/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/RTE-Gujarat-FAQ.jpg)
RTE હેઠળ પ્રવેશ મેળવતા સમયે મુંઝવતા તમમ સવાલોના જવાબ (તસવીર: rte gujarat)
Gujarat RTE Admission 2025: RTE હેઠળ શાળામાં પ્રવેશ મેળવવા માટે ગુજરાત સરકાર 2025-26 અંતર્ગત પ્રવેશ પ્રકિયાની જાહેરાત કરી છે. આગામી પહેલી જૂન 2025ના રોજ છ વર્ષ પુરા થયેલા હશે તેવા જ બાળકોને ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલ જાણકારી અનુસાર રાઈટ ટુ એજુકેશન પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત 28 ફેબ્રુઆરીથી 12 માર્ચ રાત્રિના 12 વાગ્યા સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. તો ચાલો જાણીએ કે તેના માટે કોણ અરજી કરી શકે છે અને ફૉર્મ ભરવા માટે કેટલા ડોક્યુમેન્ટની જરૂર હોય છે. અને ફોર્મ ભરતા સમયે વાલીઓને મુંઝવતા તમામ સવાલોના જવાબ સહિતની તમામ માહિતી.
આરટીઈ ગુજરાત પ્રવેશ અંગે મુંઝવતા સવાલ જવાબ
સવાલ નંબર 1 : ફોર્મ ભર્યા બાદ ભૂલ જણાય તો શું કરવું?
જવાબ - ફોર્મ ભર્યા બાદ ભૂલ જણાય તો નવું ફોર્મ ભરી શકશે. નવું ફોર્મ ભરતા જૂનું ફોર્મ આપોઆપ રદ થઈ જશે.
સવાલ નંબર 2 : RTE હેઠળ મેળવેલ પ્રવેશ રદ થવા પાત્ર છે કે કેમ?
જવાબ - પ્રવેશ મેળવેલ બાળકનાં વાલીએ પ્રવેશ મેળવવા માટે રજૂ કરેલ આધાર-પુરાવા શાળા/સરકારી વ્યવસ્થા તંત્રને કોઈ પણ તબક્કે શંકાસ્પદ જણાય તો, આવકનાં દાખલા સહિત કોઈ પણ આધારની ખરાઈ કરાવી શકશે, જે તે આધાર-પૂરાવાની ચકાસણીના અંતે પૂરાવા અયોગ્ય જણાય તો સદર વિદ્યાર્થીનો પ્રવેશચાલુ શૈક્ષણિક વર્ષ પૂર્ણ થયે થી રદ કરવામાં આવશે, અને વાલી સામે ખોટા આધાર પૂરાવા રજૂ કર્યા બદલ સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારીશ્રી/જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી કક્ષાએથી નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આવકમર્યાદા લાગુ પડતી હોય તેવી કેટેગરીના સદર યોજના હેઠળ પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓનાં વાલીની આવક પ્રવેશ મેળવ્યા બાદ પછીનાં નાણાકીય વર્ષે નિયત આવક મર્યાદા કરતાં વધુ થાય તો જે તે વાલીએ પ્રવેશ મેળવેલ શાળા મારફતે સબંધિત અધિકારીને લેખીતમાં જાણ કરી પ્રવેશ રદ કરાવવાનો રહેશે. એટલે કે, આ યોજના હેઠળ પ્રવેશ મેળવ્યા બાદ પછીનાં વર્ષોમાં કોઈ વાલીની આવક નિયત મર્યાદા કરતાં વધે તો સદર યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે નહી. BPL કેટેગરી હેઠળ પ્રવેશ મેળવનાર બાળકનાં પિતાનું નામ BPL કેટેગરીમાંથી રદ થાય તો તે બાબતે વાલીએ પ્રવેશ મેળવેલ શાળા મારફતે સબંધિત અધિકારીને લેખીતમાં જાણ કરી પ્રવેશ રદ કરાવવાનો રહેશે. સદર કિસ્સામાં જે તે શૈક્ષણિક વર્ષ પૂર્ણ થાય ત્યાર પછી પ્રવેશ રદ કરવાનો રહેશે તથા આ પ્રકારે પ્રવેશ રદ થયેથી આ નિયમો અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા શાળા અને વિદ્યાર્થીને આપવામાં આવતી સહાય મળવાપાત્ર રહેશે નહિ. સદર વાલી ઈચ્છે તો પોતાનાં બાળકને જે તે શાળામાં સામાન્ય વિદ્યાર્થી તરીકે શાળા દ્વારા નક્કી કરવામાં આવેલ ફી ભરી પ્રવેશ ચાલુ રાખી શકશે.
