ભારતીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં રાષ્ટ્રીય અને પ્રાદેશિક રાજકીય પક્ષોને ડોનેશન, પાર્ટી યોગદાન અને ઇલેક્ટ્રોલ બોન્ડ મારફતે કુલ 16,071.60 કરોડ રૂપિયાની આવક પ્રાપ્ત થઇ છે. જેમાંથી આઠ રાષ્ટ્રીય પક્ષોને 12,842.28 કરોડ કરોડ જ્યારે બાકીના 3229.32 કરોડ રૂપિયા પ્રાદેશિક પક્ષોને મળ્યા છે.
એસોસિએશન ફોર ડોમેક્રેટિક રિફોર્મ્સ (ADR) દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટમાં ગુજરાતના રાજકીય પક્ષોની છેલ્લા પાંચ વર્ષની કમાણીના આંકડાનું વિશ્લેષ્ણ કરવામાં આવ્યુ છે.
ભાજપને સૌથી વધુ કોર્પોરેટ ડોનેશન મળ્યુ
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)ના અહેવાલ અનુસાર રાજકીય પક્ષોને પાંચ વર્ષના સમયગાળામાં કોર્પોરેટ કંપનીઓ તરફથી રૂ. 4014.58 કરોડનું કોર્પોરેટ ડોનેશન મળ્યું છે, જેમાંથી 174.06 કરોડ રૂપિયા અથવા 4.34 ટકા ડોનેશન ગુજરાતમાંથી મળ્યું છે.

આ સાથે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતને મળેલા કુલ 174 કરોડ રૂપિયના કોર્પોરેટ ડોનેશનમાંથી 163.54 કરોડ રૂપિયા એકલા ભાજપને મળ્યા છે, એટલે કે 94 ટકા નાણાં એક જ પાર્ટીને મળ્યા છે. ભાજપને 1519 કોર્પોરેટ ડોનરોએ દાન આપ્યું છે. ભાજપને મળેલી કોર્પોરેટ ડોનેશનની રકમ એ કોંગ્રેસને પ્રાપ્ત થયેલી રકમ કરતા 16 ગણી વધારે છે. કોંગ્રેસને છેલ્લા પાંચ વર્ષમાં 47 કોર્પોરેટ કંપનીઓએ માત્ર 10.46 કરોડ રૂપિયાનું જ દાન કર્યું છે. તો આપ પાર્ટીને માત્ર 4 કંપનીએ 32 લાખ રૂપિયાનું જ દાન આપ્યુ છે.

ચૂંટણી બોન્ડના 65 ટકા નાણાં ભાજપને મળ્યા
કોર્પોરેટ બોન્ડની જેમ જ ઇલેક્ટ્રોક બોન્ડ જેને સાદી ભાષામાં ચૂંટણી બોન્ડ કહેવાય છે તે મારફતે પણ નાણાં મેળવવામાં ભાજપ તમામ રાજકીય પાર્ટીઓમાં સૌથી આગળ રહ્યુ છે. એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના એક રિપોર્ટ અનુસાર નાણાંકીય વર્ષ 2017-18થી 2020-21 સુધીના પાંચ વર્ષમાં તમામ રાજકીય પાર્ટીઓને ચૂંટણી બોન્ડથી 6526.58 કરોડ રૂપિયા મળ્યા છે. જેમાં સૌથી વધારે નાણાં પણ ભાજપને જ મળ્યા છે.
છેલ્લા પાંચ વર્ષમાં ભાજપને ચૂંટણી બોન્ડ મારફતે 4238.27 કરોડ રૂપિયાનું યોગદાન મળ્યુ છે, જે કુલ ઇલેક્ટ્રોલ બોન્ડની 65 ટકા રકમ છે. ભાજપને ચૂંટણી બોન્ડ મારફતે નાણાંકીય વર્ષ 2020-21માં સૌથી વધારે 2555 કરોડ રૂપિયાની આવક થઇ છે, જે લોકસભા ચૂંટણીનું વર્ષ હતું. તો વર્ષ 2018-19માં પાર્ટીએ 1450.89 કરોડ રૂપિયા ચૂંટણી બોન્ડ મારફતે મેળવ્યા હતા.

જો અન્ય રાજકીય પાર્ટીઓની વાત કરીયે તો ચૂંટણી બોન્ડથી નાણાં મેળવવાના મામલે 716.20 કરોડ રૂપિયા સાથે કોંગ્રેસ બીજા ક્રમે છે અને તે કુલ ઇલેક્ટ્રોક બોન્ડ મારફતે મેળવેલા કુલ 6500 કરોડ રૂપિયાનો 11 ટકા હિસ્સો છે. આમ આદમી પાર્ટીને ચૂંટણી બોન્ડથી 23.71 કરોડ રૂપિયા મળ્યા છે.
લોકસભા ચૂંટણીના વર્ષમાં સૌથી વધુ દાન મળ્યું
છેલ્લા પાંચ નાણાંકીય વર્ષની વાત કરીયે તો વર્ષ 2019-20માં રાષ્ટ્રીય પક્ષોને સૌથી વધુ નાણાં મળ્યા છે, જે લોકસભા ચૂંટણીનું વર્ષ હતું. રાષ્ટ્રીય પક્ષોને સૌથી વધુ રૂ. 4760.09 કરોડ જ્યારે પ્રાદેશિક પક્ષોને રૂ. 1089.422 કરોડની આવક થઇ હતી

નાણાકીય વર્ષ 2018-19માં પણ ભાજપ કોર્પોરેટ ડોનેશન મેળવનાર રાજકીય પાર્ટીઓમાં સૌથી મોખરે હતું. તે વર્ષે ભાજપને 524 કોર્પોરેટ ડોનેશનમાંથી 46.22 કરોડ રૂપિયા મળ્યા હતા. જે કોંગ્રેસને મળેલા 2.61 કરોડ રૂપિયાના ડોનેશન કરતા લગભગ 18 ગણી વધારે રકમ છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી છે. 1લી ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન અને 5મી ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાશે અને 8 ડિસેમ્બરના રોજ મત ગણતરી થશે.