સુરતના એક વેપારીને તાજેતરમાં તેમના મોબાઇલ ફોન પર એક સંદેશ મળ્યો જેમાં તેમને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ એપ્રિલ 2025 ના રોજ ઇ-ચલણ વિશે જાણ કરવામાં આવી હતી. જેમાં ગુનો વીમા વિના વાહન ચલાવવું હોવાનું જણાવાયું હતું અને દંડની રકમ 2,000 રૂપિયા હતી. જોકે આ મામલે સમસ્યા એ હતી કે ઈ-ચલણમાં ઉલ્લેખિત સ્કૂટર 3 નવેમ્બર, 2021 ના રોજ ચોરાઈ ગયું હતું, અને તેણે તે સમયે પોલીસ ફરિયાદ નોંધાવી હતી પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી.
સુરતના વરાછામાં અશ્વની કુમાર રોડ પર એક કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ભરતકામના દોરા મટિરિયલની દુકાન ચલાવતા નરેશ ભોલાને તેમના ચોરાયેલા સ્કૂટર માટે ચલણ મળી રહ્યું હોય તેવું આ પહેલી વાર નથી. 8 નવેમ્બર, 2022 ના રોજ ભોલાને “ભટાર વિસ્તારના સોસ્યો સર્કલ પર બાઇક ચલાવતી વખતે મોબાઇલ ફોન પર વાત કરવા” બદલ સુરત પોલીસ ટ્રાફિક વિભાગ તરફથી 500 રૂપિયાના દંડ સાથેનું ઇ-ચલણ મળ્યું હતું.
તેમણે ધ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું, “મેં તેના પર કોઈ ધ્યાન આપ્યું નહીં કારણ કે મારું સ્કૂટર ચોરાઈ ગયું હતું અને હું તેનો ઉપયોગ કરતો ન હતો, અને મેં પહેલાથી જ પોલીસ ફરિયાદ નોંધાવી દીધી હતી.”
10 એપ્રિલ 2023 ના રોજ, કતારગામ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ ૧૨ એપ્રિલના રોજ સુરતની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ (JMFC) કોર્ટમાં હાજર રહેવા માટે વોરંટ સાથે તેમના ઘરે આવ્યા.
તેમણે કહ્યું,”હું કોર્ટ પહોંચ્યો અને કતારગામ પોલીસ સ્ટેશનમાં આપેલી અરજીની નકલ સુપરત કરી, અને કોર્ટને કહ્યું કે મારું સ્કૂટર 2021 માં ચોરાઈ ગયું હતું. બાદમાં વોરંટ રદ કરવામાં આવ્યું,” ભોલાએ કહ્યું કે તે સમયે, તેણે ફરીથી કતારગામ પોલીસમાં ફરિયાદ નોંધાવી અને ચોરીની ફરિયાદ નોંધવા વિનંતી કરી, પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી કરી નહીં.
આ પણ વાંચો: આખરે આ પુસ્તકમાં શું ખાસ હતું? જેનો પહેલો ભાગ ભારતમાં ગયો અને બીજો ભાગ પાકિસ્તાનમાં
સુરતના ડાભોલી ગામના રહેવાસી ભોલાએ મંગળવારે ફરીથી કતારગામ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે 3 નવેમ્બર, 2021 ના રોજ તે જ્યાં દુકાન ચલાવે છે તે શોપિંગ કોમ્પ્લેક્સની બહાર પાર્ક કરેલું તેનું સ્કૂટર ચોરાઈ ગયું હતું. મંગળવારે સાંજે પોલીસે તેની ફરિયાદના આધારે ચોરીનો કેસ નોંધ્યો. કતારગામ પોલીસ ઇન્સ્પેક્ટર બીકે ચૌધરીએ જણાવ્યું હતું કે, “નરેશ ભોલા દ્વારા દાખલ કરાયેલી ફરિયાદના આધારે ચોરીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. FIR ની નકલ JMFC કોર્ટમાં મોકલવામાં આવશે જેથી તે કોઈ વોરંટનો સામનો ન કરી શકે.”
તેમણે એમ પણ કહ્યું કે પોલીસ એ પણ તપાસ કરશે કે 2021 માં જ્યારે ભોલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી ત્યારે FIR કેમ નોંધવામાં આવી ન હતી. તેમણે વધુમાં કહ્યું કે, “અમે ટ્રાફિક પોલીસ કંટ્રોલ રૂમ અને સુરત શહેર પોલીસ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને જાણ કરી છે કે તેઓ સ્કૂટર પર નજર રાખે જેથી અમે ડ્રાયવરને પકડી શકીએ.” ભોલાને હવે આશા છે કે પોલીસ આખરે ચોરીનો કેસ ઉકેલી નાખશે.