એક માત્ર દીકરી (સીંગલ ગર્લ ચાઈલ્ડ)ના કિસ્સામાંં માતા-પિતા દ્વારા એક જ પ્રસૂતિમાં એક જ દીકરી જન્મેલી હોય એને જ એક માત્ર દીકરી ગણાશે અને આવી દીકરીના જન્મ પહેલા કે ત્યારબાદ કોઇ સંતાન(દીકરો/દીકરી)નો જન્મ થયેલ હોવો જોઇએ નહિ અને જો આ નિયમો હેઠળ આ લાભ આપવામાં આવે ત્યારબાદ જો કોઇ સંતાનનો જન્મ થયેલ હોય તે પ્રસંગે આ નિયમો હેઠળ લીધેલ નાણાકીય સહાય પરત કરવાની રહેશે અને જે-તે ચાલુ શૈક્ષણિક વર્ષ પૂર્ણ થયા બાદ પ્રવેશ રદ કરવાનો રહેશે. આવા કિસ્સામાં પ્રવેશ રદ થયા બાદ માતા/પિતા/વાલી ઈચ્છે તો પોતાની દીકરીને જે તે શાળામાં સામાન્ય વિદ્યાર્થી તરીકે શાળા દ્વારા નક્કી કરવામાં આવેલી ફી ભરી પ્રવેશ ચાલુ રાખી શકશે.
સવાલ નંબર 3 : જો ભાડાનું મકાન ન હોય તો રહેઠાણના પુરાવા તરીકે કયો પુરાવો માન્ય ગણાશે?
જવાબ - આધારકાર્ડ / પાસપોર્ટ / વીજળી બિલ / પાણી બિલ /ચૂંટણી કાર્ડ / રેશન કાર્ડ/ જો આ મુજબનાં આધાર પૈકી કોઈ એક આધાર હોય તો રજીસ્ટર્ડ ભાડા કરારની જરૂર રહેતી નથી. જો આ મુજબનાં આધાર પૈકી એક પણ આધાર ન હોય તેવા સંજોગોમાં રજીસ્ટર્ડ ભાડા કરાર - ગુજરાત સ્ટેમ્પ એક્ટ 1958 મુજબ નોંધાયેલ ભાડાકરાર માન્ય ગણવામાં આવશે. (નોટોરાઈઝ્ડ ભાડા કરાર માન્ય ગણાશે નહીં)
સવાલ નંબર 4 : રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં ભણતા બાળક માટે કયું પ્રમાણપત્ર જોઇશે?
જવાબ - સરકારી આંગણવાડીમાં ઓછામાં ઓછા 2 વર્ષ અભ્યાસ કરેલ હોય અને ICDS-CAS વેબપોર્ટલ પર જે વિદ્યાર્થીઓના નામ નોંધાયેલ હોય તેવા વિદ્યાર્થીઓએ જે તે આંગણવાડીમાં અભ્યાસ કરેલ છે તે મતલબનું સબંધિત આંગણવાડીનાં આંગણવાડી વર્કર અથવા સરકાર દ્વારા વખતોવખત નક્કી કરવામાં આવેલ સક્ષમ અધિકારીનો પ્રમાણિત કરેલ દાખલો રજુ કરવાનો રહેશે
સવાલ નંબર 5 : જે માતા-પિતાને એકમાત્ર સંતાન હોય અને સંતાન એકમાત્ર દીકરી હોય તો કયું પ્રમાણપત્ર જોઇએ?
જવાબ - ગ્રામ્ય વિસ્તાર માટે તલાટી કમ મંત્રીશ્રી, નગરપાલિકા વિસ્તાર માટે ચીફ ઓફિસર અને મહાનગરપાલિકા વિસ્તાર માટે સક્ષમ અધિકારીનો એક માત્ર દીકરી જ સંતાન(સિંગલ ગર્લ ચાઈલ્ડ) હોવાનો દાખલો રજૂ કરવાનો રહેશે.
સવાલ નંબર 6 : જો કોઈ શાળા પ્રવેશ આપવાની ના પાડે તો તેવી સ્થિતિમાં શું કરશો?
