‘ભારત સામે આંખ ઊંચી કરી તો ખેર નથી’, ભુજમાં PM મોદીનો પાકિસ્તાન પર આકરો પ્રહાર

વડાપ્રધાનએ કહ્યું કે આતંકવાદ સામે અમારી નીતિ શૂન્ય સહિષ્ણુતાની છે. ઓપરેશન સિંદૂરએ આ નીતિને વધુ સ્પષ્ટ કરી દીધી છે. જે કોઈ ભારતીયોનું લોહી વહેવડાવવાનો પ્રયાસ કરશે તેને તેની જ ભાષામાં જવાબ આપવામાં આવશે.

Written by Rakesh Parmar
May 26, 2025 19:38 IST
‘ભારત સામે આંખ ઊંચી કરી તો ખેર નથી’, ભુજમાં PM મોદીનો પાકિસ્તાન પર આકરો પ્રહાર
ભૂુજમાં પીએમ મોદીએ કહ્યું કે આતંકવાદ સામે અમારી નીતિ શૂન્ય સહિષ્ણુતાની છે. (તસવીર: X)

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ભુજમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. જ્યાં મંચ પર ભુજની અનેક વૃદ્ધ મહિલાઓએ પીએમ મોદીને આશિર્વાદ આપ્યા અને પીએમ મોદીએ માથુ નમાવીને તેમના આશિર્વાદ લીધા. પીએમ મોદીએ કહ્યું કે, કચ્છ સાથે મારો જૂનો સંબંધ છે. કચ્છના લોકો, અહીંના લોકોનો આત્મવિશ્વાસ અછતો વચ્ચે પણ આત્મવિશ્વાસથી ભરેલો છે. આ લોકો હંમેશા મારા જીવનને દિશા આપતા રહ્યા છે. જે લોકો જૂની પેઢીના લોકો છે, તેઓ જાણે છે, વર્તમાનની પેઢીને કદાચ તેનો ખ્યાલ નથી, આજે તો અહીંનું જીવન ખુબ જ સરળ બની ગયું છે પરંતુ તે સમયની સ્થિતિ કંઈક અલગ હતી.

પીએમ મોદીએ કહ્યું કે પાણી માટે કચ્છ સદીઓ સુધી તરસ્યુ, મા નર્મદાએ આપણા પર કૃપા વરસાવી અને મારૂં સૌભાગ્ય છે કે સુકા પ્રદેશમાં પાણી પહોંચાડવા માટેના કામમાં હું નિમિત્ત બન્યો. તેમણે કહ્યું કે, જ્યારે અહીં ભૂકંપ આવ્યો ત્યારે દુનિયાને લાગ્યું કે અહીં બધુ જ સમાપ્ત થઈ ગયું, હવે અહીં કંઈ નહીં થાય. તે ભૂકંપમાં કચ્છ મોતની ચાદર ઓઢી લીધી હતી. પરંતુ મેં ક્યારેય મારો વિશ્વાસ ડગમગાવ્યો નહીં. મારો વિશ્વાસ કચ્છના ખમીર પર હતો. મને વિશ્વાસ હતો કે કચ્છ આ સંકટને હરાવશે, મારૂં કચ્છ ઊભુ થઈ જશે અને તમે બધાએ બિલકુલ એવું જ કર્યું. આજે કચ્છ વેપાર, બિઝનેસ અને ટૂરિઝમનું મોટું સેન્ટર છે. આવનારા સમયમાં કચ્છની આ ભૂમિકા વધુ મોટી થવાની છે.

કચ્છને લઈ શું બોલ્યા પીએમ મોદી?

તેમણે કહ્યું કે, જયારે પણ હું કચ્છના વિકાસને ગતિ આપવા માટે આવું છે તો મને લાગે છે કે હવે કંઈક કરીશ, કંઈક નવું કરીશ અને મારૂ મન રોકાતું જ નથી. આજે અહીં વિકાસ સાથે જોડાયેલા 50 હજાર કરોડથી વધુના પ્રોજેક્ટનો શિલાન્યાસ અને લોકાર્પણ થયું છે. એક સમય હતો જ્યારે આખા ગુજરાતમાં 50 હજાર કરોડની યોજનાઓ સાંભળવા પણ મળતી ન હતી. આજે એક જિલ્લામાં 50 હજાર કરોડ રૂપિયાનું કામ થઈ રહ્યું છે. આપણું કચ્છ હરિત ઊર્જાનું દુનિયાનું સૌથી મોટું કેન્દ્ર બની રહ્યું છે. ગ્રીન હાઇડ્રોજન એક નવા પ્રકારનું ઇંધણ છે. આવનારા સમયમાં કાર, બસ, સ્ટ્રીટ લાઇટ્સ, આ તમામ ગ્રીન હાઇડ્રોજનથી ચાલશે. કંડલા દેશના ત્રણ ગ્રીન હાઇડ્રોજનમાંથી એક છે.

