ગુજરાતના નવા મંત્રીમંડળના 90% સભ્યો કરોડપતિ, રિવાબા જાડેજા સૌથી ધનિક; જાણો કેટલી છે તેમની સંપત્તિ

ગુજરાતમાં ગયા અઠવાડિયે રાજ્ય મંત્રીમંડળમાં થયેલા ફેરબદલ બાદ મંત્રીઓ અંગેનો એક અહેવાલ બહાર પાડવામાં આવ્યો છે. તેમાં જણાવાયું છે કે નવા મંત્રીમંડળના સૌથી ધનિક સભ્ય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા છે, જે પહેલી વાર મંત્રી બન્યા છે.

Written by Rakesh Parmar
Ahmedabad October 23, 2025 16:23 IST
ગુજરાતના નવા મંત્રીમંડળના 90% સભ્યો કરોડપતિ, રિવાબા જાડેજા સૌથી ધનિક; જાણો કેટલી છે તેમની સંપત્તિ
ગુજરાતના નવા મંત્રીમંડળમાં રિવાબા જાડેજા સૌથી ધનિક. (તસવીર: X)

ગુજરાતમાં ગયા અઠવાડિયે રાજ્ય મંત્રીમંડળમાં થયેલા ફેરબદલ બાદ મંત્રીઓ અંગેનો એક અહેવાલ બહાર પાડવામાં આવ્યો છે. તેમાં જણાવાયું છે કે નવા મંત્રીમંડળના સૌથી ધનિક સભ્ય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા છે, જે પહેલી વાર મંત્રી બન્યા છે. તેમણે ₹97.35 કરોડની સંપત્તિ જાહેર કરી છે. આ જ અહેવાલ મુજબ જયરામભાઈ ચેમાભાઈ ગામીત મંત્રીમંડળના સૌથી ગરીબ સદસ્ય છે. અહેવાલમાં એમ પણ જણાવાયું છે કે મંત્રીમંડળમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ અત્યંત ઓછું છે, જેમાં 26 સભ્યોમાંથી માત્ર 3 (12%) મહિલાઓ છે. ADR રિપોર્ટ મુખ્યમંત્રી સહિત 26 મંત્રીઓ દ્વારા રજૂ કરાયેલા સ્વ-શપથ લીધેલા સોગંદનામા પર આધારિત છે.

નિઝર મતવિસ્તારના ધારાસભ્ય સૌથી ગરીબ મંત્રી

ADR રિપોર્ટ મુજબ, રાજ્ય મંત્રીમંડળના 26 સભ્યોમાંથી 23 મંત્રીઓ (88%) કરોડપતિ છે. તેમણે ₹1 કરોડથી વધુની સંપત્તિ જાહેર કરી છે, જ્યારે બધા મંત્રીઓની સંપત્તિનું સરેરાશ મૂલ્ય ₹11.12 કરોડ છે. આમાં જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજા સૌથી ધનિક મંત્રી છે, જેમણે ₹97.35 કરોડની સંપત્તિ જાહેર કરી છે. નિઝર (ST) ના ધારાસભ્ય જયરામભાઈ પાસે સૌથી ઓછી સંપત્તિ છે, જેમણે માત્ર ₹46.96 લાખની સંપત્તિ જાહેર કરી છે.

69% સભ્યો પર દેવું

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) ના આ અહેવાલ મુજબ, મંત્રીમંડળના લગભગ 69 ટકા અથવા 18 સભ્યો પર દેવું પણ છે. ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય પુરુષોત્તમભાઈ સોલંકી, કુલ ₹8.93 કરોડની જવાબદારીઓ સાથે આ જૂથમાં આગળ છે.

23% મંત્રીઓ પાસે માત્ર 8મા કે 12મા ધોરણનું શિક્ષણ

શૈક્ષણિક લાયકાત અંગે અહેવાલમાં જાણવા મળ્યું છે કે 16 મંત્રીઓ (62%) ઉચ્ચ શિક્ષિત (સ્નાતક અથવા ઉચ્ચ ડિગ્રી ધારકો) છે, જ્યારે 6 મંત્રીઓ (23%) એ ફક્ત 8મું કે 12મું ધોરણ પૂર્ણ કર્યું છે, અને 4 મંત્રીઓ પાસે ડિપ્લોમા છે.

આ પણ વાંચો: રીલના ચક્કરમાં મોંઢામાં સાત સૂતળી બોમ્બ ફોડ્યા

58% મંત્રીઓ 51 વર્ષથી વધુ ઉંમરના છે

મંત્રીઓની ઉંમરની વાત કરીએ તો ફક્ત 10 (38%) સભ્યોને યુવાન તરીકે વર્ગીકૃત કરી શકાય છે. તેમની ઉંમર 31 થી 50 વર્ષની વચ્ચે છે, જ્યારે 15 મંત્રીઓ (58%) 51 થી 70 વર્ષની વચ્ચે છે. ફક્ત એક મંત્રી 71 વર્ષના છે. ગુનાહિત પૃષ્ઠભૂમિની વાત કરીએ તો ADR રિપોર્ટ મુજબ, 5 મંત્રીઓ (19%) એ પોતાની સામે ગુનાહિત કેસ જાહેર કર્યા છે, જ્યારે એક મંત્રી સામે ગંભીર ગુનાહિત કેસ નોંધાયેલ છે.

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારે શુક્રવારે 26 મંત્રીઓ સાથે નવી કેબિનેટની રચના કરી, જેમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાનો પણ સમાવેશ થાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિવાય સમગ્ર મંત્રીમંડળે રાજીનામું આપ્યાના એક દિવસ પછી જ શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