જવાબ - ઓનલાઈન પ્રવેશ ફાળવ્યા બાદ જરૂરી આધાર-પુરાવા સાથે જે તે શાળાનો શાળા સમયે સંપર્ક કરવાનો રહેશે. જે તે શાળા તમારી પાસે જરૂરી આધાર-પુરાવા માંગશે. તમો જરૂરી અધાર-પુરાવા રજૂ કરતા હોય તો પણ શાળા પ્રવેશની ના પાડે તો તાત્કાલિક જે તે જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી/ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી / (મહાનગરપાલિકા વિસ્તારની શાળા માટે જિલ્લા શિક્ષણાધિકારીને મળવું) ની કચેરી ખાતે રૂબરૂ જઈ વાંધા અરજી આપવાની રહેશે.
સવાલ નંબર 7: RTE પ્રવેશના પ્રથમ રાઉન્ડમાં અંતે અને બીજા રાઉન્ડ પહેલા શાળાઓની પસંદગીમાં ફેરફાર કરી શકાય?
જવાબ - હા, RTE હેઠળ પ્રવેશનો પ્રથમ રાઉન્ડ જાહેર થયા બાદ પ્રવેશ ફાળવેલ જે તે શાળામાં જઈ વિદ્યાર્થીઓએ સમયમર્યાદામાં પ્રવેશ મેળવી લેવાનો રહેશે. તથા જે તે શાળાએ જરૂરી તમામ ડોક્યુમેન્ટ જમા કરાવી વેબપોર્ટલ પર સમયમર્યાદામાં અપલોડ કરવાનાં રહેશે. સમયમર્યાદામાં પ્રવેશ ન મેળવનાર વિદ્યાર્થીનો RTE પ્રવેશ રદ કરવામાં આવશે.
ત્યારબાદ બીજા રાઉન્ડમાં પ્રવેશ ફાળવતા પહેલાં પ્રથમ રાઉન્ડનાં અંતે પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થીઓને SMSથી જાણ કર્યા બાદ જણાવેલ સમયમર્યાદામાં વેબપોર્ટલ પર જઈ પોતાનો એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નાખી લોગ ઈન થઈ ખાલી જગ્યા વાળી ઉપલબ્ધ શાળાઓ પૈકી પોતાની પસંદગી મુજબની શાળાઓ પુનઃ પસંદ કરી શકશે. જો SMS ના મળે તોપણ પ્રથમ રાઉન્ડ બાદ વેબપોર્ટલ પર જઈ આપ પસંદગીની શાળામાં જણાવેલ સમયગાળા દરમિયાન ફેરફાર કરી શકશો. પ્રથમ રાઉન્ડમાં જે વિદ્યાર્થિઓને પ્રવેશ ફાળવેલ હોય અને જે તે શાળામાં પ્રવેશ મેળવેલ હોય કે ના મેળવેલ હોય તેવા વિદ્યાર્થીઓ પ્રથમ રાઉન્ડ બાદ અને બીજા રાઉન્ડ પહેલા પુનઃ શાળાની પસંદગી કરી શકશે નહી.
સવાલ નંબર 8: RTE હેઠળ કઈ-કઈ કેટેગરીને અગ્રતાક્રમ મુજબ પ્રવેશ ફાળવવામાં આવે છે?
જવાબ - શાળા ફાળવણી ઠરાવ મુજબ નીચે દર્શાવેલ કેટેગરીનાં અગ્રતાક્રમ મુજબ કરવામાં આવશે.
(1) અનાથ બાળક, (2) સંભાળ અને સંરક્ષણની જરૂરીયાતવાળુ બાળક, (3) બાલગૃહનાં બાળકો, (4) બાળમજુર/સ્થળંતરીત મજૂરનાં બાળકો, (5) મંદ બુદ્ધિ/સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો, ખાસ જરૂરીયાતવાળા બાળકો/શારીરિક રીતે વિકલાંક અને વિકલાંગ ધારા-2016ની કલમ 34(1)માં દર્શાવ્યા મુજબનાં તમામ દિવ્યાંગ બાળક, (6) (ART) એન્ટિ-રેટ્રોવાયરલ થેરેપીની સારવાર લેતા બાળકો, (7) ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી/અર્ધ લશ્કરી/પોલિસદળનાં જવાનનાં બાળકો, (8) જે માતા-પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી જ હોય તેવી દીકરી, (9) રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો, (10) 0 થી 20 આંક ધરાવતા તમામ કેટેગરી (SC, ST, SEBC, જનરલ તથા અન્ય) ના BPL કુંટુંબના બાળકો, (11) અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) કેટેગરીના બાળકો, (12) સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ / અન્ય પછાત વર્ગ / વિચરતી અને વિમુક્ત જાતિના બાળકો, (13) જનરલ કેટેગરી/ બિન અનામત વર્ગના બાળકો
સવાલ નંબર 9 : RTE હેઠળ પ્રવેશ મેળવવા માટે આવક મર્યાદા શું છે?
