Viral Video: સુરતના લિંબાયતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલા દ્વારા ઉપયોગમાં લેવાતા રૂટ પર ભૂલથી સાયકલ હંકારનાર એક બાળકને માર મારતા કેમેરામાં કેદ થયેલા સબ-ઇન્સ્પેક્ટરને પોલીસે સજા ફટકારી છે.
ગુરુવારે પોલીસ રિહર્સલ કરી રહી હતી ત્યારે આ ઘટના બની હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે સબ-ઇન્સ્પેક્ટર બી.એલ. ગઢવીની સુરતથી મોરબી પરત મોકલી દેવાયા હતા અને તેમનો પગાર વધારો એક વર્ષ માટે મોકૂફ રાખવામાં આવ્યો છે.
શુક્રવારે પોલીસકર્મી દ્વારા છોકરાના ચહેરા પર મુક્કો મારવાનો વીડિયો વાયરલ થયો હતો. જે બાદ સોશિયલ મીડિયામાં આ સબ-ઈન્સપેક્ટર વિરૂદ્ધ લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
તમને જણાવી દઈએ કે, પીએમ મોદીની સુરક્ષામાં કોઈ ખામી ન રહે તે માટે સુરત પોલીસ વિભાગના અધિકારીઓ કાફલાના રૂટનું રિહર્સલ કરી રહ્યા હતા. ગુરુવારે સાંજે રિહર્સલ દરમિયાન, જ્યારે એક કાફલો લિંબાયત મુખ્ય માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પોલીસે સાયકલ ચલાવતા છોકરાને જોયો હતો. કાફલાએ તેની મુસાફરી ચાલુ રાખી પરંતુ મુખ્ય માર્ગ પર તૈનાત એક પોલીસ સબ-ઇન્સ્પેક્ટરે છોકરાને પકડી લીધો અને બાદમાં તેને માર માર્યો હતો.
આ પણ વાંચો: ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની ‘લખપતિ દીદી’
ઉપરથી શૂટ કરાયેલા આ વીડિયોમાં કથિત રીતે પોલીસ દ્વારા છોકરાને માર મારવામાં આવતો દેખાય છે. શુક્રવારે સુરત પોલીસ ટ્રાફિક વિભાગના ડેપ્યુટી કમિશનર અનિતા વાનાણીએ જણાવ્યું હતું કે પોલીસકર્મીની ફરજ પીએમ સુરક્ષા બંદોબસ્તથી હટાવીને સુરત પોલીસ કંટ્રોલ રૂમમાં કરવામાં આવી છે.
બાદમાં સ્પેશિયલ બ્રાન્ચના ડેપ્યુટી પોલીસ કમિશનર હેતલ પટેલે એક પ્રેસ નોટ બહાર પાડીને જણાવ્યું હતું કે પીએસઆઈ બીએલ ગઢવીને મોરબી મોકલવામાં આવ્યા છે. પટેલે જણાવ્યું, “આવું વર્તન સહન કરી શકાય નહીં અને અમે મોરબીના પોલીસ અધિક્ષકને પત્ર લખીને PSIનો એક વર્ષનો પગાર વધારો રોકવાની વિનંતી કરી છે.”