Gujarat monsoon flood: ચોમાસાની શરૂઆતમાં જ મેઘરાજાએ ગુજરાતમાં પોતાનું વિકરાળ સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. રાજ્યના 11 બંધોને પણ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. સમગ્ર રાજ્યમાં વહીવટીતંત્ર એલર્ટ મોડમાં છે. ભારે વરસાદને કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં 18 લોકોએ જીવ ગુમાવ્યા છે. NDRFની 12 ટીમો અને SDRFની 22 ટીમો રાહત અને બચાવ કાર્ય માટે તૈનાત કરી દેવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં લગભગ 139 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
ભાવનગર જિલ્લાના સિહોરમાં નેશનલ હાઇવે 51 પર નવા બનેલા સીસી રોડ પર એક કન્ટેનર ફસાઈ ગયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે કોન્ટ્રાક્ટરે વરસાદને કારણે કામ અધૂરું છોડી દીધું હતું જેના કારણે આ ઘટના બની હતી. કન્ટેનર ફસાઈ જવાથી ટ્રાફિક ખોરવાઈ ગયો હતો. કન્ટેનરને દૂર કરવા માટે બે ક્રેનની મદદ લેવામાં આવી હતી.

ભાવનગરના મહુવામાં વરસાદે તારાજી સર્જી
મહુવામાં ધોધમાર વરસાદના કારણે હોસ્પિટલોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા,. જે બાદ દર્દીઓને મહામહેનતે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. કેટલાક દર્દીઓ જે ઉભા થઈને ચાલી શક્વામાં સક્ષમ ન હતા તેઓને ચાલુ વરસાદમાં સ્ટ્રેચરની મદદ લઈ ખસેડવામાં આવ્યા હતા.
ભાવનગર જિલ્લાના કમલેજ ગામ પાસે ચાર લોકો પાણીના જોરદાર પ્રવાહમાં ફસાઈ ગયા હતા. અચાનક પાણીનો પ્રવાહ આવવાથી બધા લોકો ફસાઈ ગયા હતા. માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. ટીમની તત્પરતાથી ચારેય લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. વહીવટીતંત્રે લોકોને વરસાદની ઋતુ દરમિયાન સાવધાની રાખવા અને પાણી ભરાયેલા વિસ્તારોથી દૂર રહેવાની અપીલ કરી છે.

ગઈકાલે એક પરિવાર નદીમાં ફસાઈ ગયો હતો.
ભારે વરસાદને કારણે ભાવનગરના પાલિતાણા તાલુકાના રંડોળા ગામમાં રાજાવલ નદીમાં પાણી ભરાઈ ગયું હતું. એક કાળી કાર પાણીમાં તણાઈ ગઈ હતી. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે કારમાં એક પરિવારના લગભગ 4 સભ્યો હતા. જોકે, આખા પરિવારને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યો હતો.