જવાબ - ઉપરોક્ત દર્શાવેલ 8,9,11,12 અને 13 નંબરની કેટેગરીમાં આવતા બાળકો માટે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત સરકારનાં ઠરાવ ક્રમાંક: સશપ/102011/427/અ-1, તા. 24/10/2017 મુજબ અને આદિજાતિ વિકાસ વિભાગનાં ઠરાવ ક્રમાંક: છતલ/152011/98/ગ, તા. 24/10/2017 મુજબ આવક મર્યાદા લાગુ પડશે.
આ પણ વાંચો: પિતાનું મૃત્યુ અને દેવાનો પહાડ છતાં હાર ન માની, પ્રથમ પ્રયાસમાં જ ગરીબ ઘરની દીકરીએ મેળવી સફળતા
ગ્રામ્ય વિસ્તારમાં રૂ. 1,20,000/- અને શહેરી વિસ્તારમાં રૂ. 1,50,000/-ની આવક મર્યાદા લાગુ પડશે. વધુમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા વખતો વખત જે આવક મર્યાદા નક્કી કરવામાં આવશે તે જે તે શૈક્ષણિક વર્ષના પ્રવેશ માટે લાગુ પાડવાની રહેશે. સૌથી ઓછી આવક ધરાવતા કુટુમ્બનાં બાળકોને પ્રવેશમાં અગ્રતા આપવામાં આવશે.
સવાલ નંબર 10: RTE હેઠળ પ્રવેશ મેળવવા માટે કયાં કયાં આધાર પુરાવા જોઇએ?
જવાબ - આ અંગેની જરૂરી વિગતો જેવી કે અરજી સાથે કયા કયા આધાર-પુરાવા, કયાં અધિકારીના રજૂ કરવાના છે તે સહિતની તમામ વિગતો નીચે મૂકવામાં આવી છે. અરજદાર જરૂરી આધાર-પુરાવા એકઠા કરી ઓનલાઈન અરજી સમયમર્યાદામાં કરી શકે તે માટે પ્રવેશની જાહેરાત અને ઓનલાઈન અરજી કરવાની તારીખ વચ્ચે જરૂરી સમયગાળો રાખવામાં આવેલ છે.
| ક્રમ | દસ્તાવેજનું નામ | માન્ય આધાર-પુરાવાની વિગત |
| 1 | રહેઠાણ નો પુરાવો | - આધારકાર્ડ / પાસપોર્ટ / વીજળી બિલ / પાણી બિલ /ચૂંટણી કાર્ડ / રેશન કાર્ડ/ જો ઉપર મુજબનાં આધાર પૈકી કોઈ એક આધાર હોય તો, રજીસ્ટર્ડ ભાડા કરારની જરૂર રહેતી નથી. - જો ઉપર મુજબનાં આધાર પૈકી એક પણ આધાર ન હોય તેવા સંજોગોમાં રજીસ્ટર્ડ ભાડા કરાર - ગુજરાત સ્ટેમ્પ એક્ટ ૧૯૫૮ મુજબ નોંધાયેલ ભાડાકરાર માન્ય ગણવામાં આવશે. (નોટોરાઈઝ્ડ ભાડા કરાર માન્ય ગણાશે નહીં |
| 2 | વાલીનું જાતીનું પ્રમાણપત્ર | મામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર​ |
| 3 | જન્મનું પ્રમાણપત્ર | ગ્રામ પંચાયત/નગર પાલિકા , મહાનગર પાલિકા, જન્મ/હોસ્પિટલ નોંધણી પ્રમાણપત્ર / આંગણવાડી , બાલવાડી નોંધણી પ્રમાણપત્ર /માતા-પિતા કે વાલીનું નોટોરાઈઝડ સોગંદનામું |
| 4 | ફોટોગ્રાફ | પાસપોર્ટ સાઈઝ કલર ફોટોગ્રાફ |
| 5 | વાલીની આવકનું પ્રમાણપત્ર | આવકનો દાખલો મામલતદારશ્રી અથવા તાલુકા વિકાસ અધીકારીશ્રીનું પ્રમાણપત્ર માન્ય રહેશે. ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ પંચાયતનો તલાટી દ્વારા આપવામાં આવેલ આવકનો દાખલો માન્ય ગણવામાં આવશે અને તે તા. ૦૧/૦૪/૨૦૨૨. પછીનો જ માન્ય ગણાશે. |
