Devbhoomi Dwarka: જ્યારે આખો દેશ મહાશિવરાત્રીની ઉજવણી કરી રહ્યો છે ત્યારે દ્વારકામાંથી એક ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થિત ભીડભંજન ભવનેશ્વર મહાદેવ મંદિરમાંથી એક પ્રાચીન શિવલિંગ ચોરાઈ ગયું છે. આ વાતની જાણ થતાં જ પુજારીને આઘાત લાગ્યો. તેમણે તાત્કાલિક પોલીસને આ ચોરીની જાણ કરી હતી. ચોરીના સમાચાર મળતા જ પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. ચોરીની આ ઘટનાને કારણે વિસ્તારમાં હડકંપ મચી ગયો છે.
પૂજારીને આ રીતે જાણ થઈ
ભીડભંજન ભવનેશ્વર મહાદેવ મંદિર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અરબી સમુદ્રના કિનારે કલ્યાણપુરમાં આવેલું છે. આ એક ખૂબ જ પ્રાચીન મંદિર હોવાનું કહેવાય છે. પોલીસના જણાવ્યા અનુસાર, જ્યારે પૂજારીએ હંમેશની જેમ પૂજા માટે મંદિરનો દરવાજો ખોલ્યો ત્યારે અંદરનું દ્રશ્ય જોઈને તે ચોંકી ગયા હતા. પુજારીએ દરવાજો ખોલતાં જ તેમને ખબર પડી કે શિવલિંગ તેની જગ્યાએથી ગાયબ છે, ત્યારબાદ પુજારીએ પોલીસને આ અંગે જાણ કરી હતી. આ ઘટના મંગળવારે બની હતી.
આ પણ વાંચો: મહાશિવરાત્રી પર કરો મહામૃત્યુંજય જાપ, બની જશે બધા બગડેલા કામ; જાણો વિધિ, અર્થ અને નિયમ
આ મામલાની ગંભીરતાને સમજીને પોલીસે શિવલિંગને શોધવા માટે સ્થાનિક ગુના શાખા, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને ફોરેન્સિક નિષ્ણાતો સહિત અનેક ટીમો તૈનાત કરી છે. આ કેસમાં ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી રહી છે. પોલીસે બીએનએસની કલમ 305 હેઠળ ચોરીનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
એસપીએ આ માહિતી આપી
આ કેસમાં એસપી નિતેશ પાંડેએ જણાવ્યું હતું કે, “ભીડભંજન ભવનેશ્વર મહાદેવ મંદિરના પૂજારીએ પોલીસને જાણ કરી હતી કે કોઈએ મંદિરમાંથી શિવલિંગ ચોરી લીધું છે. ટીમો બનાવવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે. એવી શક્યતા છે કે કોઈએ શિવલિંગને દરિયામાં છુપાવી દીધું હોય તેથી અમે નિષ્ણાત સ્કુબા ડાઇવર્સ અને તરવૈયાઓને બોલાવ્યા છે.” માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે આ મંદિર ઘણી સદીઓ જૂનું હોવાનું કહેવાય છે, જેના પ્રત્યે ભક્તોને ઊંડી શ્રદ્ધા છે.





