પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે આજનો દિવસ ખૂબ જ દુઃખદ સાબિત થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા (PM Modi Mother Heeraba Death) એ યુ.એન.મહેતા હોસ્ટિપલમાં આજે શુક્રવારે વહેલી સવારે 3.30 વાગ્યે દેવલોક પામ્યા છે. આ સમાચાર અંગે હોસ્પિટલ તેમજ પીએમ મોદીએ માતા હીરાબાને શ્ર્દ્ધાજંલિ (PM Modi Twitter) આપતા સત્તાવાર રીતે જાહેરાત કરી છે. મંગળવારે (27 ડિસેમ્બર) હીરાબાની તબિયત બગડતાં તેમને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા.
પીએમ મોદીએ માતા હીરાબાને શ્રદ્ધાજંલિ આપી
પીએમ મોદીએ માતા હીરાબાને ટ્વિટમાં શ્રદ્ધાજંલિ (PM Modi Mother Heeraba Tribute Tweet ) અર્પણ કરતા તેમની છેલ્લી સલાહને યાદ કરી છે. પીએમ મોદીએ લખ્યું કે, “ગૌરવપૂર્ણ સદી ભગવાનના ચરણોમાં વિરાજે છે… મેં હંમેશા માતામાં તે ત્રૈક્ય અનુભવ્યું છે, જેમાં એક તપસ્વીની યાત્રા, એક નિઃસ્વાર્થ કર્મયોગીનું પ્રતીક છે તેમજ મૂલ્યો માટે પ્રતિબદ્ધ જીવન.”
પીએમ મોદીને માતાની સલાહ
પીએમ મોદીએ અન્ય એક ટ્વીટમાં લખ્યું કે, હું જ્યારે માતા હીરાબાને તેમના 100માં જન્મદિવસ પર મળ્યો હતો ત્યારે એક સલાહ આપી હતી…”કામ કરો બુદ્ધિથી, જીવન જીવો શુદ્ધિથી”.
પીએમ મોદીની હીરાબા સાથે મુલાકાત
પીએમ મોદી 18 જૂને માતા હીરાબાને તેમના 100મા જન્મદિવસના અવસર પર મળવા આવ્યા હતા અને તેમને અભિનંદન પાઠવ્યા હતા. જ્યાં પીએમ મોદીએ તેમની માતા સાથે લગભગ 30 મિનિટ વિતાવી હતી. આ દરમિયાન તેણે માતાના પગ ધોયા અને તેમને મીઠાઈ ખવડાવી. જે બાદ માતાના આશીર્વાદ લીધા હતા.
પીએમ મોદીએ માતાને હીરાબાને પત્ર લખ્યો હતો
PM મોદીએ તેમની માતાને તેમના 100માં જન્મદિવસ પર એક પત્ર લખ્યો હતો. પીએમ મોદી તેમની માતા માટે આમાં મોદીએ તમામ યાદોને તાજી કરીને તેમના જીવનમાં માતાનું મહત્વ સમજાવ્યું હતું. પત્રમાં લખ્યું હતું, “મા, આ માત્ર એક શબ્દ નથી. આ જીવનની અનુભૂતિ છે જેમાં સ્નેહ, ધૈર્ય, વિશ્વાસ, ઘણું બધું સમાયેલું છે. આ ઉપરાંત મોદીએ પોતાની ઓફિશિયલ વેબસાઈટ Maa પર માતા હીરાબા માટે એક બ્લોગ પણ લખ્યો હતો. જેમાં તેણે લખ્યું કે, મારી માતા જેટલી સરળ છે તેટલી જ બધી માતાઓની જેમ અસાધારણ પણ ખરા.
વડાપ્રધાન મોદીએ પોતાના બ્લોગમાં શું લખ્યું હતુ ?
મારી માતાનો જન્મ ગુજરાતમાં મહેસાણાના વિસનગરમાં થયો હતો, જે મારા વતન વડનગરની નિકટ છે. તેમને તેમની પોતાની માતાનો પ્રેમ મળ્યો નહોતો. નાની વયે તેમણે મારા નાનીને સ્પેનિશ ફ્લૂ મહામારીમાં ગુમાવી દીધા હતા. તેમને મારી નાનીનો ચહેરો પણ યાદ નથી. તેમની પાસે મારી નાનીમાના ખોળામાં પસાર થયેલી બાળપણની યાદો પણ નથી. મારા માતાએ તેમનું સંપૂર્ણ બાળપણ તેમની માતા વિના પસાર કર્યું હતું.
આ સાથે પીએ મોદીએ લખ્યું કે, આપણા બધાને જે લાડકોડ મળ્યાં છે, તેનો અનુભવ મારી માતા મેળવી શકી નહોતી. જેમ આપણે આપણી માતાના ખોળામાં નિશ્ચિંત થઈને સૂતાં હતાં, તેમ મારી માતા તેમની માતાના ખોળામાં એ દૈવી અહેસાસ મેળવી શક્યાં નહોતાં. મારી માતા શાળામાં અભ્યાસ માટે પણ જઈ શક્યાં નહોતા. એટલે સ્વભાવિક છે કે, તેમને લખતાં-વાચતાં આવડ્યું નથી. તેમનું બાળપણ ગરીબીમાં પસાર થયું હતું અને તમામ પ્રકારના સુખભોગ કે લાડકોડથી વંચિત રહ્યાં હતાં.
આજની સરખામણીમાં મારી માતાનું બાળપણ બહુ જટિલ સ્થિતિમાં પસાર થયું હતું. કદાચ, કુદરતે તેમની આ જ નિયતિ ઘડી હતી. મારા માતા પણ માનતા કે, ઈશ્વરને ગમ્યું એ ખરું. પણ પોતાની બાલ્યાવસ્થામાં માતાને ગુમાવવી, પોતાની માતાનો ચહેરો જોવાનું પણ નસીબમાં ન હોવું એ હકીકતનું તેમને પણ દુઃખ હતું.
આ પ્રકારના સંઘર્ષ અને જટિલ સ્થિતિસંજોગોને કારણે મારી માતાને બાળપણ માણવા મળ્યું જ નહોતું – તેમને ઉંમર કરતાં વધારે પરિપક્વ થવાની ફરજ પડી હતી. તેમના પરિવારમાં તેઓ સૌથી મોટું સંતાન હતાં અને લગ્ન પછી અમારા પરિવારમાં તેઓ સૌથી મોટી વહૂ બન્યાં હતાં. પોતાના બાળપણમાં તેમણે સંપૂર્ણ પરિવારની જવાબદારી ઉઠાવી હતી અને તમામ પ્રકારની કામગીરી સારી રીતે પાર પાડતાં શીખી ગયા હતા. લગ્ન પછી પણ તેમણે અમારા પરિવારમાં તમામ જવાબદારીઓ ઉઠાવી લીધી હતી. ઘણી જવાબદારીઓ અને રોજિંદા સંઘર્ષો હોવા છતાં મારી માતાએ ધીરજ અને મક્કમ મનોબળ સાથે સંપૂર્ણ પરિવારને એકતાંતણે જોડી રાખ્યો છે.