Viral Video: ગુજરાતમાં ગઈકાલે બે ઘટનાઓના વીડિયો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યા હતા, એક વીડિયો વડોદરાના કારેલીબાગમાં થયેલા ભયાનક અકસ્માતનો હતો તો બીજો વીડિયો અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં બેફામ બનેલા ગુંડાઓનો હતો. બંને ઘટનામાં પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે. જોકે અમદાવાદના વસ્ત્રાલમાં કેટલાક તોફાની તત્વોએ રસ્તાની વચ્ચે ખુલ્લેઆમ લોકો પર ક્રૂરતાથી હુમલો કર્યો હતો. આ સાથે, બદમાશોએ ઘણા વાહનોમાં તોડફોડ કરી અને આતંક મચાવ્યો. આ ઘટનાનો ભયાનક વીડિયો પણ સામે આવ્યો છે. રસ્તાની વચ્ચે બનેલી આ ભયાનક ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
શું છે આખો મામલો?
અમદાવાદના વસ્ત્રાલમાં રસ્તા પર અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો. તમને જણાવી દઈએ કે આ મામલો પૂર્વ ગૃહમંત્રીના મતવિસ્તારનો છે. ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે. સ્થાનિક લોકો કહે છે કે આ ગુજરાત છે કે બીજું કોઈ અન્ય રાજ્ય છે. આ ઘટનાના જે વીડિયો સામે આવ્યો છે તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં બદમાશો રસ્તા પર હોબાળો મચાવી રહ્યા છે. ઘણી કાર અને વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી અને લોકોને માર પણ મારવામાં આવ્યો હતો.
11 લોકોની ધરપકડ કરવામાં આવી
વસ્ત્રાલમાં રસ્તા પર અંધાધૂંધીની આ ઘટના હોળીની એક રાત પહેલા પ્રકાશમાં આવી છે. જ્યારે આ ઘટનાનો વીડિયો વાયરલ થયો ત્યારે પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી. આ પછી પોલીસે મોડી રાત્રે કાર્યવાહી કરી અને અમદાવાદના વસ્ત્રાલમાં અશાંતિ ફેલાવનારા 11 લોકોની અટકાયત કરી હતી અને તેમને કાયદાનો પાઠ ભણાવ્યો હતો.
વસ્ત્રાલમાં આતંક ફેલાવનારાઓને કાયદાનું ભાન કરાવવામાં અમદાવાદ પોલીસે જરા પણ સમય વેડફ્યો નહીં અને તેમને ઝડપી પાડ્યા હતા ત્યાં જ રિકન્સ્ટ્રક્શન માટે ઘટના સ્થળ પર લુખ્ખાઓને લઈ જઈને મેથીપાક ચખાડ્યો હતો. આ દરમિયાન રસ્તાઓ પર સ્થાનિક લોકોની જબરજસ્ત ભીડ જોવા મળી હતી.
આ પણ વાંચો: વડોદરામાં ભયાનક કાર અકસ્માત સર્જનારા નબીરાનું નિવેદન આવ્યું સામે, આખો ઘટનાક્રમ જણાવ્યો
વડોદરામાં ભયાનક અકસ્માત થયો
વડોદરામાં મોડી રાત્રે એક કાર ચાલકે અનેક લોકોને ટક્કર મારી હતી. આ અકસ્માત કારેલીબાગ સ્થિત આમ્રપાલીમાં થયો હતો. આ ભયાનક અકસ્માતમાં એક મહિલાનું મોત નીપજ્યું છે, જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માત કર્યા પછી પણ, યુવક એટલો નશામાં હતો કે તે પોતાના હોશ ગુમાવી બેઠો અને રસ્તા પર ચીસો પાડતો જોવા મળ્યો. કાર ચલાવનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.





