Bhupendra Zhala: ગુજરાતમાં 6000 કરોડ રૂપિયાનું કૌભાંડ સામે આવતા ચકચાર મચી જવા પામી છે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રાજ્યમાં આ કૌભાંડ અત્યાર સુધીનું સૌથી મોટું કૌભાંડ છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના લોકો આ પોંઝી સ્કિમ કૌભાંડના ભોગ બન્યા છે. આ કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ લોકોને ઊંચા વ્યાજ અને ગોવાની ફ્રી ટ્રીપના નામે ફસાવ્યા હતા અને રોકાણ કરાવ્યું હતું. જોકે હવે આ મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા ફરાર થઈ ગયો છે અને તેના 7 જેટલા એજન્ટોને સીઆઈડી ક્રાઈમે ઝડપી પાડ્યા છે.
શું હતી કૌભાંડની મોડસ ઓપરેન્ડી
હિંમતનગર રાયગઢમાં ઝાલાનગર ભુપેન્દ્રસિંહ પરબતસિંહ બી.ઝેડ ટ્રેડર્સ, બી.ઝેડ સર્વીસ, બી.ઝેડ. ગ્રૂપ જેવી ત્રણ જેટલી સીઈઓ તરીકે કાર્યરત તલોદ, હિંમતનગર, જિલ્લામાં વિજાપુર, જિલ્લામાં મોડાસા ખાતે, ગાંધીનગરમાં ઓફિસો બીજા એજન્ટો રાખી જુદા જુદા શહેરોમાં હતી. આ ઓફિસ ઉંચા વળતરની લાલચ આપી કરોડો ઉઘરાવ્યા હતા. રાષ્ટ્રીયકૃત બેંક અને અન્ય નાણાંકીય સંસ્થા કરતા રોકાણકારોને ફિક્સ એફડી પર 7 ટકા અને મૌખિક 18 ટકા ઉંચા વ્યાજની લાલચ અને તેની સાથે 5 લાખના રોકાણ પર 32 ઈંચનું એલઈડી ટીવી, 10 લાખના રોકાણ પર ગોવાની ફ્રી ટૂર આરોપીઓ આપતા હતા. આ રીતે રોકાણકારોને ઉંચા વ્યાજની લાલચ આપી શરૂઆતમાં રોકાણ સામે કહ્યા મુજબ ઉંચું વ્યાજ ચુકવી વિશ્વાસ સંપાદન કરી આરોપીઓએ 6 હજાર કરોડ રૂપિયા રોકાણકારો પાસેથી ઉઘરાવી લીધા હતા.
ભૂપેન્દ્રસિંહ ઝાલાની પ્રોફાઈલ – Bhupendra Zhala profile
ભૂપેન્દ્રસિંહ ઝાલા માત્ર 30 વર્ષનો છે અને તે અપરિણીત છે. પરિવારમાં માતા-પિતા છે. પિતાનું નામ પરબતસિંહ ઝાલા અને માતા મધુબેન ઝાલા છે. સમગ્ર કૌભાંડ સામે આવ્યા બાદ ભૂપેન્દ્રસિંહ ઝાલા અને તેના માતા-પિતા પણ ફરાર છે. ભૂપેન્દ્રએ વર્ષ 2015માં મોડાસાની પીટી સાયન્સ કોલેજથી B.Sc, વર્ષ 2017માં તખતપુરની સર પીટી સાયન્સ કોલેજમાંથી B.Ed કર્યું છે. ત્યાં જ તેણે તખતપુરની ડી.કે. પટેલ એમ.એડ કોલેજમાંથી M.Ed કર્યું છે. આ મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ મોડોસાની લો કોલેજમાં પણ અભ્યાસ કર્યો છે તેણે વર્ષ 2023માં એલએલબી (બીજા વર્ષ) નો પણ અભ્યાસ કર્યો છે.
આ પણ વાંચો: મહિલાએ બે દીકરીઓ સાથે કેમ પસંદ કર્યો આપઘાતનો રસ્તો, કોઈ માતાને આવો દિવસ જોવો ન પડે
ભૂપેન્દ્રસિંહ ઝાલાની સંપત્તિ
આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા પાસે કૂલ 9 બેંક એકાઉન્ટ છે અને તેના પિતાની પાસે 3 બેંક એકાઉન્ટ છે. પોતાની પાસે માત્ર 47 ગ્રામ સોનુ, પિતા પાસે 40 ગ્રામ સોનુ, માતાની પાસે 25 ગ્રામ સોનુ હોવાનું તેણે પોતે એક સોગંધનામામાં જણાવ્યું હતું. ત્યાંજ આરોપી ભૂપેન્દ્રએ વર્ષ 2021 થી 2023 સુધીમાં 10 એકડ જેટલી જમીન પણ ખરીદી હતી. જોકે 6000 કરોડ રૂપિયાનું કૌભાંડ કરનાર આરોપી ભૂપેન્દ્રએ ઈન્કમટેક્સ રિટર્નમાં વર્ષ 2022-23માં માત્ર 17,94,820 રૂપિયા જ આવક દર્શાવી હતી. જોકે તેના વતન રાયગઢના ઝાલાનગર સ્થિત તેનો વૈભવી બંગલો છે અને તેની પાસે લક્ઝુરીયસ કારનો કાફલો હોવાનું પણ કહેવાય છે.