| 6 | બીપીએલ | ૦ થી ૨૦ આંક સુધીની BPL કેટેગરીમાં આવતા વાલીએ ગ્રામ્ય વિસ્તાર માટે તાલુકા વિકાસ અધિકારી અથવા નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો દાખલો રજુ કરવાનો રહેશે જ્યારે શહેર વિસ્તાર માટે મહાનગરપાલિકાના કિસ્સામાં નાયબ મ્યુનિસિપલ કમિશ્નર અથવા મહાનગર પાલિકાએ અધિકૃત કરેલ સક્ષમ અધિકારીનો દાખલો, નગરપાલિકા વિસ્તારમાં નગર પાલિકાના ચીફ ઓફિસરનો દાખલો અને નોટીફાઈડ વિસ્તારમાં મુખ્ય કારોબારી અધિકારી અથવા વહીવટી અધિકારીનો દાખલો રજુ કરવાનો રહેશે. જે શહેરી વિસ્તારમાં 0 થી ૨૦ આંક (સ્કોર) ધરાવતા બી.પી.એલ કેટેગરીના લાભાર્થીઓની યાદી ન હોય તેવા વિસ્તારમાં બી.પી.એલ યાદીમાં સમાવેશ થયેલ લાભાર્થીએ જે-તે સક્ષમ અધિકારીનું બી.પી.એલ યાદી નંબર વાળું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. BPL રેશનકાર્ડ BPL આધાર તરીકે માન્ય ગણાશે નહિ. |
| 7 | વિચરતી જાતિઓ અને વિમુકત જનજાતિઓ | મામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર​ |
| 8 | અનાથ બાળક | જે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર |
| 9 | સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક | જે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર |
| 10 | બાલગૃહ ના બાળકો | જે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર |
| 11 | બાળમજૂર / સ્થળાંતરીત મજુરના બાળકો | જે તે જીલ્લાના લેબર અને રોજગાર વિભાગનું શ્રમ અધિકારીનું પ્રમાણપત્ર |
| 12 | સેરેબ્રલી પાલ્સી વાળા બાળકો | સિવિલ સર્જન પ્રમાણપત્ર |
| 13 | ખાસ જરૂરિયાત વાળા બાળકો (દિવ્યાંગ) | સિવિલ સર્જન નું પ્રમાણપત્ર (લઘુતમ 40%) |
| 14 | (ART) એન્ટિ-રેટ્રોવાયરલ થેરેપીની સારવાર લેતા બાળકો | સિવિલ સર્જન પ્રમાણપત્ર |
| 15 | શહીદ થયેલ જવાનના બાળકો | સંબંધિત ખાતાના સક્ષમ અધિકારીનો દાખલો |
| 16 | સંતાનમાં એક માત્ર દીકરી હોય તે કેટેગરી માટે | ગ્રામ્ય વિસ્તાર માટે તલાટી કમ મંત્રીશ્રી, નગરપાલિકા વિસ્તાર માટે ચીફ ઓફિસર અને મહાનગરપાલિકા વિસ્તાર માટે સક્ષમ અધિકારીનો એક માત્ર (સિંગલ ગર્લ ચાઈલ્ડ) હોવાનો દાખલો |
| 17 | સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો | સરકારી આંગણવાડીમાં ઓછામાં ઓછા 2 વર્ષ અભ્યાસ કરેલ હોય અને ICDS-CAS વેબપોર્ટલ પર જે વિદ્યાર્થીઓના નામ નોંધાયેલ હોય તેવા વિદ્યાર્થીઓએ જે તે આંગણવાડીમાં અભ્યાસ કરેલ છે તે મતલબનું સબંધિત આંગણવાડીનાં આંગણવાડી વર્કર અથવા સરકારશ્રી દ્વારા વખતોવખત નક્કી કરવામાં આવેલ સક્ષમ અધિકારીનો પ્રમાણિત કરેલ દાખલો રજુ કરવાનો રહેશે |
| 18 | બાળકનું આધારકાર્ડ | બાળકના આધારકાર્ડની નકલ​ |
| 19 | વાલીનું આધારકાર્ડ | વાલીના આધારકાર્ડની નકલ​ |
| 20 | બેંકની વિગતો | બાળક કે વાલીના બેંક ખાતાની પાસબુકની ઝેરોક્ષ |


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us