Rivaba Jadeja : Gujarat Election ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપે પોતાના 160 ઉમેદવારોના નામ જાહેર કર્યા જેમાં જામનગર ઉત્તરના ઉમેદવાર અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાનું નામ પણ સામેલ છે. રિવાબા નામ જાહેર થયા બાદ જામનગર ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા. ખુબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ રિવાબાને શુભેચ્છા પાઠવવા ઉમટી પડ્યા હતા.
ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પણ પ્રચાર કરશે
રિવાબા જામનગર કાર્યાલય ખાતે પહોંચતા જામનગર શહેર પ્રમુખ, સાંસદ પૂનમબેન માડમ સહિતના નેતાઓએ તેમને શુભેચ્છા પાઠવી હતી. આ સમયે રિવાબાએ પત્રકારો સાથેની વાતચીતમાં વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, હું બહેન દીકરી, યુવાનો, ગરીબો સહિત છેવાડાના માનવી સુધી સારી રીતે પહોંચી શકુ અને તેમની સેવા કરી શકુ તે માટે જ રાજકારણમાં આવી છું, હું ભાજપના એક જ મંત્ર વિકાસના મુદ્દા સાથે લોકો પાસે જઈશ. ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પણ ચૂંટણીના પ્રચારમાં જોડાશે.

રિવાબા જામનગર ઉત્તરથી ભાજપ ઉમેદવાર
ઉલ્લેખનીય છે કે, આ વખતની ચૂંટણીમાં ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા પણ સામેલ છે. ત્રણ વર્ષ પહેલા બીજેપીમાં જોડાનાર રિવાબા અત્યારે ચર્ચામાં રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ પોતાની પહેલી યાદી જાહેર કરી છે. વિધાનસભા ચૂંટણીમાં જામનગર ઉત્તર બેઠક માટે ભાજપે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાને ટિકિટ આપી છે. .
કોણ છે રિવાબા જાડેજા?
રિવાબા જાડેજા મૂળ ગુજરાતના રાજકોટના રહેવાસી છે. તેમના પિતા એક ઉદ્યોગપતિ છે. મિકેનિકલ એન્જીનિયરિંગનો અભ્યાસ કરનાર રિવાબા લાંબા સમયથી સામાજિક કાર્યોમાં સક્રિય છે. તેમણે વર્ષ 2016માં રવિન્દ્ર જાડેજા સાથે લગ્ન કર્યા હતા.
કરણી સેનામાં પણ રહ્યા છે સક્રિય
રિવાબા જાડેજા, રાજપૂત સમુદાયના સંગઠન કરણી સેનાના નેતા રહી ચુક્યા છે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણી પહેલા તેઓ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા હતા. ત્યારથી બીજેપીના તમામ કાર્યક્રમોમાં મંચ ઉપર નજર આવી ચુક્યા છે.
રિવાબા જાડેજા કોંગ્રેસના દિગ્ગજ નેતા હરિસિંહ સોલંકીના સંબંધી
ઉલ્લેખનીય છે કે રિવાબા જાડેજા, કોંગ્રેસના દિગ્ગજ નેતા હરિસિંહ સોલંકીના સંબંધી પણ છે. રિવાબા પોતાનો વધારે સમય રાજકોટ અને જામનગરમાં વિતાવે છે. રાજકોટમાં તેમની એક રેસ્ટોરન્ટ છે જ્યારે જામનગરમાં ઘર છે. જ્યારે રિવાબાએ ભાજપ જોઈન કર્યું ત્યારે પ્રદેશ અધ્યક્ષે કહ્યું હતું કે રિવાબા ગુજરાતનો એક મોટો ચહેરો છે. તેમનું ભાજપ સાથે જોડાવું એક સારો ફાયદો થઈ શકે છે.
આ પણ વાંચો – ભાજપ ઉમેદવાર પ્રથમ યાદી: 38 વરિષ્ઠ નેતાઓની ટિકિટ કપાઈ, 69 ધારાસભ્યોને રિપીટ કરાયા
રવિન્દ્ર જાડેજાના બહેન પણ રાજનીતિમાં છે
રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધ સિંહ જાડેજા અને બહેન નૈના બહેન પણ રાજનીતિમાં છે. નૈતા બા જામનગરમાં મહિલા કોંગ્રેસ અધ્યક્ષની જવાબદારી સંભાળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રવિન્દ્ર જાડેજા માત્ર 17 વર્ષના હતા ત્યારથી તેમની માતાનું નિધન થયું હતું. ત્યારબાદ બહેન નૈનાએ તેમની જવાબદારી સંભાળી હતી અને ક્રિકેટ રમવા માટે પ્રેરણા આપી હતી.