આરોપીએ લોકસભાની ચૂંટણીમાં અપક્ષ ફોર્મ ભર્યું હતું
ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ગત લોકસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું. જે બાદ તેણે પોતાના લોકો સાથે મળી શત્તિપ્રદર્શન પણ કર્યું હતું અને તેના પછી રાજકીય ગલીયારાઓમાં પણ તેના નામની ચર્ચા થવા લાગી હતી અને તેને ભાજપના એક નેતાના કહેવાથી પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી અને વિધિવત રીતે ભાજપનો સભ્ય બની ગયો હતો. ત્યાં જ ભૂપેન્દ્ર ઝાલા ભાજપમાં જોડાયા બાદ રાજકીય વગદાર બને માટે પક્ષમાં સક્રિય બન્યો હતો અને ગામડે ગામડે તેણે ગ્રામજનો સાથે મેળાવડા કર્યા હતા. જે બાદ તેણે સામાજીક અને ગ્રામીણ લોકો સાથે મેળાવડા પણ કર્યા હતા. જે બાદ તેણે વધુ લોકોને પોતાની ઝાળમાં ફસાવીને તેમના રૂપિયા એંઠી લીધા હતા. સોશિયલ મીડિયામાં રાજકીય નેતાઓની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પણ તેની તસવીરો છે.
આ મામલે પોલીસે સાત સ્થળે દરોડા પાડીને 16,37,900ના રોકડ રકમ, 2 ડીસ્પલે, બે સીપીયુ, 3 લેપટોપ, 4 પ્રિન્ટર, 11 મોબાઈલ ફોન, કંપનીના 4 પાનકાર્ડ અને જુદા ડોક્યુમેન્ટ કબ્જે લીધા હતા. સીઆઈડી ક્રાઈમે બીઝેડ ગ્રૂપના સંચાલક ભુપેન્દ્રસિંહ સહિતના મળતિયાઓ સામે બી.એન. એસ.2023ની કલમ 316(5), 318 (4), 61 (2), તથા જી.પી. આઈ.ડી. એક્ટ 2003ની કલમ 3 અને ધ બેનીંગ ઓફ અનરેગ્યુલેટેડ ડિપોઝીટ સ્કીમ એકટ 2019ની કલમ 21-23 મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.
આ પણ વાંચો: ગુજરાતમાં 6000 કરોડનું કૌભાંડ! ભૂપેન્દ્ર ઝાલા વિરૂદ્ધ લૂક આઉટ સર્કયુલર જાહેર
ભુપેન્દ્ર ઝાલા વિરૂદ્ધ લૂક આઉટ સર્કયુલર જાહેર
સીઆઈડી ક્રાઈમના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ભુપેન્દ્ર ઝાલા વિદેશ ભાગી જાય તેવી માહિતીને પગલે તેની વિરૂદ્ધ એલઓસી (લૂક આઉટ સર્કયુલર) જારી કરી તપાસ હાથ ધરાઈ છે. પોલીસને આરોપીના બે બેંક ખાતામાં આઈડીએફસી બેંકમાં 1,00,20,05,997.20 ( સો કરોડ વીસ લાખ પાંચ હજાર નવસો સત્તાણું રૂપિયા અને 20 પૈસા) અને 75,12,40,016. 32 (75 કરોડ 12 લાખ 40 હજાર 16 રૂપિયા અને 32 પૈસા)ના ટ્રાન્ઝેકશન થયાની વિગતો મળી છે. પોલીસે આરોપીઓના આવા બીજા ખાતા, પર્સનલ ખાતા તેમજ સગાસંબંધીઓ અને મળતિયાઓના બેંક ખાતા અંગે તપાસ શરૂ કરી છે.
પોન્ઝી સ્કીમ શું છે – What is a Ponzi scheme
પોન્ઝી સ્કીમ એ એક રોકાણનું કૌભાંડ છે. જેમાં રોકાણકારને બેંક કરતા વધારે ઊંચા દરે વળતરની લાલચ (પ્રલોભન) આપવામાં આવે છે. શરૂઆતમાં વિશ્વાસમાં લેવા માટે રોકાણકારોને મોટું વળતર આપવામાં આવે છે. જ્યારે નવા નાણાંનો પ્રવાહ ધીમો પડી જાય છે જેના કારણે નફાની ચૂકવણી ચાલુ રાખવી અશક્ય બની જાય અને પછી છેતરપિંડીની આ યોજના પડી ભાંગે છે. આવા અનેક કિસ્સાઓ દેશમાં બન્યા છે અને તાજેતરમાં જ ગુજરાતમાં કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.





