Gujarat Gas Leak Case: કચ્છ જિલ્લાના કંડલામાં આવેલા એગ્રો પ્લાન્ટમાં ઝેરી ગેસ લીકેજને કારણે પાંચ કર્મચારીઓના મોત થયાને હજુ 10 દિવસ વિત્યા છે ત્યાં અમદાવાદમાં ગેસ ગળતરના કારણે 2 લોકોના મોતની ઘટના બની છે. અમદાવાદના નારોલ વિસ્તારમાં ગેસ ગળતર થવાને કારણે 2 મજૂરોના મોત નિપજ્યા છે. ત્યાં જ આ ઘટનામાં 7થી વધુ લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી 2 લોકો વેન્ટીલેટેર પર હોવાની જાણકારી પણ સામે આવી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના નારોલ વિસ્તારમાં આવેલી દેવી સિન્થેટિક પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીમા કેમિકલ લીક થવાના કારણે ફેક્ટરીમાં કામ કરતા લોકોને તેની અસર થઈ હતી. જે બાદ તાત્કાલિક ધોરણે તમામ મજૂકોને 108 એમ્બ્યુલન્સની મદદથી મણિનગરની એલજી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. આ ઘટનામાં બે લોકોના મોત નિપજ્યા છે તો ચાર જેટલા લોકોને ગેસની ગંભીર અસર થતા તેઓને આઇસીયુમાં ભર્તી કરાયા છે.
આ ઘટના બાદ ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ગેસ ગળતરને બંધ કર્યું હતું, ત્યાં જ પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો છે.
આ મામલે ફાયર ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પાસેથી માહિતી સામે આવી રહી છે કે, આ ઘટના આજે સવારે 11 વાગ્યાની આસપાસ બની હતી. જેમાં સલ્ફ્યુરિક એસિડ સાથે કોસ્ટિક સોડાનું રિએક્શન થતા આ ઘટના બની હોય શકે છે. હાલમાં તમામ ઈજાગ્રસ્તોને મણિનગરની એલજી હોસ્પિટલ ખાતે ખસેડાયા છે, તમામ લોકો નારોલના જ રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
ઉલ્લેખનિય છે કે, 10 દિવસ પહેલા જ ગુજરાતના કચ્છ જિલ્લાના કંડલામાં આવેલા એગ્રો પ્લાન્ટમાં ઝેરી ગેસ લીકેજને કારણે પાંચ કર્મચારીઓના મોત થયા હતા. તે પૈકી ત્રણ યુવકો મધ્યપ્રદેશના રહેવાસી હતા.
એગ્રો પ્લાન્ટમાં ઝેરી ગેસ લીકેજને કારણે 5 લોકોના મોત
કચ્છના કંડલામાં આવેલી ઈમામી એગ્રો ટેક કંપનીમાં 17 ઓક્ટોબરના રોજ રાત્રે ઝેરી ગેસ લીકેજ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દરમિયાન સુપરવાઈઝર સહિત 4 કામદારો ગૂંગળામણને કારણે બેભાન થઈ ગયા હતા. પોલીસ તેમને સરકારી હોસ્પિટલ લઈ ગઈ પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યો હતા.





