Rahul Gandhi Defamation case : રાહુલ ગાંધી માનહાની કેસ મામલે બે વર્ષની સજા મળ્યા બાદ ઉચ્ચ કોર્ટમાં અપીલ કરવા માટે બહેન પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના અનેક મોટા નેતાઓ સાથે સુરત પહોંચી ગયા હતા. કોંગ્રેસ દ્વારા નીચલી કોર્ટના ચૂકાદાને પડકારવાની કાર્યવાહી કરવામાં આવી. સુરત સેશન્સ કોર્ટે સજા પરની અપીલ સ્વિકાર્યા બાદ વધુ સુનાવણી 3મેના રોજ નક્કી કરી છે. આ પહેલા સુરતની કોર્ટે રાહુલ ગાંધીને પીએમ મોદી પર 2019માં ટીપ્પણી કરવા બદલ માનહાનીના કેસમાં દોષિત માની બે વર્ષની સજા ફટકારી હતી, ત્યારબાદ રાહુલ ગાંધીએ તેમનું સંસદ પદ પણ ગુમાવવું પડ્યું હતું, અને સંસદને મળતો બંગલો પણ ખાલી કરવો પડ્યો હતો.
આજે રાહુલ ગાંધી સુરત પહોંચ્યા છે, ત્યારે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધીની લોકપ્રિયતાથી ભાજપ ડરી ગઈ છે. કોંગ્રેસના હજારો કાર્યકર્તાઓને ગુજરાત પોલીસ દ્વારા શહેરમા્ં આવતા અટકાવવામાં આવી રહ્યા છે. તાનાશાહી ભાજપ સરકાર પોલીસનો દુરુપયોગ કરી રહી છે, અને લોકશાહીનું ગળુ દબાવી રહી છે.
શું છે સમગ્ર મામલો?
વર્ષ 2019માં, ગુજરાતમાં રાહુલ ગાંધીના વિવાદાસ્પદ નિવેદનને લઈને તેમની સામે ફોજદારી માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીએ તેમના નિવેદનમાં કહ્યું હતું કે, ‘…એવું શું છે કે બધા ચોરોની અટક મોદી છે.’ કર્ણાટકમાં ચૂંટણી રેલીમાં રાહુલ ગાંધીના નિવેદન સામે વાંધો ઉઠાવતા, ગુજરાત ભાજપના નેતા અને ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ તેમની સામે ફોજદારી માનહાનિની ફરિયાદ નોંધાવી હતી અને કેસ નોંધવામાં આવ્યો હતો.
તેમની ફરિયાદમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે, આ નિવેદન દ્વારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ માત્ર કોઈ ખાસ વ્યક્તિની જ નહીં પરંતુ સમગ્ર મોદી સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. રાહુલ ગાંધીના આ નિવેદનથી સમાજમાં મોદી સમુદાયના લોકોના સન્માનને ઠેસ પહોંચી છે. તમને જણાવી દઈએ કે, સુરત કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવતા ચુકાદા સામે અપીલ કરવા માટે તેમને 30 દિવસના જામીન પણ આપ્યા હતા. ચુકાદા પછી તેમની પ્રથમ ટિપ્પણીમાં, તેમણે મહાત્મા ગાંધીનો ઉલ્લેખ કરીને ટ્વિટ કર્યું, “મારો ધર્મ સત્ય અને અહિંસા પર આધારિત છે. સત્ય મારો ભગવાન છે, અહિંસા તેને પ્રાપ્ત કરવાનું સાધન છે.”
રાહુલ ગાંધીને કયા કેસમાં સજા થઈ?
રાહુલ ગાંધીને જે કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે તે કેસ 5 વર્ષથી વધુ જૂનો છે. રાહુલ ગાંધીએ ચૂંટણી રેલીમાં ‘મોદી’ અટકને લઈને ટીપ્પણી કરી હતી. જે બાદ ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા તેમની સામે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. સુરત જિલ્લા કોર્ટે 17 માર્ચે આ મામલે સુનાવણી પૂર્ણ કરી હતી અને ત્યારબાદ ચુકાદો અનામત રાખ્યો હતો. 23 માર્ચે રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને તેમને 2 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. જો કે, કોર્ટે તેમને જામીન આપ્યા હતા અને તેમને ઉચ્ચ અદાલતનો સંપર્ક કરવા માટે 30 દિવસનો સમય આપ્યો હતો.
રાહુલને સજા મળ્યા બાદ કેવો રહ્યો કોંગ્રેસનો ઘટનાક્રમ
રાહુલને સાંસદ પદ ગુાવવું પડ્યું
કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધીએ મોદી સરનેમ પર કરેલી ટિપ્પણી પર આપરાધિક માનહાની કેસમાં દોષિત જાહેર થયા પછી વધુ એક ફટકો પડ્યો હતો. રાહુલ ગાંધીની સંસદ સદસ્યતા રદ કરી દેવામાં આવી હતી. રાહુલ ગાંધીના સંબંધમાં લોકસભા સચિવાલયે નોટિફિકેશન જાહેર કર્યું અને તેની કોપી તેમને મોકલી દીધી છે. માનહાની કેસમાં રાહુલ ગાંધીને સુરતની કોર્ટે બે વર્ષની સજા સંભળાવી હતી.