પાકિસ્તાન ટેરરિઝ્મને જ ટૂરિઝમ માને છે: પીએમ મોદી

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે અમારી સરકારનો પ્રયાસ છે કે, તમને પર્યાપ્ત વીજળી પણ મળે અને વીજળીનું બિલ પણ ઝીરો હોય. માટે અમે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ કરી છે. ગુજરાતના લાખો પરિવાર આ યોજના સાથે જોડાઇ ગયા છે. દેશના યુવાનોને વધુમાં વધુ રોજગારી મળે. તે ભાજપ સરકારની પ્રાથમિક્તા છે. ટૂરિઝમ એક એવું સેક્ટર છે, જેમાં મોટી સંખ્યામાં રોજગાર છે. આવનારા સમયમાં અહીંનું પર્યટણ વધુ વિસ્તરશે. સી-ફૂડથી લઈને ટૂરિઝમ અને ટ્રેડ સુધી… કોસ્ટલ રિઝનમાં દેશ એક નવા ઇકોસિસ્ટમનું નિર્માણ કરી રહ્યો છે. ભારત ટૂરિઝમ પર વિશ્વાસ રાખે છે, ટૂરિઝમ લોકોને જોડે છે. પરંતુ પાકિસ્તાન જેવો દેશ પણ છે, જે ટેરેરિઝમને ટૂરિઝમ માને છે અને તે દુનિયા માટે સૌથી મોટો ખતરો છે.

આ પણ વાંચો: આ ગુજરાતી ક્રિકેટરે ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા જ સંન્યાસ લઈ સૌ કોઈને ચોંકાવી દીધા

‘ભારત પર આંખ ઉઠાવનારાઓને છોડવામાં નહીં આવે’

વડાપ્રધાનએ કહ્યું કે આતંકવાદ સામે અમારી નીતિ શૂન્ય સહિષ્ણુતાની છે. ઓપરેશન સિંદૂરએ આ નીતિને વધુ સ્પષ્ટ કરી દીધી છે. જે કોઈ ભારતીયોનું લોહી વહેવડાવવાનો પ્રયાસ કરશે તેને તેની જ ભાષામાં જવાબ આપવામાં આવશે. જે કોઈ ભારત પર નજર બગાડશે તેને કોઈપણ કિંમતે છોડવામાં નહીં આવે. ઓપરેશન સિંદૂર માનવતાનું રક્ષણ અને આતંકવાદનો અંત લાવવાનું મિશન છે. તેમણે વધુમાં કહ્યું કે મેં બિહારમાં એક જાહેર સભામાં ગર્વથી જાહેરાત કરી હતી કે હું આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરીશ. અમે 15 દિવસ સુધી પાકિસ્તાન આતંકવાદ સામે કોઈ કાર્યવાહી કરે તેની રાહ જોઈ, પરંતુ કદાચ આતંકવાદ તેમની આજીવિકા છે. જ્યારે તેણે કંઈ ન કર્યું, ત્યારે મેં ફરીથી દેશની સેનાને છૂટ આપી.

પીએમ મોદીનો પાકિસ્તાન પર જોરદાર પ્રહાર

તેમણે કહ્યું કે ભારતનું લક્ષ્ય આતંકવાદનું મુખ્ય મથક હતું, અમે તેમના પર ચોકસાઈથી હુમલો કર્યો. આ બતાવે છે કે આપણી સેના કેટલી સક્ષમ અને શિસ્તબદ્ધ છે. ભારતની લડાઈ સરહદ પારથી વધી રહેલા આતંકવાદ સામે છે. અમે તે લોકોના દુશ્મન છીએ જેઓ આ આતંકવાદને પોષી રહ્યા છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે પાકિસ્તાનના નાગરિકો અને ખાસ કરીને ત્યાંના બાળકો… મોદી શું કહે છે તે ધ્યાનથી સાંભળો… તમારી સરકાર અને તમારી સેના આતંકવાદને સમર્થન આપી રહી છે. આતંકવાદ પાકિસ્તાનની સરકાર અને સેના માટે પૈસા કમાવવાનું સાધન બની ગયું છે. હવે પાકિસ્તાનના યુવાનોએ નક્કી કરવું પડશે, બાળકોએ નક્કી કરવું પડશે કે શું આ રસ્તો તેમના માટે યોગ્ય છે? શું તે તેમનું કોઈ ભલું કરી રહ્યું છે? આ તમારા ભવિષ્યને બરબાદ કરી રહ્યું છે. પાકિસ્તાનના લોકોએ પાકિસ્તાનને આતંકવાદના રોગથી મુક્ત કરવા માટે આગળ આવવું પડશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