Sujalam Sufalam Jal Abhiyan : રાજ્યમાં સુજલામ સુફલામ જળઅભિયાન આ વખતે માર્ચ-એપ્રિલના બદલે ફેબ્રુઆરીથી પ્રારંભ કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલ કેબિનેટ બેઠકમાં લેવાયેલા અગત્યના નિર્ણયો સંદર્ભે મીડિયાને વિગતો આપતા જણાવ્યું હતુ કે, સુજલામ સુફલામ જળ અભિયાનની સફળતાને પગલે માર્ચ-એપ્રિલના સ્થાને આ વર્ષે રાજ્ય સરકારે જળસંચય અભિયાનને ફેબ્રુઆરી – 2023 થી જ પ્રારંભ કરીને રાજ્યના ખેડૂતોને મહત્તમ લાભ પહોંચાડવાનો નિર્ધાર કર્યો છે.
તેમણે જણાવ્યું કે ગુજરાતમાં મે –2018 થી શરૂ થયેલી સુજલામ-સુફલામ જળ અભિયાનના અત્યાર સુધીમાં પાંચ તબક્કા સફળતાપૂર્વક પૂર્ણ થયા છે. જનભાગીદારી થકી યોજાયેલ આ અભિયાનમાં છેલ્લા પાંચ વર્ષમાં રાજયભરમાં જળસંગ્રહ માટેના 74,510 કામો પૂર્ણ થયા છે. જેનાથી જળ સંગ્રહ ક્ષમતામાં 86,199 લાખ ઘનફુટ વધારો થયો અને રાજ્યના 33 જિલ્લાઓમાં 26,981 તળાવો ઉંડા કરવામાં આવ્યા છે.
ગત વર્ષ 2022માં સુજલામ સુફલામ જળ અભિયન દ્વારા અત્યાર સુધીમાં સૌથી વધું 17,812 કામો પૂર્ણ થયા હતા. જેમાં 20.81 લાખ માનવદિનની રોજગારી શ્રમિકોને મળી હતી જ્યારે 24 હજાર 418 લાખ ઘન ફૂટ જળસંગ્રહ ક્ષમતામાં વધારો થયો હતો.
મંત્રીએ કહ્યું હતુ કે, રાજ્ય સરકારના મહત્વાકાંક્ષી અભિયાનને સ્થાનિક સ્તરે નાગરિકોનો પણ ખૂબ સહયોગ મળ્યો છે. જનભાગીદારી દ્વારા હાથ ધરાયેલ આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ જળ સંચયનો વ્યાપ વધારવો, ભૂગર્ભ જળસ્તર ઉંચા લાવવા, સિંચાઇ વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવી, ખેત ઉત્પાદનમાં વધારો કરવો, પાણીનો બગાડ ઘટાડવો તથા પર્યાવરણમાં સુધારો લાવવાનો રહ્યો છે એમાં પણ સૌ લોકોએ સહયોગ આપ્યો છે જેના પરિણામે આ અપ્રતિમ સફળતા મળી છે.
આ પણ વાંચો – આપની અસર, ગુજરાતમાં નવી શિક્ષણ નીતિનું અમલીકરણ અને વડાપ્રધાન મોદીનું નેતૃત્વ
સરકારના વિવિધ વિભાગોમાં ખાલી જગ્યાઓ સત્વરે ભરવામાં આવશે
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, રાજ્યના યુવાનોને રોજગારી મળી રહે તેવા ઉમદા હેતુથી સરકાર દ્વારા તમામ સરકારી વિભાગોમાં ખાલી જગ્યાઓ- મંજૂર મહેકમને સમયબદ્ધ આયોજન દ્વારા વહેલી તકે ભરવાનો નિર્ણય મુખ્યંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની સરકારે કર્યો છે. રાજ્યમાં યુવાનોને વધુમાં વધુ રોજગારી ઉપલબ્ધ થાય અને વહીવટમાં વધુ સરળતા આવે તેવા હેતુથી આ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યના વિવિધ ભરતી બોર્ડ સાથે પરામર્શ કરીને વહેલી તકે આ તમામ મંજૂર મહેકમ ભરાય તે પ્રકારની આયોજનબધ્ધ કામગીરી હાથ ધરવામાં આવશે.
10 બેગલેસ ડેની જોગવાઈ
મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ની જોગવાઈ હેઠળ આવતા પ્રિ- વોકેસનલ વિદ્યાર્થીઓ કે જેઓ 6 થી 8 ધોરણમાં અભ્યાસ કરી રહ્યા છે, તેઓ માટે 10- બેગલેસ ડે ની જોગવાઈ કરવામાં આવી છે. જેનો હેતુ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સમજણના કૌશલ્ય સાથે જોડવાનો છે. જેમાં જુદા જુદા સ્થાનિક વ્યવસાયો અંતર્ગત વિદ્યાર્થીઓને જીવંત અનુભવો પૂરા પાડવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓને બેંક, ઉદ્યોગો, યુનિવર્સિટી, આઈટીઆઈ જેવી સંસ્થાઓની મુલાકાત કરાવવામાં આવશે. જેના થકી વિદ્યાર્થીઓના જ્ઞાન,સમજણને કૌશલ્ય સાથે જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા સ્થાનિક ઉદ્યોગો, કળા, સંસ્કૃતિ જ્ઞાન-વિજ્ઞાન અને ટેકનોલોજી આધારિત સ્થાનિક ઔધોગિક સંસ્થાઓના અનુભવો દ્વારા કૌશલ્યવર્ધન અને ભાવી કારકિર્દી વધુ ઉજ્જવળ બનશે.
આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓના રસ અને વલણને જાણી શકાશે. જો કે વિદ્યાર્થીને કોઈ ગ્રેડ કે ગુણ આપવામાં આવશે નહીં. શિક્ષક આનો આંતરિક અથવા ગોપનીય મૂલ્યાંકન કરી શકે અને તેનો આંતરિક રેકોર્ડ પણ રાખી શકે છે.