રાહુલ ગાંધીએ ભાજપને નિશાન બનાવ્યું
રાહુલ ગાંધીએ સજા મળ્યા બાદ પ્રથમ વખત નિવેદન આપી પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું, “મેં પહેલા પણ ઘણી વાર કહ્યું છે કે, દેશમાં લોકશાહી પર હુમલો થઈ રહ્યો છે. આના દાખલા આપણે દરરોજ જોઈ રહ્યા છીએ. મેં સંસદમાં પીએમ મોદી અને અદાણી વચ્ચેના સંબંધો વિશે પ્રશ્નો પૂછ્યા. નિયમોમાં ફેરફાર કરીને અદાણીને એરપોર્ટ આપવામાં આવ્યું, મેં સંસદમાં આ અંગે વાત કરી હતી.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પૂછ્યું, “વડાપ્રધાનને એક સરળ પ્રશ્નથી બચાવવા માટે આ એક સંપૂર્ણ નાટક છે – અદાણીની શેલ કંપનીઓના 20,000 કરોડ રૂપિયા કોની પાસે ગયા? હું આવી ધમકીઓ, ગેરલાયકતા કે જેલથી ડરવાનો નથી. જો તેઓ મને કાયમ માટે ગેરલાયક ઠેરવે તો પણ હું મારું કામ ચાલુ રાખીશ. હું સંસદમાં હોઉં કે ન હોઉં તેનાથી કોઈ ફરક પડતો નથી. હું દેશ માટે લડતો રહીશ.”
કોંગ્રેસ આખા ભારતમાં દિવસભર ‘સત્યાગ્રહ’ કરવાનો નર્ણય લીધો
રાહુલ ગાંધી માનહાનિ કેસમાં સજા મળ્યા બાદ રાહુલ ગાંધીનું લોકસભામાં સભ્ય પદ રદ્દ થયું હતુ. જેના વિરોધમાં કોગ્રેસ પાર્ટી કાલે રવિવારે આખો દિવસ સત્યાગ્રહ કરવાનો નિર્ણય લીધો હતો. સત્યાગ્રહ દરેક રાજ્યો અને જિલ્લાના મુખ્યાલયો પર મહાત્મા ગાંધીની પ્રતિમાઓ સામે સવારે 10 વાગ્યાથી 5 વાગ્યા સત્યાગ્રહ કર્યો. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા દિલ્હીના રાજઘાટ ઉપર સત્યાગ્રહ કર્યો.
રાહુલ ગાંધીને બંગલો ખાલી કરવાની નોટિસ મળી
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની સદસ્યતા રદ થયા પછી તેમને 22 એપ્રિલ સુધી લુટિયંસ દિલ્હી સ્થિતિ પોતાનો આધિકારિક બંગલો ખાલી કરવાની નોટિસ મળી હતી. લોકસભા આવાસ સમિતિએ સોમવારે કથિત રીતે રાહુલ ગાંધીને સરકાર દ્રારા આપવામાં આવેલ બંગલો ખાલી કરવા માટે નોટિસ જાહેર કરી હતી. રાહુલ ગાંધી 2004માં લોકસભા સાંસદ ચૂંટાયા પછી 12, તુગલક લેન બંગલો આપવામાં આવ્યો હતો. નિયમ પ્રમાણે તેમને અયોગ્યતા આદેશની તારીખથી એક મહિનાની અંદર પોતાનો બંગલો ખાલી કરવો પડશે. આ પહેલા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ જુલાઇ 2020માં પોતાનો આધિકારિક લોધી એસ્ટેટ બંગલો ખાલી કરવો પડ્યો હતો. બીજી તરફ કોંગ્રેસ પાર્ટીએ કહ્યું કે તે રાજનીતિક અને કાનની રૂપથી રાહુલ ગાંધીની સજા અને અયોગ્યતા સામે લડાઇ લડશે.
રાહુલ ગાંધી પાસે શું વિકલ્પ બચ્યો?
રાહુલ ગાંધીની સજાનો નિર્ણય હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ યથાવત્ રાખશે તો તે આગામી 8 વર્ષ સુધી ચૂંટણી પણ લડી શકશે નહીં. બે વર્ષની સજા પુરી થયા પછી તે છ વર્ષ માટે અયોગ્ય રહેશે. સુરત કોર્ટના ફેંસલા પર રાહુલ ગાંધી ઉપરની કોર્ટમાં પડકાર આપી શકે છે. વધુ વિગત માટે અહીં ક્લિક કરો.