ગુજરાતના ગીર-સોમનાથમાં બુલડોઝર કાર્યવાહી દરમિયાન મામલો બિચક્યો હતો. અહીં વેરાવળના પ્રભાસ પાટણ વિસ્તારમાં ટોળા અને પોલીસ વચ્ચે હિંસાનો મામલો સામે આવ્યો છે. પોલીસે આ ઘટના સંદર્ભે 13 લોકોની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે દરગાહ તોડવાનો વિરોધ વચ્ચે લોકોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, જેના બાદ ટોળા દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે ભીડને વિખેરવા માટે કાર્યવાહી કરી હતી.
ગીર સોમનાથમાં આ ઘટના બની છે. પોલીસ અધિક્ષક જયદીપ સિંહ જાડેજાએ જણાવ્યું કે પ્રભાસ પાટણ વિસ્તારમાં ગેરકાયદેસર દરગાહ તોડવા માટે એક ટીમ પહોંચી હતી. જ્યારે બુલડોઝરની કાર્યવાહી શરૂ થઈ, ત્યારે ત્યાં હાજર ટોળાએ તેનો વિરોધ કર્યો અને પોલીસ દળ પર પથ્થરમારો શરૂ કર્યો.
જે બાદ પોલીસે જવાબ આપ્યો અને ભીડને વિખેરી નાખી, ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા. જે બાદ કામગીરી દરમિયાન પોલીસે 13 લોકોની ધરપકડ કરી અને જણાવ્યું કે હિંસામાં સંડોવાયેલા વધુ વ્યક્તિઓની ઓળખ થઈ રહી છે. આ ઘટના સોમનાથ મંદિરથી માત્ર એક કિલોમીટર દૂર બની હતી.
આ પણ વાંચો: વડોદરા નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઇટ પર મગરનું રેસ્ક્યૂ, મસમોટા મગરને ઊંચકવા ક્રેન બોલાવવી પડી
ઘટનાની વિગતો આપતાં પોલીસે જણાવ્યું હતું કે ગેરકાયદેસર દરગાહ તોડી પાડતી વખતે સ્થાનિક રહેવાસીઓ અને કામદારો વચ્ચે વાતચીત દલીલમાં પરિણમી હતી. પોલીસે જણાવ્યું હતું કે બુલડોઝરોએ સીમા દિવાલ તોડી નાખતાં, આશરે 100 મહિલાઓ અને બાળકો બહાર આવ્યા હતા, અને દલીલ વધુ વણસી હતી.
પોલીસે જણાવ્યું હતું કે સ્થાનિક રહેવાસીઓએ અચાનક પથ્થરમારો શરૂ કર્યો ત્યારે તોડફોડ ચાલુ રહી હતી. તરત જ પોલીસે વળતો જવાબ આપ્યો અને લાઠીચાર્જ કર્યો. ભીડને વિખેરવા માટે ટીયર ગેસ છોડવામાં આવ્યા. ત્યારબાદ પરિસ્થિતિ કાબુમાં આવી અને કામગીરી પૂર્ણ કરવામાં આવી.





