટણી રેલીને સંબોધવા કાંગડા જિલ્લામાં હતા.
ગુજરાત પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્રનો આજે અમદાવાદમાં 30 કિમી લાંબો રોડ-શો યોજાયો હતો તેમાં આ એમ્બ્યુલન્સના દ્રશ્યો સર્જાયા હતા. ભાજપ દ્વારા શેર કરવામાં આવેલા એક વીડિયોમાં આ રોડ-શો દરમિયાન રસ્તાના કિનારે એકઠા થયેલા લોકોનું વડાપ્રધાન હાથ હલાવીને અભિવાદન કરી રહ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીના રોડ-શોનો કાફલો જે રસ્તા પરથી પસાર થઇ રહ્યો હતો તે દરમિયાન રસ્તા પર એક એમ્બ્યુલન્સઆવી પહોંચી. એમ્બ્યુલન્સને જોઇને ત્યાં તૈનાત ટ્રાફિક પોલીસની ટીમે એમ્બ્યુલન્સને જવા દેવા માટે બેરિકેડ્સ ખોલી દીધા હતા.
આ પણ વાંચોઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ક્યાં કેટલું મતદાન થયુ?
પ્રથમ તબક્કામાં 59 ટકા મતદાન
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 પ્રથમ તબક્કા માટે 19 જિલ્લાની 89 બેઠકો માટે ગુરુવારે મતદાન શાંતિભર્યા માહોલ વચ્ચે પૂર્ણ થયું છે. ગુજરાતમાં પહેલા તબક્કાનું મતદાન અંદાજીત સરેરાશ મતદાન 59 ટકા જેટલું થયું છે. જોકે, પહેલા તબક્કાના મતદાનમાં આદિવાસી વિસ્તારમાં વધારે મતદાન માટે વધારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જેમાં તાપી જિલ્લામાં સૌથી વધારે 72.32 ટકા મતદાન થયું હતું. જિલ્લાની નિઝર બેઠક પર 77.87 ટકા સૌથી વધારે મતદાન નોંધાયું છે. જ્યારે સૌથી ઓછું ભાવનગર જિલ્લામાં 51.34 ટકા મતદાન નોંધાયું છે. જિલ્લામાં પાલિતાણા બેઠક પર 44.77 ટકા સૌથી ઓછું મતદાન જોવા મળ્યું છે.